મનુષ્ય તરીકે આપણી શું વિસાત કે ગણેશજીને પાણીમાં વિસર્જિત કરી શકીએ?
તસવીર સૌજન્ય : એજન્સી
મનુષ્ય તરીકે આપણી શું વિસાત કે ગણેશજીને પાણીમાં વિસર્જિત કરી શકીએ? પણ વિસર્જન એટલે કે જૂનું તોડીને નવું સર્જન કરવાની પ્રક્રિયાનો પ્રારંભ. મહાભારતના રચયિતા વેદવ્યાસ અને ગ્રંથને લિપિબદ્ધ કરનારા ગણેશજી વચ્ચેના એક પ્રસંગને કારણે ગણેશોત્સવ બાદ મૂર્તિને વિસર્જિત કરવાની પ્રથા પડી છે.
રિદ્ધિ-સિદ્ધિના સ્વામી અને જ્ઞાનના દેવતા એવા પ્રથમ પૂજનીય ગણપતિદાદાનો ભવ્ય મહોત્સવ ચાલી રહ્યો છે. એવું નથી કે આ મહોત્સવ માત્ર ભારતમાં જ ઊજવાય છે. ભારત સિવાય નેપાલ, થાઇલૅન્ડ, ઑસ્ટ્રેલિયા, મલેશિયા, ફિજી, અમેરિકા અને યુરોપના કેટલાક દેશોમાં પણ ગણેશોત્સવ ઊજવાય છે. આવા પાવન અવસરે ગણેશજી વિશે કેટલીક એવી અજાણી વાતો જાણવા જેવી છે જેનો ઉલ્લેખ કે વર્ણન પુરાણોમાં તો છે, પરંતુ સમાજ માટે હજી આજેય એ કથાઓ અજાણી જ રહી ગઈ છે. ગણેશોત્સવ દરમ્યાન આપણે ઠેર-ઠેર ગણેશજીને લગતી પૌરાણિક વાર્તાઓ વાંચી હશે અને હવે તો બે દિવસમાં ગણપતિબાપ્પાની મૂર્તિઓનું વિસર્જન પણ થવા માંડશે. શું તમને પણ દરેક ગણેશચતુર્થી સમયે મનમાં એવો પ્રશ્ન થાય છે કે દોઢ, પાંચ કે દસ દિવસ સુધી ભગવાનને આટલા પ્રેમથી રાખ્યા પછી તેમનું પાણીમાં વિસર્જન શું કામ કરી દઈએ છીએ? અને હા, ગજાનન જે મુખને કારણે અનોખા, વધુ રૂપકડા લાગે છે એ ગજમુખ ગણેશજી માટે કેમ પસંદ થયું એની તમને ખબર છે? એ પણ જાણીશું.
ADVERTISEMENT
બે દિવસ બાદ અનંત ચતુર્દશીના દિવસે ગણેશ-વિસર્જન છે. જે પ્રભુની ભક્તિભાવથી આટલા દિવસ પૂજા-અર્ચના કરી અને પછી તેમની મૂર્તિનું વિસર્જન કરી દેવાનું? મનુષ્ય તરીકે આપણી શું વિસાત કે ગણેશજીને પાણીમાં વિસર્જિત કરી શકીએ. એક દૃષ્ટિએ જોઈએ તો આ પરંપરાનું નામ જ છે વિસર્જન! અર્થાત્ નવું સર્જન અથવા ફરી સર્જન. ખરું પૂછો તો આ ધાર્મિક પરંપરા પાછળની મૂળ કથા પણ કંઈક એ જ પ્રકારની છે.
રિદ્ધિ-સિદ્ધિના સ્વામી અને જ્ઞાનના દેવતા એવા ગણેશજી જિજ્ઞાસાના પૂરક અને જ્ઞાનનો ભંડાર વધારનારા છે. તેમની કથાઓમાં આવતી પેલી મહર્ષિ વેદવ્યાસ સાથેની કથા યાદ છે? બસ એ કથા સાથે જ આ ગણેશ-વિસર્જનની કથા પણ સંકળાયેલી છે.
કથા કંઈક એવી છે કે બ્રહ્મદેવની પ્રેરણાથી મહર્ષિ વેદવ્યાસજી મહાભારત કથાનું સર્જન કરવા તૈયાર તો થયા, પરંતુ વ્યાસજી શ્લોકોની રચના કરવાના હતા. હવે પ્રશ્ન એ હતો કે એને લિપિબદ્ધ કોણ કરશે? વેદવ્યાસજીએ એ માટે ભગવાન શ્રીગણેશને પ્રાર્થના કરી. ગણેશજી વ્યાસજીની પ્રાર્થનાને કારણે મહાભારતની કથાને લિપિબદ્ધ કરવા તૈયાર તો થયા, પરંતુ તેમણે વ્યાસજી સામે એક શરત મૂકી અને કહ્યું કે ‘હું એક વાર લખવાનું શરૂ કરીશ પછી લેખની પૂર્ણ થશે ત્યારે જ અટકીશ. કોઈ પણ કારણથી જો મારે લેખની રોકવી પડી તો હું ત્યાંથી આગળ લખવાનું બંધ કરી દઈશ.’ વ્યાસજી માટે આ શરત ખૂબ મોટી હતી. ગણેશજીએ તો લખવાનું હતું, પરંતુ વ્યાસજીએ તો શ્લોકોનું સર્જન કરવાનું હતું. વ્યાસજીએ ગણપતિની વાત પર વિચાર કર્યો અને કહ્યું કે મને મંજૂર છે, પરંતુ મારી પણ એક શરત છે. તેઓ ગણેશજીને કહે છે કે ‘મારા દ્વારા રચાયેલા દરેકેદરેક શ્લોકને તમારે પૂર્ણ અર્થ સાથે સમજવો પડશે અને સમજ્યા પછી જ તમે એને લિપિબદ્ધ કરશો. ગણેશજી વેદવ્યાસજીની એ શરત સ્વીકારી લે છે.
આ રીતે વ્યાસજી અને ગણેશજીની બેઠક શરૂ થઈ અને મહાભારતની કથાને લિપિબદ્ધ કરવાનું કાર્ય શરૂ થયું. હવે વ્યાસજીએ જોયું કે ગણેશજીની લખવાની ઝડપ અત્યંત ગતિમાન હતી. એક-એક શ્લોકને તેઓ ઘડીના છઠ્ઠા ભાગમાં સમજી લેતા અને લખી કાઢતા, પરંતુ વ્યાસજીએ તો શ્લોકોનું સર્જન કરવાનું હતું એથી તેમને માટે આટલી ઝડપથી રચના કરવાનું શક્ય નહોતું. વ્યાસજીએ એક યુક્તિ કરી. તેમણે થોડે-થોડે અંતરે કઠિન શ્લોકોનું સર્જન કરવા માંડ્યું જેથી ગણપતિજીને એ સમજવામાં થોડો સમય લાગે અને વ્યાસજીને બીજા શ્લોકોનું સર્જન કરવાનો આ રીતે થોડો સમય મળી જાય.
આ રીતે થયું વ્યાસજીનું સર્જન અને ગણેશજીનું લખાણ. તેમની બેઠક સતત ૧૦ દિવસ સુધી ચાલી. આ ૧૦ દિવસ દરમ્યાન ગણેશજીએ ન પાણી પીધું કે ન અન્ન ગ્રહણ કર્યું. બસ તેઓ આ બધા દિવસો સુધી માત્ર લખતા જ રહ્યા, પણ આ પરિસ્થિતિનું પરિણામ કંઈક અણધાર્યું આવવાનું છે એની વ્યાસજીને ત્યારે ખબર નહોતી. પાણી અને અન્ન પણ ગ્રહણ નહીં કરવાને કારણે ગણપતિજીના શરીરનું તાપમાન અત્યંત વધવા માંડ્યું. તેમનું શરીર એટલું તપવા માંડ્યું કે એની ગરમીનો પ્રકોપ વેદવ્યાસજીને પણ અનુભવાતો હતો. એટલે હાથવગા ઇલાજ તરીકે મહર્ષિ વેદવ્યાસજીએ ગણેશજીના આખા શરીરને માટીથી ઢાંકી દીધું જેથી તેમના શરીરને થોડી ઠંડક મળે અને તાપમાન પણ થોડું ઓછું થાય (ગણેશજીની મૂર્તિ માટીમાંથી સર્જિત કરવા પાછળનું તાત્પર્ય આ કથામાંથી આપણે સમજી શકીએ?), પરંતુ ૧૦ દિવસ સુધી સતત ચાલેલી તેમની લેખનક્રિયા અને વળી જળનું ટીપું કે અન્નનો દાણો પણ શરીરમાં ગયો ન હોવાને કારણે આખા શરીરને માટી વડે ઢાંકી દીધું હોવા છતાં ગણેશજીના શરીરનું તાપમાન ઓછું થવાને બદલે ખૂબ વધી ગયું હતું. આખરે લેખની પૂર્ણ થઈ ત્યારે મહર્ષિ વેદવ્યાસજીએ ગણપતિને બાજુના સરોવરમાં ડૂબકી લગાવી સ્નાન કરવાની પ્રાર્થના કરી. ગણેશજી સરોવરમાં ઊતર્યા અને તેમણે અત્યંત આનંદ વદને સરોવરમાં સ્નાન કર્યું. આ સ્નાન દરમ્યાન તેમના શરીરનું તાપમાન ફરી સામાન્ય થઈ ગયું અને ગણેશજી નવી ઊર્જા સાથે નવપલ્લવિત થઈ સરોવરમાંથી બહાર આવ્યા. આ જ કારણથી ગણેશચતુર્થી બાદ ગણપતિજીને પાણીમાં વિસર્જિત કરવાની પરંપરાની શરૂઆત થઈ.
ધર્મ, એની કથાઓ અને ધાર્મિક કાર્યો ક્યારેય કોઈને અંધશ્રદ્ધાનાં દ્વાર સુધી લઈ જવાનાં હોતાં નથી. દરેક કથા અને ઘટનાઓ આપણા જેવા મનુષ્યોને કોઈ ને કોઈ બાબત સમજાવવા માટે કે જણાવવા માટે રૂપક સ્વરૂપ હોય છે. જરૂરી એ છે કે એ કથા પાછળનો સાચો ઉદ્દેશ આપણે સમજીએ અને ત્યાર બાદ એ બાબતને અનુસરીએ. જ્ઞાનના દેવતાનો આ ઉત્સવ ગણેશચતુર્થી પણ આ જ રીતે આપણા જીવનમાં અનેક સત્યો અને જીવનનો ગૂઢાર્થ ઉજાગર કરવાનો ઉત્સવ છે.
ગજમુખી ગણેશજી કેમ છે?
આપણે જાણીએ છીએ કે ગુસ્સામાં આવીને શિવજીએ બાળગણેશનું માથું કાપી નાખેલું અને પછી દેવી પાર્વતીના આક્રંદથી પીગળીને એક હાથીનું માથું બાળગણેશ પર સ્થાપિત કરવામાં આવેલું. શું ખરેખર તમને એવું લાગે છે કે ત્રિકાળદર્શી, દેવોના દેવ એવા મહાદેવ તેમના જ પુત્રનું શીશ માત્ર એટલા માટે કાપી નાખે, કારણ કે ગણેશજીએ તેમને અંત:પુરમાં પાર્વતીજીને મળવા નહોતા જવા દીધા? કારણ કે પાર્વતીમાતા સ્નાન કરતાં હતાં? વળી, આ બન્નેનો જવાબ આપણને પુરાણોમાં મળે છે. મહાદેવ તો ત્રિકાળદર્શી છે. તેમને તો ખબર જ હોવાની કે અંદર જતાં મને રોકનારું આ બાળક બીજું કોઈ નહીં, પરંતુ મારું જ સંતાન છે. તો પછી મહાદેવનો એવો તે કેવો ક્રોધ કે તેઓ જાતે જ પોતાના દીકરાનું શીશ કાપી નાખે?
વાસ્તવમાં ગણેશજીનું શીશ કપાવા પાછળનું મૂળ કારણ એક શ્રાપ હતો. બ્રહ્મવૈવર્ત પુરાણમાં આ વિશેની પૂર્ણ કથા આપણને જાણવા મળે છે. રાક્ષસ રાજ સુકેશ વિશે આપણે બધા જ જાણીએ છીએ. રાક્ષસ રાજ સુકેશના બે પુત્રો હતા માલી અને સુમાલી. પિતા સુકેશની જેમ જ માલી અને સુમાલી પણ મહાદેવના પ્રખર ભક્ત. કઠોર તપસ્યા અને અઘોર યોગ દ્વારા બન્ને સુકેશપુત્રોએ મહાદેવને પ્રસન્ન કર્યા. મહાદેવ પાસે તેમણે વરદાન પ્રાપ્ત કર્યું કે ગમે એવી વિપત્તિ હોય તેમના ઇષ્ટદેવ મહાદેવે એક વાર તેમની સહાય માટે આવવું પડશે. ‘તથાસ્તુ’ કહી મહાદેવ તો અંતર્ધ્યાન થઈ ગયા, પણ માલી અને સુમાલી આ વરદાન મેળવી સ્વચ્છંદ થઈ ગયા. તેમને લાગ્યું કે જાણે આ વરદાનને કારણે તેઓ અમરત્વ પામી ચૂક્યા છે. એ જ મદમાં તેમણે એક વાર દેવલોક પર આક્રમણ કરી નાખ્યું. અત્યંત બળવાન એવા એ બન્ને ભાઈઓને રોકવા માટે સ્વયં સૂર્યનારાયણ તેમની સાથે યુદ્ધ કરવા યુદ્ધક્ષેત્રે હાજર થયા. બન્ને ભાઈઓ વીર જરૂર હતા, પરંતુ સૂર્યદેવના તેજ સામે ટકી શકે એવી તો કોઈની તાકાત નથી. બન્ને ભાઈઓ સૂર્યતેજથી બળવા માંડ્યા. એ સમયે તેમને મહાદેવ તરફથી મળેલું વરદાન યાદ આવ્યું અને તેમણે મહાદેવને પ્રાર્થના કરી. ઇષ્ટદેવ મહાદેવ સ્વયં ઉપસ્થિત થયા અને વરદાન અનુસાર તેમના ભક્તોને કાજ મહાદેવે માલી અને સુમાલી પર પ્રહાર કરતા સૂર્યદેવને રોકવાનો પ્રયત્ન કર્યો, પરંતુ એ ઘડીએ અસુરો સામે લડતા સૂર્યદેવનો ક્રોધ એવો ચરમસીમાએ પહોંચી ચૂક્યો હતો કે તેમણે પ્રહાર રોક્યો નહીં અને પોતાના ભીષણ તેજનો માલી અને સુમાલી પર પ્રહાર કર્યો. એને કારણે બન્ને દૈત્ય ભાઈઓ અચેત થઈને પટકાયા, તેમના આખા શરીરે કોઢ થઈ આવ્યો.
ભગવાન મહાદેવનું આ રીતે અપમાન થાય અને સૂર્યદેવ તેમનું કહેણ ન સાંભળે એ દેવાધિદેવ મહાદેવની ખૂબ મોટી અવહેલના હતી. ક્રોધિત મહાદેવે પોતાના ત્રિશૂળના પ્રહાર દ્વારા સૂર્યદેવનું મસ્તક કાપી નાખ્યું. ધડથી અલગ શીશ સાથે સૂર્યદેવ પટકાયા અને સમગ્ર સંસાર પર અંધકાર છવાઈ ગયો. સૂર્યનારાયણ બ્રહ્માજીના પૌત્ર એવા કશ્યપનું સંતાન. અચાનક આ રીતે સંસાર પર અંધકાર છવાઈ જવાને કારણે સમગ્ર દેવલોકમાં હાહાકાર મચી ગયો. બ્રહ્માજીના પુત્ર મહર્ષિ મરીચિના દીકરા એવા મહર્ષિ કશ્યપને ખબર મળ્યા કે આદિત્યોમાંના એક એવા તેમના પુત્ર સૂર્યદેવનું મૃત્યુ થયું છે. ત્યારે અત્યંત ક્રોધમાં આવી ગયેલા કશ્યપ મહાદેવ પાસે ગયા અને તેમણે ક્રોધાવેગમાં મહાદેવ માટે શ્રાપનું ઉચ્ચારણ કરી નાખ્યું. તેમણે કહ્યું, ‘જે રીતે આજે તમે મારા દીકરાનું મસ્તક કાપ્યું છે એ જ રીતે એક દિવસ તમારે તમારા જ હાથે પોતાના પુત્રનું મસ્તક કાપવું પડશે. હમણાં જે રીતે હું મારા મૃત દીકરાની પીડા ભોગવી રહ્યો છું એ જ પીડા તમારે પણ ભોગવવી પડશે!’
મહાદેવને આ રીતે શ્રાપ આપ્યા બાદ કશ્યપઋષિનો જ્યારે ક્રોધ થોડો શાંત થયો ત્યારે તેમને અત્યંત ગ્લાનિનો અહેસાસ થવા માંડ્યો. ત્રિકાળજ્ઞાની, સર્વ દેવોના દેવ એવા મહાદેવ માટે આ રીતે શ્રાપ ઉચ્ચાર્યો એ બાબતે તેમને અત્યંત દુઃખ થઈ રહ્યું હતું. ત્યારે બ્રહ્માજીએ મહાદેવને કહ્યું, ‘હે મહાદેવ, સૂર્યનારાયણના અભાવે સમગ્ર સંસારમાં અંધકાર ફેલાઈ ગયો છે. રોગ, જીવાણુ, નિરાશા જેવા અનેક અસુરો આ પૃથ્વી પરથી જીવનનો પણ નાશ કરી નાખશે. કૃપા કરીને સૂર્યદેવને પુનર્જીવન બક્ષો!’ એક તરફ બ્રહ્મદેવની પ્રાર્થના અને બીજી તરફ મહર્ષિ કશ્યપની પુત્ર માટેની પીડા એ બન્નેથી મહાદેવ દ્રવિત થઈ ઊઠ્યા અને તેમણે સૂર્યદેવને જીવનદાન બક્ષ્યું.
પુત્રને પુનર્જીવિત થયેલો જોઈને કશ્યપઋષિ મહાદેવની ક્ષમા માગે છે અને પ્રાર્થના કરે છે કે ‘હે મહાપ્રભુ, હું મારા શ્રાપનું કઈ રીતે નિવારણ કરું એ મને સમજાતું નથી.’ ત્યારે મહાદેવ કહે છે, ‘હે મહર્ષિ, તમે પ્રજાપતિ છો. તમારું વચન ક્યારેય ખોટું સાબિત નહીં થઈ શકે એથી ભવિષ્યમાં જે ઘટિત થવા યોગ્ય છે એ થઈને જ રહેશે!’ મહર્ષિ કશ્યપ કહે છે, ‘હે મહાદેવ, જે રીતે મારા પુત્રના પ્રાણ લઈ શકે એટલી ક્ષમતા સમગ્ર બ્રહ્માંડમાં માત્ર તમારી છે એ જ રીતે તેને પુનર્જીવન અર્પી શકવાની ક્ષમતા પણ માત્ર અને માત્ર તમારી જ પાસે છે. હે મહાપ્રભુ, જે રીતે તમે મારા પુત્રને જીવન બક્ષ્યું છે એ જ રીતે તમારા સંતાનનું શીશ કપાયા બાદ તમે જ તેને પુનર્જીવન પણ અર્પણ કરશો!’ મહર્ષિ કશ્યપના આ કથનને પણ મહાદેવે હસતા મોઢે સ્વીકૃતિ આપી.
બર્હ્મવૈવર્ત પુરાણમાં પ્રસ્તુત એવી આ કથાને કારણે જ મહાદેવ તેમના પુત્ર ગણેશજીનું મસ્તક છેદન કરે છે. ત્યાર બાદ મહર્ષિ કશ્યપના કથન અનુસાર મહાદેવ જ તેમને ગજના શીશ દ્વારા પુનર્જીવન અર્પે છે અને એથી જ તેમનું નામ પડ્યું ગજાનન.