સમાજના અનિષ્ટને ખદેડવા મંડેલા સૌ વિવિધ રીતે પ્રયત્નશીલ છે છતાં અનુભવ એવો થાય છે કે ખલકનું અંધારું સાથે ટળતું નથી
પ્રતીકાત્મક તસવીર
મહાન તત્ત્વચિંતક હેન્રી ડેવિડ થોરોએ એક વાત કહી છે કે ‘અનિષ્ટના મૂળ પર ઘા કરનારો એકાદ હોય છે, જ્યારે અનિષ્ટની ડાળીઓ પર પ્રહાર કરનારા હજારો પડ્યા છે.’
આ વિધાનમાં શૂરવીરતાના સ્થાનની સાથે પરિવર્તનનું સ્થાન પણ બતાવવામાં આવ્યું છે. કેવળ ડાળખી-પાંદડાં તોડવાથી વૃક્ષનું અસ્તિત્વ ન મટે એ તો સ્વામીનારાયણ સંપ્રદાયના નિષ્કુળાનંદજીએ કહ્યું છે એમ ‘ઉપરથી મોડતાં વૃક્ષ, પત્ર એનાં લાગે લક્ષ...’ જેવું થઈને ઊભું રહે, પણ જો મૂળ ઊખડે તો હર્યુંભર્યું લીલુછમ વૃક્ષ ટૂંક સમયમાં જ શુષ્ક બની રહેશે.
ADVERTISEMENT
અલબત્ત, આ કાર્ય કઠણ છે. દરિયાકિનારે છબછબિયાં કરનારા લાખો જડે, પણ સમુદ્રના તળિયે તાળી દે તેવા મરજીવા કોઈક જ હોય. મોતીની મોજ તો એ પંથે પ્રયાણ કરનારાને જ મળે છે. શૌર્યસૂચક ચંદ્રકો તો જે યુદ્ધમાં ઝંપલાવે તેના ગળામાં જ ઝૂલેને!
આજે સમાજના અનિષ્ટને ખદેડવા મંડેલા સૌ વિવિધ રીતે પ્રયત્નશીલ છે છતાં અનુભવ એવો થાય છે કે ખલકનું અંધારું સાથે ટળતું નથી. પ્રયાસની આ નિષ્ફળતામાં એક કારણ છે મૂળને બદલે ડાળીઓ પર ઝીંકાઝીક. ભગવદ્ગીતામાં અર્જુન શ્રીકૃષ્ણને પૂછે છે કે
અન કેન પ્રયુક્તોડયં ચરતિ પુરુષઃ
અનિચ્છન્નપિ વાર્ષ્ણેય બલાદેવ નિયોજિતઃ
અર્થાત્ મનુષ્ય પોતે ન ઇચ્છતો હોવા છતાં બળપૂર્વક જોડવામાં આવ્યો હોય એમ કોનાથી પ્રેરાઈને પાપનું આચરણ કરે છે?
આ જિજ્ઞાસા સંતોષતાં શ્રીકૃષ્ણએ જવાબ આપ્યો છે.
કામ એષ ક્રોધ એષ રજોગુણસમુદ્રભવઃ
મહાશનો મહાપાપ્મા વિદ્ધયેનમહિ વૈરિણમ્
અર્થાત્ રજોગુણમાંથી પ્રગટ થતા કામ ક્રોધાદિક મનુષ્યને અનિષ્ટના માર્ગે ઢસડી જાય છે. દુનિયામાં જે અનાચાર, દુરાચાર, પાપાચાર, ભ્રષ્ટાચાર દેખાય છે એનું મૂળ અહીં છે. એ ન ઊખડે ત્યાં સુધી સમાજ-સુધારણાના પ્રત્યેક પ્રયત્ન ઊણા અને વામણા થઈ રહેશે.
પરંતુ આ મૂળને ઉખાડી ફેંકવાનું બળ કોઈકના જ બાવડામાં હોય છે. ભારતનું સદ્ભાગ્ય છે કે આવા વિરલ મહાપુરુષો આ ભૂમિ પર જન્મ લેતા રહ્યા છે. એની પરંપરામાં પ્રગટેલા પ્રમુખસ્વામી મહારાજ પણ આ જ કાર્ય કરતા અને તેઓશ્રી મૂળ મૂળ પર વાર કરતા. કારણ કે તેઓ માનતા કે પાંદડાં પર જો ઝીંકાઝીંક કરવામાં આવે તો પરિણામ ન મળે. પ્રમુખસ્વામી મહારાજ લોકોના જીવનમાં કેવી રીતે બદલાવ લાવતા એના અઢળક કિસ્સા છે પણ આ કિસ્સાની વાત જરા જુદી છે. -પૂજ્ય ડૉ. જ્ઞાનવત્સલ સ્વામી BAPS સ્વામીનારાયણ સંસ્થા

