મલાડના લિન્ક રોડ પર આવેલું જસ્ટ પચીસ વર્ષ જૂનું રામભક્ત હનુમાનનું મંદિર માનતાનું મંદિર કહેવાય છે
ઇચ્છાપૂર્તિ હનુમાન મંદિર
હનુમાનજી માત્ર શ્રી રામના પરમ ભક્ત અને સાથી જ નહીં પણ તેઓ બળ, બુદ્ધિ, વિદ્યા અને ભક્તિના દેવતા મનાય છે. ભક્તોના જીવનમાં આવતાં કષ્ટ અને સંકટને દૂર કરનાર કષ્ટભંજન અને સંકટમોચન છે. પોતાના દ્વારે આવનારા દરેક ભક્તની ઇચ્છા પૂરી કરનાર ઇચ્છાપૂર્તિ હનુમાન પણ છે. તેમના આવા જ એક સ્વરૂપનું મંદિર મલાડના લિન્ક રોડ પર આવેલું છે જેનું નામ છે શ્રી ઇચ્છાપૂર્તિ હનુમાન મંદિર.
દહિસરથી લઈને ગોરેગામ સુધીના વિસ્તારમાં ખૂબ જ પ્રખ્યાતિ પામેલું અને રોજ હજારો ભક્તોની ભીડ ધરાવતું શ્રી ઇચ્છાપૂર્તિ હનુમાન મંદિર લગભગ ૨૫ વર્ષ જૂનું છે. આ મંદિરની સ્થાપના
એના વર્તમાન ટ્રસ્ટી રાજારામ ચાંદગોઠિયાએ તેમના પિતા સ્વ. નરૈનપ્રસાદ ચાંદગોઠિયાની સ્મૃતિમાં નારાયણપ્રસાદ સૂરજમલ ચાંદગોઠિયા ચૅરિટેબલ ટ્રસ્ટ હેઠળ કરી હતી. જ્યારથી મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારથી અહીં આવનારા ભક્તોની સંખ્યા પ્રતિદિન વધી રહી છે. આ મંદિર માટે એવું કહેવામાં આવે છે કે મંદિરમાં આવનાર અને પ્રાર્થના કરનારા લોકોની ઇચ્છાઓ પૂર્ણ થાય જ છે.
ADVERTISEMENT
ભક્તો માટે મુખ્ય ગર્ભગૃહની બહાર હનુમાનજીની કેસરી રંગની નાનકડી મૂર્તિ
૩૨૫૦ સ્ક્વેરફીટમાં પથરાયેલું મંદિર
આજે લિન્ક રોડ લાઇટો, હોટેલ્સ અને મૉલ્સથી ધમધમી રહ્યો છે પણ આજથી ૨૫ વર્ષ પહેલાં લિન્ક રોડ પાસેનો વિસ્તાર એટલો ડેવલપ થયો નહતો. મેટ્રો તો હતી જ નહીં. બસની ફ્રીક્વન્સી પણ ઓછી હતી. મકાનો હતાં પણ ચાર માળથી વધુ ઊંચાઈ ધરાવતાં નહોતાં, કેમ કે અહીં એનાથી ઊંચાં મકાનો બનાવવાની પરવાનગી ત્યારે નહોતી. એ સમયે અહીં એક નાનાસરખા ચબૂતરા પર શ્રી ઇચ્છાપૂર્તિ હનુમાનની છ ફીટ ઊંચી મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. એ સમયે બહુ વિકસિત નહીં એવા સ્થળે કેમ મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી એ વિશે માહિતી આપતાં મંદિરના ટ્રસ્ટી રાજારામ ચાંદગોઠિયા કહે છે, ‘પચીસ-છવીસ વર્ષ પહેલાંની વાત છે. મને જાણે ભગવાન પાસેથી આ સ્થાને ઇચ્છાપૂર્તિ હનુમાનની મૂર્તિની સ્થાપના કરવાનો આદેશ મળ્યો હતો. એટલે એક ચબૂતરો બનાવ્યો અને ત્યાં હનુમાનજીની મૂર્તિ બેસાડી. જેમ-જેમ લોકોને આ મંદિર વિશે જાણ થવા લાગી, ભક્તોને પરચા મળવા લાગ્યા તેમ-તેમ અહીં આવનારા લોકોની સંખ્યા ધીરે-ધીરે વધતી ગઈ હતી એટલે અમે મંદિરને થોડું વધારે ડેવલપ કર્યું. ભક્તો મંદિરના આંગણે બેસી શકે એ માટેની વ્યવસ્થા કરી અને સરખું મંદિર બનાવ્યું. આજે ઘણા લોકો અમને આવીને કહે છે કે અમે અહીં માનતા રાખી હતી અને એ પૂરી થઈ છે. અનેક કિસ્સાઓ પણ અમને સાંભળવા મળ્યા છે.’
શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
આ મંદિર પ્રત્યેની શ્રદ્ધા ભક્તોમાં એટલી અતૂટ છે કે કેટલાય લોકો દૂર-દૂરથી પગપાળા અહીં સુધી આવે છે. મંગળવાર અને શનિવારે અહીં લગભગ ૭થી ૮ હજાર ભક્તો હનુમાનદાદાનાં દર્શને આવે છે. શનિવારે તો મંદિરનું પ્રાંગણ નારિયેળથી ઊભરાઈ જાય છે જે આ મંદિરનું સત કેટલું છે એ બતાવે છે. અનેકોની માનતા અહીં પૂરી થઈ છે. કેટલાક તો અહીંના હનુમાન સાળંગપુરના હનુમાનની સમાન જ ચમત્કારી હોવાનું કહે છે. ઇચ્છાપૂર્તિ હનુમાનના મલાડમાં રહેતા એક ભક્ત સંજય પીપલિયા કહે છે, ‘ઇચ્છાપૂર્તિ હનુમાનનો બહુ મોટો ભક્ત છું. છેલ્લાં આઠ વર્ષથી હું આ મંદિરમાં જાઉં છું. દર્શન કરીને ગુલાબનું એક ફૂલ ભગવાનનાં ચરણોમાં મૂકું છું અને થોડી વાર માટે આંખ બંધ કરીને નીચે બેસું છું. ખૂબ જ પૉઝિટિવ વાઇબ્સ મળે છે અને મન એકદમ શાંત થઈ જાય છે. મારાં અનેક કામો હનુમાનદાદાએ પાર પાડ્યાં છે. મારી ઑફિસના મંદિરમાં પણ તેમનો એક ફોટો છે જ્યાં હું રોજ દીવો કરું છું. અમુક કામો તો જાણે ચમત્કારિક રીતે જ પાર પડ્યાં હોય એવું બન્યું છે. મને આ મંદિર વિશે મારા મિત્રો પાસેથી જાણવા મળ્યું હતું. મારી બે મિત્રો દર શ્રાવણમાં આ મંદિરમાં આવીને હનુમાનજીને રાખડી બાંધે છે. તેમને મળેલા પરચાથી પ્રભાવિત થઈને હું પણ અહીં આવતો થયો હતો. મંદિરની વાત કરું તો અહીં મૂર્તિ પણ એવી રીતે મૂકવામાં આવેલી છે કે રસ્તા પરથી આવતા-જતા લોકો પણ મંદિરમાં પ્રવેશ કર્યા વિના હનુમાનજીનાં દર્શનનો લાભ લઈ શકે છે.’
શ્રી ઇચ્છાપૂર્તિ હનુમાનની મૂર્તિ
થોડું મંદિર વિશે
૩૨૫૦ સ્ક્વેરફીટમાં ફેલાયેલા આ મંદિરનું મુખ્ય દ્વાર લિન્ક રોડને ટચ છે. મુખ્ય દ્વાર પર પહોંચતાં પહેલાંથી જ તમને હનુમાનદાદાનાં દર્શન થઈ જાય છે. સામે જ શ્રી ઇચ્છાપૂર્તિ હનુમાનની છ ફીટ ઊંચી માર્બલની મૂર્તિ જોવા મળશે. મૂર્તિ એટલી મનમોહક, આકર્ષક અને લાઇવ છે કે જાણે હમણાં હનુમાનજીના મુખેથી જય શ્રી રામનો અવાજ આવશે એવું લાગશે. મંદિરની અંદર જતાં જ પ્રવેશદ્વારની નજીકમાં એક ફૂલનો સ્ટૉલ આવે છે અને એની સામેની તરફ સ્વીટનો એક સ્ટૉલ છે એટલે ભગવાનને ચડાવવાની બધી વસ્તુ અંદરથી જ મળી જાય છે. થોડે આગળ આવશો એટલે મુખ્ય મંદિર આવશે જેમાં ગર્ભગૃહમાં હનુમાનજીની મૂર્તિ છે જ્યાં માત્ર મંદિરના પૂજારીને જ પ્રવેશ આપવામાં આવે છે, ભક્તો બહારથી જ દર્શન કરી શકે છે, પણ ભક્તોની લાગણીને ધ્યાનમાં રાખીને મુખ્ય ગર્ભગૃહની બહાર હનુમાનજીની કેસરી રંગની નાનકડી મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે જેથી આવનાર લોકો ત્યાં પૂજાપાઠ કરી શકે. મંદિરમાં બેસવાની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે. આશરે ૮૦ જેટલા લોકો નીચે બેસી શકે એટલું મોટું પ્રાંગણ છે. શનિવારે અહીં ફૂલો, પ્રસાદ અને નારિયેળનો ઢગલો થતો હોવા છતાં સ્વચ્છતા જાળવી રાખવામાં આવે છે. આરતીના સમયે જે નાદ, ધ્વનિ ઉત્પન્ન થાય છે એનાથી ભક્તોનાં રૂંવાડાં ઊભાં થઈ જતાં હોય છે.
આ મંદિર માત્ર સાધારણ ભક્તો માટે જ નહીં પણ ફિલ્મ અને ટીવી સેલિબ્રિટીઓ માટેનું પણ માનીતું સ્થળ છે. જેમ કે રાજપાલ યાદવ, સાક્ષી તનવર જેવા અનેક કલાકારો અહીં અવારનવાર જોવા મળે છે. મંદિરમાં હનુમાન જયંતીનો ઉત્સવ ખૂબ ધૂમધામથી ઊજવવામાં આવે છે. આખા મંદિરને ફૂલોથી શણગારવામાં આવે છે અને બહારથી લાઇટો લગાડવામાં આવે છે. આવનાર દરેકને પ્રસાદ વહેંચવામાં આવે છે અને ભજન-કીર્તન ચાલુ હોય છે. હનુમાન જયંતી વખતે તો એટલો બધો રશ વધી જતો હોય છે કે લાઇનો લિન્ક રોડ પર પણ લાંબે સુધી જોવા મળે છે. બહારથી સિક્યૉરિટી ગાર્ડ્સને બોલાવવામાં આવે છે જેથી ટ્રાફિકની સમસ્યા વકરે નહીં. આ ટાણે લગભગ ૧૫,૦૦૦ લોકો મંદિરમાં આવતા હોવાનું જાણવા મળ્યું છે. તેમ છતાં આજ સુધીમાં કોઈ પણ પ્રૉબ્લેમ આવ્યો નથી.
આ મંદિરમાં પાર્કિંગ કરવાની સુવિધા નથી પણ નજીકમાં પાર્કિંગ મળી જાય છે, પરંતુ સાંજના સમયે અને વીક-એન્ડમાં થોડી સમસ્યા થાય છે એટલે પબ્લિક વેહિકલમાં આવવું સલાહભર્યું છે. બીજું એ કે મંદિરની બહાર નીકળતાંની સાથે જ વાહન તો મળી જ જાય છે, તથા આજુબાજુમાં અનેક રેસ્ટોરાં અને ફૂડ-આઉટલેટ પણ આવેલાં છે એટલે પેટપૂજા પણ થઈ શકે છે.
ઇચ્છાપૂર્તિ મેડિકલ સેન્ટર
ટ્રસ્ટ હેઠળ ઇચ્છાપૂર્તિ મેડિકલ સેન્ટર પણ કાર્યરત છે જે મંદિરની બાજુમાં જ છે જેમાં રાહતના દરે દરદીઓની સારવાર કરવામાં આવે છે. પૅથોલૉજી, ડિજિટલ એક્સરે, સોનોગ્રાફી, ડેન્ટલ, ફિઝિયોથેરપી અને ECG, MRI, 2D ઇકો, સ્ટ્રેસ ટેસ્ટ, C.T. સ્કૅન માટેની સુવિધાઓ સહિત કલર ડૉપ્લર, મૅમોગ્રાફી અને ઍન્જિયોગ્રાફી પણ અહીં કરવામાં આવે છે. ફૅમિલી ફિઝિશ્યન અને સ્પેશ્યલિસ્ટ ડૉક્ટરોની આખી પૅનલ અહીં છે. અહીં રોજ લગભગ સોથી વધુ પેશન્ટ ચકાસણી કરવા માટે આવતા હોય છે. આ મેડિકલ સેન્ટર સોમવારથી શનિવાર દરમિયાન સવારે ૮થી સાંજે ૭.૩૦ સુધી ખુલ્લું હોય છે જે તમામ લોકો માટે ઓપન છે.
ક્યાં આવેલું છે?
ઇચ્છાપૂર્તિ હનુમાન મંદિર, ન્યુ લિન્ક રોડ, કે. ભગત તારાચંદ હોટેલની બાજુમાં, મલાડ (વેસ્ટ)
દર્શન કરવાનો સમય : સવારે ૬થી બપોરે ૧.૩૦ સુધી અને સાંજે ૪થી રાત્રે ૧૧.૩૦ સુધી (મંગળવારે અને શનિવારે)
સવારે ૬થી બપોરે ૧૨.૩૦ અને સાંજે ૪થી રાત્રે ૧૦.૩૦ સુધી (બાકીના દિવસોમાં)
આરતીનો સમય : સવારે ૭ અને સાંજે ૮