ગણેશપુરાના મંદિરની આવી રીતે થઈ હતી સ્થાપના, વાંચો આખી ઘટના
Image Courtesy:Ganeshpura.org
ગણેશ ચતુર્થી નજીકમાં જ છે. ગણેશ સ્થાપન માટે પંડાલ પણ તૈયાર થઈ ચૂક્યા છે. ભક્તો બપ્પાના આગમનની તૈયારીમાં વ્યસ્ત છે. ત્યારે આ ગણેશોત્સવ દરમિયાન આપણે જાણીએ ગણેશપુરાના મહાત્મય વિશે. ધોળકા નજીક કોઠ ગામમાં આવેલા ગણેશપુરાના મંદિરનું ભક્તોમાં અનન્ય મહાત્મય છે. જો કે અહીં ભગવાન ગણેશની સ્થાપના કેવી રીતે થઈ તે અંગે મતમતાંતર છે. કોઈ કહે છે કે ભગવાનની મૂર્તિ અહીં સ્વયંભૂ પ્રગટી હતી, તો કોઈ કહે છે કે પાંડવોએ અજ્ઞાત વાસમાં અહીં ગણેશજીની સ્થાપના કરી હતી.
જો કે ગણેશપુરાના ગણપતિ મંદિરની સત્તાવાર વેબસાઈટ પર મંદિરના ઈતિહાસનો આખો ઉલ્લેખ છે. જે મુજબ વિક્રમ સંવત 933ના અષાઢ વદ ચોથના રોજ હાથેલ વિસ્તારમાં ઝાડીઓની વચ્ચે ખોદકામ દરમિયાન ગણપતિજીની મૂર્તિ મળી આવી હતી. વાયકા એવી છે કે જે સમયે ભગવાનની મૂર્તિ મળી ત્યારે મૂર્તિના પગમાં સોનાના ઝાંઝર અને કાનમાં સોનાના કુંડળ ઉપરાંત માથે મુગટ અને પેટે કંદોરો હતા.
જો કે આ મૂર્તિ મળી તે જગ્યા નજીકના ત્રણ ગામ કોઠ, રોજકા અને વંકુટાની વચ્ચે હતી. પરિણામે ભગવાનની મૂર્તિ ક્યાં સ્થપાય તે અંગે ત્રણેય ગામના લોકો વચ્ચે વિવાદ સર્જાયો. છેલ્લે ઉકેલના ભાગ રૂપે એવું નક્કી થયું કે ભગવાન ગણેશની મૂર્તિ એક ગાડામાં મૂકવામાં આવે. જેને બળદ પણ નથી જોડવાનો. ભગવાન જ્યાં ઈચ્છશે, ત્યાં જઈને ગાડું અટકશે, અને ત્યાં ભગવાન ગણેશની સ્થાપના થશે. લોકવાયકા અને ગણેશપુરાની વેબસાઈટ અનુસાર આ ગાડું ગણપતિપુરાનું હાલનું મંદિર છે ત્યાં અટક્યું. અહં દૂદા ભરવાડ નામના વ્યક્તિએ શક્તિમાતાની સ્થાપના કરી હતી.
ADVERTISEMENT
અહીં જ ગાડામાંથી ગણપતિજીની મૂર્તિ ગબડી અને મંદિરની સ્થાપના થઈ. ત્યારથી લઈને આજ સુધી અહીં મંદિરમાં લોકોની શ્રદ્ધા વધતી જ રહી છે. જો કે મંદિરનો જિર્ણોદ્ધાર તો છેક 1928માં સહજાનંદ બાપાએ કરાવ્યો. સહજાનંદ બાપા ણપતિપૂરાના મંદિર પાસેથી પસાર થતા હતા ત્યારે બે રાણો વચ્ચેની જગ્યામાં તેમણે વિશ્રામ કર્યો હતો. તે સમયે કણબી પટેલ નામના ગામના ભગતે બાપાને કોઠ લઈ જવાનો ખૂબ વિનંતી કરી, પરંતુ પરંતુ બાપા ત્યાંથી ગયા નહોતા. તે સમયે સિદ્ધિવિનાયક ગણપતિના ઉત્ખનન અને ગાડામાં બિરાજમાન કરીને તેમને ગણપતિપૂરા લઈ અવાયા તે અંગેનો ઈતિહાસ લિલાપુર ગામના ભરવાડ બારોટ જિલુભાઈ મોહનભાઈના વહીવંચામાંથી નકળતા અહીં ગણપતિનું મંદિર બંધાવાયું હતું.
આ છે મંદિરમાં દર્શનના સમય
આરતીનો સમયઃ સવારે 5.30 મંગળા, રાત્રે 7.30 સંધ્યા
દર્શનનો સમયઃ સવારે 5.30થી રાત્રે 8.30
આ રીતે પહોંચી શકો છો
જો તે પોતાનું વાહન લઈને જતા હો તો અમદાવાદથી વાયા કોઠ-ગાંગડ થઈને, વડોદરાથી વાયા ખેડા ચોકડી-ધોળકા થઈને અને રાજકોટથી વાયા ચોટીલા-બગોદરા અરણેજ થઈને જઈ શકાય અથવા જાહેર પરિવહન (એસટી) બસ, ખાનગી વાહનો સરળતાથી મળી રહે છે.
ટ્રેન દ્વારા જવા માટે સૌથી નજીકનું મોટું રેલવે સ્ટેશન અમદાવાદ છે, જે લગભગ 30 કિલોમીટર દૂર છે.
પ્લેનમાં જવા માટે પણ તમારે અમદાવાદ એરપોર્ટ ઉતરવું પડશે.
મંદિર ટ્રસ્ટ સંચાલિત વિશ્રાંતિ ભુવનમાં કુલ 20થી વધુ એટેચ રૂમની રહેવાની સુવિધા છે. અહીં દર્શને આવતા હરિભક્તોના રોકાણ માટે ઉપલબ્ધતાના આધારે રૂમની સુવિધા મળે છે.
ભોજનની સુવિધાઃ દર્શને આવતા ભક્તો માટે અહીં મંદિર ટ્રસ્ટની ભોજનશાળામાં વિના મૂલ્યે બારે મહિના બે ટંક જમવાની તથા સવારે અને બપોરે વિના મૂલ્યે ચાની સુવિધા ઉપલબ્ધ છે.