તામિલનાડુના નવગ્રહ મંદિરની સર્કિટના મંગળ ગ્રહ ટેમ્પલના મુખ્ય દેવતા વૈદ્યનાથ છે જે શારીરિક પીડા, રોગ, કષ્ટ દૂર કરે છે. નવગ્રહ મંદિરના યાત્રા-પ્રવાસમાં આજે જઈએ મંગળના મંદિરે જે તન અને મનના ડૉક્ટર છે
તીર્થાટન
મંગળ ગ્રહ માટે જાણીતું વૈથીશ્વરન મંદિર
ઉત્તર ભારતનાં ધાર્મિક સ્થાનોની સરખામણીએ દક્ષિણ ભારતીય મંદિરોની એક વાત બહુ વિશિષ્ટ છે. અફકોર્સ, અહીંનાં મંદિરોની બાંધણી તો અનુઠી અને આકર્ષક છે જ. પાંચ, સાત, નવ, અગિયાર સ્તરીય ગૉર્જિયસ ગોપુરમ અને ચારેય દિશાઓમાં. સેંકડો કોતરણીયુક્ત સ્તંભો અને રંગબેરંગી ભીંતચિત્રો. વળી દેવ-દેવીઓને થતા ફૂલો તેમ જ પારંપરિક રેશ્મી વસ્ત્રોનો શણગાર અને દરરોજ ઉત્સવ સમયે વાગતાં ટ્રેડિશનલ વાદ્યોનું થેરાપ્યુટિક સંગીત.
જોકે, આ બધાં ફીચર્સથીયે વિશિષ્ટ છે મંદિરના પરિસરમાં જ આવેલા જળકુંડો. નૉર્થ ઇન્ડિયામાં મોટા ભાગનાં પ્રાચીન મંદિરો નદીકિનારે છે અથવા મંદિર કૅમ્પસમાં જ કુદરતી કે મેનમેડ કુંડ, તળાવ કે કૂવો વગેરે હોય છે. એમાંથી ઘણીખરી જગ્યાએ એ પવિત્ર વૉટર-બૉડીમાં ભક્તોને સ્નાનની અનુમતિ નથી હોતી. એ ફક્ત દર્શનીય જ હોય છે અને ગંદાં હોય છે. તળાવ, કૂવાની ફરતે વાડ બાંધેલી હોવા છતાં એમાં પાણીની બૉટલો, પૂજાપો, પૅકેજિંગ મટીરિયલ જેવું નિર્માલ્ય પડેલું જ હોય છે. એની સામે દક્ષિણનાં મંદિરોના કૉમ્પ્લેક્સમાં આવેલાં સરોવરોમાં ભક્તોને ડૂબકી મારવાની કે સ્નાન કરવાની સુવિધા હોવા છતાં (ઇન ફૅક્ટ, અહીં એ પાવન પાણીમાં ડૂબકી તો પૂજાની એક મહત્ત્વપૂર્ણ વિધિ છે) અને એ વારિ બંધિયાર હોવા છતાંય સરોવરની ફરતેનાં પગથિયાં તેમ જ પાણી પણ આરસી જેવું ચોખ્ખું હોય છે. અફકોર્સ ક્યાંક અપવાદ હોય ખરા છતાં ઉત્તર ભારતના જળકુંડોની સરખામણીએ દખ્ખણનાં પવિત્ર સરોવરો ઘણાં પવિત્ર રહ્યાં છે એ સત્ય છે.
ADVERTISEMENT
વૈદ્યનાથ સ્વરૂપે શિવજીએ અહીં સિદ્ધમિતીર્થમ રચ્યું હતું, જેમાં સ્નાન કરવાથી સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે.
વેલ, એનું કારણ શું? એ વિશે વધુ વાત ન કરીએ, પણ એ શીખ ચોક્કસ લઈએ કે આપણે ક્યારેય કોઈ પણ પવિત્ર નદી કે તળાવમાં સ્નાન કરીએ તો ઍટ લીસ્ટ આપણો કચરો આપણી સાથે જ પાછો લઈ આવીએ.
પણ આજે આ સરોવરોની વાત કરવાનું કારણ શું? કારણ એ જ કે આજે આપણે જે મંદિરે જવાના છીએ ત્યાંનું સરોવર અત્યંત ઇમ્પોર્ટન્ટ હોવા સાથે બહુ બ્યુટિફુલ પણ છે.
વૈથીશ્વરન કોઇલ : મંગળ (અંગારક)ને સમર્પિત મંદિર - હજારો વર્ષ પહેલાં શંકર ભગવાને નવેનવ ગ્રહોને આ વિસ્તારમાં રહેવાનું અને ભક્તોનાં દુઃખ-દર્દ દૂર કરવાનું તો કહ્યું, પણ નવગ્રહમાંના અતિ ઉગ્ર ગ્રહ મંગળ પોતે કુષ્ઠરોગથી પીડિત હતા. અંગારકે આ રોગથી મુક્ત થવા કેદારનાથની તીવ્ર સાધના કરી અને ભોલેબાબા, પાર્વતીમાઈ સાથે અહીં વૈદ્યનાથ રૂપે પ્રગટ થયા અને મંગળને રોગમુક્ત કર્યો. એ પછી એ જુગલ જોડી અહીં ખાસ્સો સમય વૈદ્યરૂપે રહ્યા. તેઓ આજુબાજુના ગ્રામવિસ્તારોમાં જાય. પીડિત વ્યક્તિઓનો ઉપચાર કરે અને પાછા આ સ્થળે આવી જાય. આવી મેડિકલ વિઝિટ દરમ્યાન તેમણે જોયું કે અહીં તો ઘણા કુષ્ઠરોગીઓ હતા. આથી એ સર્વેનો રોગ દૂર કરવા આશુતોષ આ સ્થળે વૈદ્યનાથ સ્વરૂપે સ્થાપિત તો થયા, સાથે અહીં જ સિદ્ધમિતીર્થમ નામે તળાવનું નિર્માણ કર્યું. આજે પણ હજારો ભક્તો જાતજાતના રોગોથી મુક્તિ મળશે એ શ્રદ્ધાથી આ તીર્થમમાં સ્નાન કરે છે.
મંગળ દેવની પ્રતિમા, જેના પર લોકો લાલ રંગની ચીજોનો ચડાવો કરે છે.
કહેવાય છે કે સપ્તઋષિઓએ પણ અહીં વૈદ્યનાથ સ્વામીની પૂજા કરી છે. ત્યાર બાદ રામાયણકાળમાં રામ-લક્ષ્મણે રાવણના ઘાથી મૃત્યુ પામેલા જટાયુના અંતિમ સંસ્કાર પણ અહીં કર્યા હતા. આથી આ સરોવરને જટાયુકુંડમ પણ કહે છે. અન્ય એક કિંવદંતી અનુસાર શિવજી તેમના ભક્ત અંગહારાનો કુષ્ઠરોગ દૂર કરવા પ્રગટ થયા હતા. એ સાથે જ આ મંદિરમાં કાર્તિકેય ભગવાન પણ આવ્યા હતા એવો ઉલ્લેખ છે. તામિલ પુરાણો કહે છે કે શંકર-પાર્વતીના પુત્ર કાર્તિકેય, જે દક્ષિણમાં સુબ્રહ્મણ્યમ તરીકે જાણીતા છે તેમને ૬ ચહેરા હતા. તેઓ દરેક વખતે ભિન્ન-ભિન્ન ચહેરાથી માતા પાસે આવતા. ત્યારે પાર્વતીએ પુત્રને કોઈ એક મુખ ફિક્સ રાખવાનું સૂચન કર્યું અને સુબ્બુસ્વામીએ માતાની આજ્ઞાનું પાલન કર્યું એથી પાર્વતીમાતાએ ખુશ થઈ મુરગાને ભાલા જેવું એક શસ્ત્ર આપ્યું જેનાથી તેમણે સુરપદ્મન નામના અસુર પર વિજય પ્રાપ્ત કર્યો. માટે અહીં કાર્તિકેયને સેલ્વમુથુ કુમારન પણ કહેવાય છે.
શિવલિંગમ અને પવિત્ર જળાશય તો અહીં હજારો વર્ષ પૂર્વેથી છે, પરંતુ મંદિરમાં મળેલા શિલાલેખ અનુસાર હાલમાં ઊભેલું મંદિર કુલોથુંગા ચૌલે ઈ. સ. ૧૦૭૦થી ૧૧૨૦ દરમ્યાન બંધાવ્યું છે. એ પછી પંદરમી સદીમાં નાયકવંશ, ત્યાર બાદ મરાઠા રાજવીઓએ એનો જીર્ણોદ્ધાર કરાવ્યાનો ઉલ્લેખ છે. આ દરેક રાજાઓએ મંદિરનો જીર્ણોદ્ધાર કરવા સાથે દેવાલયનો વ્યાપ પણ વિસ્તાર્યો. એ સાથે અવનવી મૂર્તિઓ પણ સ્થાપિત કરી. વિશાળ કૅમ્પસમાં ફેલાયેલા મંદિરનું પ્રવેશદ્વાર પંચસ્તરીય છે અને કેન્દ્રના મંદિરમાં વૈથીશ્વરન લિંગરૂપે બિરાજમાન છે. બે આંતરિક પરિસર ધરાવતા આ ટેમ્પલમાં નટરાજ તેમ જ સુબ્રમણ્યમની ધાતુની મૂર્તિ બહુ મનમોહક છે. તો સોમસ્કંદ, દુર્ગામા, દક્ષિણામૂર્તિ (સંત) સૂર્યદેવ, જટાયુ તેમ જ જટાયુના મોટા ભાઈ સંપાતીની કાળા પથ્થરની મૂર્તિ પણ કમનીય છે. બીજા પરિસરમાં પાર્વતીમાતા થાઇયલનાયકી અમ્મા નામે શક્તિરૂપે બિરાજે છે. તેમના હાથમાં એક ઔષધીય તેલયુક્ત ઘડો દર્શાવ્યો છે. જોકે હેવી શણગાર તેમ જ ગર્ભગૃહમાં અંધારું હોવાથી એ કુંભ દેખાતો નથી, પણ માતાની મૂર્તિનો પ્રભાવ દૂરથી પણ વર્તાય છે.
ટેમ્પલ કૉમ્પ્લેક્સના ઈસ્ટ દ્વાર પર અંગારક દેવભક્તોનું સ્વાગત કરે છે. લાલ ધોતીમાં સજ્જ આ દેવ દેખાવમાં જરાય ઉગ્ર નથી લાગતા, પરંતુ ભક્તો ખૂબ ભાવથી રક્તરંગી વસ્ત્રો, અનાજ, ફૂલ, આભૂષણ વડે તેમની પૂજા કરે છે અને પ્રાર્થના કરે છે, ‘હે મંગળદેવ અમારું મંગળ કરો.’ એ જ રીતે દરેક દર્શનાથીઓ અહીં આવેલા કડવા લીમડાના વૃક્ષની પણ પૂજા કરે છે.
સાતમી સદીમાં લખાયેલા તામિલ ધાર્મિક છંદોમાં પણ આ વૈદ્યનાથ દેવનો ઉલ્લેખ છે અને ખૂબ પ્રાચીન તથા માંગલિક હોવાથી દર કારતક મહિને ઊજવાતો ઉત્સવ ખૂબ રોનકદાર રહે છે. વૈથીશ્વરન સાથે અંગારકનો મહિમા અપરંપાર હોવાથી, દૂર-દૂર વસતા સ્થાનિક લોકો પણ આ મહોત્સવમાં જોડાવા દેશ-વિદેશથી પધારે છે.
અંગૂઠાની છાપ પરથી ફળકથન કરતા નાડી જ્યોતિષો અહીં જોવા મળશે.
વૈથીશ્વરન નાડી જ્યોતિષનું આવિષ્કાર ક્ષેત્ર છે
નાડી જ્યોતિષ ઍસ્ટ્રોલૉજીની એક પ્રાચીન કળા છે. હજારો વર્ષ પૂર્વે ભારતના જ્ઞાની ઋષિઓએ પોતાની યોગશક્તિ વડે નાડી જ્યોતિષને તાડપત્રો પર આલેખ્યા હતા. સ્ત્રીના ડાબા હાથના અંગૂઠાની છાપ અને પુરુષના જમણા હાથના અંગૂઠાની છાપ પરથી જે-તે વ્યક્તિનું ભવિષ્ય નાડીપાઠકો તાડપત્રોમાં લખાયેલા તામિલ શ્લોક પરથી કરે છે. વૈથીશ્વરન મંદિરની બહાર નાડી જ્યોતિષની અનેક દુકાનો છે. અંગૂઠાની છાપ લીધા પછી એમાં રહેલાં ચિહ્નો અનુસાર તાડપત્રીનાં પાનાં કઢાય છે અને એ પછી નાડીપાઠક કુટુંબને લગતા વિવિધ પ્રશ્નો પૂછી જે-તે પાનાનું ફળકથન મૅચ કરતા જાય છે. જ્યાં મૅક્સિમમ મૅચિંગ થાય છે ત્યાર બાદ એ ભવિષ્યવેત્તા જાતકની આવનારી જિંદગીનો ચિતાર આપે છે અને એ સાથે એમાં રહેલા દોષ, એ દોષનિવારણના વિવિધ ઉપાયો પણ આ નાડી જ્યોતિષ આપે છે.
કોઈ વ્યક્તિનો સાચો જન્મસમય ન હોય કે અન્ય કોઈ જાણકારી ન હોય એવા લોકો તો ખરા જ, પણ ભણેલા-ગણેલા, હાઇલી પ્રોફેશનલ લોકો પણ નાડી જ્યોતિષમાં અપાર શ્રદ્ધા ધરાવે છે.
પૂજા, વિધિ અને ચડાવો અનોખાં
વૈથીશ્વરન કોઇલમાં આખું મીઠું, આખાં મરી અને ગોળ પધરાવવાની પ્રથા છે. મંદિરની બહારથી એની નાની પડીકી પૈસા આપીને ખરીદી શકાય છે. કહેવાય છે કે જાતક આ ત્રણેય પડીકાં પોતાના માથા પરથી ફેરવી મંદિરમાં પધરાવી દે તો તેનો મંગળ શુભ થવાની સાથે તબિયત પણ દુરસ્ત થઈ જાય છે. મંદિરમાં બાકાયદા આ ક્રિયા માટે એક પૂજારી હોય છે જે તમારા પડીકામાંથી મીઠાની કણી અને બે-ત્રણ આખાં મરી તમને પ્રસાદરૂપે ખાવા આપે છે. આ વિધિ થયા બાદ પૂજારી એ બધી સામગ્રી અહીંના સિદ્ધામિતીર્થ (સરોવર)માં પધરાવી દે છે. અનેક આસ્થાળુઓ જાતે આ વિધિ કરી સરોવરમાં સ્નાન પણ કરે છે.
પૉઇન્ટ્સ ટુ બી નોટેડ
મંદિર બપોરે ૧થી ૪ વાગ્યા સુધી બંધ રહે છે.
ફોન અને ફોટોગ્રાફી અલાઉડ નથી અને મંદિરની બહાર જ ફોન રાખવાનાં લૉકર્સ છે. નવગ્રહ મંદિરની સર્કિટ પૉપ્યુલર હોવા છતાં એકેય મંદિરની બહાર સૅનિટેશનની સરખી સુવિધા નથી. એમ છતાં આ શિવાલયો અને ગ્રહમંદિરો એટલાં પ્રભાવશાળી છે કે એવરી યર, યાત્રાળુઓની સંખ્યા વધતી જ રહે છે.