આજે જ દિલથી ક્ષમા આપીને જૂના વેર અને વિખવાદનો અંત લાવીએ અને સંબંધોની આવરદા વધારીએ
સત્સંગ
પ્રતીકાત્મક તસવીર
૨૫ વર્ષનો એક નવયુવાન પ્રમુખસ્વામી મહારાજનાં દર્શન માટે આવ્યો. ઉપસ્થિત સંતે ઓળખાણ આપતાં કહ્યું, ‘સ્વામી, આ ભાઈ અણસમજ અને કુસંગને યોગ કરીને આપનો દ્રોહ કરતો થઈ ગયો હતો.’
આટલા શબ્દો હજી તો મોઢામાંથી આવ્યા ત્યાં જ સ્વામીશ્રીનો હાથ પોતાના હાથમાં લઈને તે યુવક ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યો. યુવક કહે, ‘બાપા! મેં આપને બહુ ગાળો આપી છે, જાહેરમાં આપના વિશે અસભ્ય બોલ્યો છું, અન્યને ખોટા માર્ગે ચડાવ્યા છે. મને માફ કરો બાપા, મારાં પાપ માફ કરો.’
ADVERTISEMENT
અતિ સાહજિકતાથી સ્વામીશ્રી તેના માથે હાથ મૂકીને કહે, ‘બધું માફ. ભગવાન તને સુખી કરે અને લે આ કંઠી.’ કંઠી પહેરાવીને સ્વામીશ્રીએ તેના નવા વ્યવસાય માટે આશીર્વાદ પણ આપ્યા. સ્વામીશ્રીના ક્ષમાભાવથી જીવનમાં ઊર્ધ્વગતિ ઇચ્છતા અનેક મુમુક્ષુઓને પ્રેરણા મળતી.
૧૯૮૫માં લંડનની ધરતી પર પ્રમુખસ્વામી મહારાજનું ભવ્યાતિભવ્ય સન્માન થયું. સન્માન હતું સુવર્ણતુલાનું, પરંતુ આશ્ચર્ય તો એ વાતનું હતું કે આ સુવર્ણતુલામાંથી પોતાની પાસે એક પાઈ પણ ન રાખતાં સુવર્ણની સંપૂર્ણ રકમ તેમણે મેડિકલ ક્ષેત્રના વિદ્યાર્થીઓના ઉત્કર્ષ માટે કરમસદ મેડિકલ કૉલેજને અર્પણ કરી હતી. લંડનના લબ્ધપ્રતિષ્ઠ સજ્જનો સમક્ષ થયેલા ભવ્ય સન્માનના બીજા જ દિવસે એક વ્યક્તિએ ગેરસમજથી સ્વામીનું હડહડતું અપમાન કરવામાં કંઈ બાકી ન રાખ્યું. એક સજ્જન તરીકે થોડો પણ વિવેક દાખવ્યા વિના પોતાની અસભ્ય વાણી દ્વારા સ્વામીશ્રીની સભ્યતાનાં ચીંથરાં ઉડાડતા રહ્યા. એ સમયે ક્ષમાશીલ પ્રમુખસ્વામી મહારાજના શબ્દો હતા...
‘આ ભાઈને જમાડીને મોકલજો.’
ખરેખર, સમર્થ હોવા છતાં સહન કરવું, ક્ષમા આપવી એ ભગવાનને હૈયામાં અખંડ ધારણ કરનાર સત્પુરુષનું લક્ષણ છે. ભગવાન સ્વામીનારાયણે પણ પોતાના વચનમૃતમાં કહ્યું છે, ‘સમર્થ થકા જરણા કરવી તે બીજા કોઈથી થાય નહીં.’
ક્ષમા કરવાથી અને માગવાથી વ્યક્તિ, કુટુંબ, સમાજ કે રાષ્ટ્રો વચ્ચેના સંબંધો તૂટતા બચે છે; જીવનમાં સુખ અને શાંતિનો આધાર બની રહે છે તો શું કામ હવે મોડું કરીએ. આજે જ દિલથી ક્ષમા આપીને જૂના વેર અને વિખવાદનો અંત લાવીએ અને સંબંધોની આવરદા વધારીએ.
- પૂજ્ય ડૉ. જ્ઞાનવત્સલ સ્વામી BAPS સ્વામીનારાયણ સંસ્થા (લાઇફ-કોચ અને ખ્યાતનામ સ્પીકર તરીકે યુવાનોમાં લોકપ્રિય એવા જ્ઞાનવત્સલ સ્વામી સોશ્યલ મીડિયા પર લાખો ફૉલોઅર્સ ધરાવે છે.)