વાત કરીએ સ્કૂલ-કૉલેજના બીજા પ્રકારના વિદ્યાર્થીની, ઘંટ વાગ્યા પછી જ આવવાનું અને ઘંટ વાગ્યા પહેલાં નીકળી જવાનું.
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
સ્કૂલ-કૉલેજમાં ભણી રહેલા વિદ્યાર્થીઓ કુલ ચાર પ્રકારના હોય છે, જેમાં પહેલા પ્રકારમાં એવા વિદ્યાર્થીઓ આવે જે ઘંટ સાંભળતા જ નથી.
સ્કૂલમાં આવવાનું ખરું, કમ્પાઉન્ડમાં પણ દાખલ થવાનું; પણ વર્ગમાં દાખલ થઈ જવા માટેનો જે ઘંટ વાગે એ સાંભળવાનો જ નહીં.
ADVERTISEMENT
આ જગતમાં કેટલાક આત્માઓ આવા વિદ્યાર્થી જેવા હોય છે. તેમને શરીરમાં રોગ આવે છે કે ધંધામાં નુકસાન થાય છે. બધે અપમાન થાય છે કે દરેક કાર્યમાં અપયશ મળે છે.
ટૂંકમાં પાપત્યાગ માટેની કે ધર્મસેવન માટેની ગમેતેટલી ચેતવણી તેમને મળે છે, એ ચેતવણીને તેઓ ગણકારતા જ નથી. જેવું રેઢિયાળ જીવન તેઓ જીવતા હોય છે એવું જ રેઢિયાળ જીવન જીવવાનું તેઓ ચાલુ રાખતા હોય છે.
વાત કરીએ સ્કૂલ-કૉલેજના બીજા પ્રકારના વિદ્યાર્થીની, ઘંટ વાગ્યા પછી જ આવવાનું અને ઘંટ વાગ્યા પહેલાં નીકળી જવાનું.
સ્કૂલનો સમય હોય નવ વાગ્યાનો, પણ દસ વાગ્યે જ આવવાનું અને છૂટવાનો સમય હોય પાંચ વાગ્યાનો, પણ ચાર વાગ્યે સ્કૂલ છોડી દેવાની.
કેટલાક આત્માઓ આવા વિદ્યાર્થી જેવા હોય છે, ધર્મ તેઓ મોડો શરૂ કરે છે અને વહેલો પૂરો કરી દે છે. સત્કાર્યો મોડાં શરૂ કરે છે અને વહેલાં છોડી દે છે.
ત્રીજા પ્રકારના વિદ્યાર્થી, ઘંટ વાગે ત્યારે આવવાનું અને ઘંટ વાગે ત્યારે નીકળી જવાનું. સાચા સમયે ધર્મ શરૂ કરી દેવાનો અને શક્તિ-સંયોગો અનુકૂળ હોય ત્યાં ચાલુ રાખવાનો.
આવા વિદ્યાર્થીનો નંબર અનુશાસિતમાં આવતો હોય છે. તેમને પુરસ્કાર કદાચ નથી પણ મળતો તોય તેમને કોઈ દંડ પણ નથી થતો.
વાત કરીએ ચોથા પ્રકારના વિદ્યાર્થીની, ઘંટ વાગ્યા પહેલાં જ સ્કૂલમાં આવી જવાનું અને ઘંટ વાગ્યા પછી સ્કૂલમાં બેસી રહેવાનું.
જે વિદ્યાર્થીને ભણવામાં ભારે રસ હોય છે એ વિદ્યાર્થી સમય પૂર્વે જ સ્કૂલમાં આવી જતો હોય છે અને સ્કૂલનો સમય પૂરો થઈ ગયા બાદ અનુકૂળતા મળે છે તો સ્કૂલની લાઇબ્રેરીમાં બેસીનેય વાંચતો રહેતો હોય છે.
જે પણ આત્મા એકાદ પણ સત્કાર્ય પાછળ પાગલ બની ગયો હોય છે એ આત્મા સમય પહેલાં ધર્મ શરૂ પણ કરી દેતો હોય છે અને તેનું ચાલે છે તો શરૂ કરેલો એ ધર્મ જીવનભર ટકાવી રાખતો હોય છે.


