ચંદ્ર પૃથ્વીથી સૌથી નજીકનો ગ્રહ છે. આ પ્લૅનેટ આપણી ડે ટુ ડે લાઇફ પર સૌથી વધુ અસર કરે છે. આથી જ આજે પણ અનેક લોકો સવારે છાપું હાથમાં આવે એટલે મુખ્ય સમાચાર વાંચતાં પહેલાં રાશિ ભવિષ્ય વાંચી લે છે
શ્રી કામાક્ષી અમ્મન મંદિર, જ્યાં મૂર્તિ નહીં, જ્યોતની પૂજા થાય છે.
ચંદ્ર પૃથ્વીથી સૌથી નજીકનો ગ્રહ છે. આ પ્લૅનેટ આપણી ડે ટુ ડે લાઇફ પર સૌથી વધુ અસર કરે છે. આથી જ આજે પણ અનેક લોકો સવારે છાપું હાથમાં આવે એટલે મુખ્ય સમાચાર વાંચતાં પહેલાં રાશિ ભવિષ્ય વાંચી લે છે. સો, આજે આપણે આપણા ક્લોઝ ફ્રેન્ડ ચંદ્રસ્વામીના મંદિરે જઈશું. એ સાથે એક એવા અજાયબ દેવળની માનસયાત્રા કરીશું જ્યાં દેવો મૂર્તિરૂપે નહીં, દીવાની જ્યોત સ્વરૂપે પૂજાય છે
હા, હા, અમને ખ્યાલ છે કે હજી આપણા નવગ્રહ મંદિરની સર્કિટમાં બુધ અને ગુરુદેવનાં મંદિરોની યાત્રા બાકી છે, પણ આજે આપણે શશી મહારાજ સાથે ઓમાંદુર ગામના શ્રી કામાક્ષી અમ્મન મંદિરની યાત્રા જોડી છે, કારણ કે કદાચ આ વિશ્વનું એકમાત્ર હિન્દુ મંદિર છે જ્યાં કોઈ પણ ભગવાન, માતાજી, દેવી-દેવતાઓની પ્રતિમા નથી, બલકે તેમના નામનો દીવો છે અને ભાવિકો આ જ્યોતનાં દર્શન કરીને ભાવવિભોર થાય છે.
ADVERTISEMENT
તો, પ્રથમ દર્શન ઓમાંદુરનાં માતાજીનાં. આમ તો ઓમાંધુર તરીકે પણ જાણીતું તિરુચિરાપલ્લી જિલ્લાનું આ ટાઉન, આપણા નવગ્રહ મંદિર સર્કિટના મુખ્ય મથક કુંભકોણમથી ૧૨૫ કિલોમીટર અને તાંજોરથી ૮૮ કિલોમીટર દૂર છે, પરંતુ ઘેઘૂર વડલાઓની ગીચ વસ્તી ધરાવતું આ ગામ દક્ષિણ ભારતીય ભક્તોમાં બે કારણસર અતિપ્રિય છે. એક તો એની પૂજાપદ્ધતિ વિશિષ્ટ છે. એ ઉપરાંત કહેવાય છે કે જેને અસહ્ય માથાનો દુખાવો રહેતો હોય અથવા જેમના માઢામાંથી દુર્ગંધ આવતી હોય તેઓ આ મંદિર આવીને અહીંની પવિત્ર બત્તીને મત્થા ટેકે તો વર્ષોજૂના એ કષ્ટમાંથી મુક્તિ મળે છે. અહીંના વડીલ પૂજારી ‘મિડ-ડે’ને કહે છે, ‘આ મંદિર ફક્ત સોમવાર અને શુક્રવારે જ ખુલ્લું રહે છે અને બારેય મહિનાના આ દિવસોએ અહીં સેંકડોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે. એમાંય મહાશિવરાત્રિ, ફર્સ્ટ જાન્યુઆરી તેમ જ અન્ય દિવસોએ યોજાતા ઉત્સવમમાં તો ભાવિકોની સંખ્યા બમણી થઈ જાય છે. આ વખતે પણ ૨૦૨૫ના પહેલા દિવસે અનેક શ્રદ્ધાળુઓ જ્યોતનાં દર્શન કરીને પાવન થયા હતા.’
ચંદીરાનાર મંદિર, થિંગલુર
આ યુનિક મંદિરનો ૯૦૦ વર્ષ જૂનો ઇતિહાસ પણ અનોખો છે. મંદિરના પ્રાગટ્યની કથા એ કાળની છે જ્યારે સમાજમાં ઊંચ-નીચનો ભેદ ચરમ સીમાએ હતો. અમુક કુળના લોકો ઉચ્ચ વર્ણના લોકોનાં મંદિરોમાં નહોતા જઈ શકતા. એ સમયે આ સ્થળથી પચાસેક કિલોમીટર દૂર એક નાનકડા ગામે કરનાલ નામનો એક કિશોર રહેતો હતો. ગાયોને ચરાવવાનું કામ કરતો કરનાલ અને એ જ ગામના પૂજારીનો દીકરો અરબાલી બેઉ મિત્રો હતા. બેઉ વચ્ચે પાક્કી દોસ્તી ખરી, પરંતુ સામાજિક નિયમનો મલાજો પણ ખરો. મંદિરના પૂજારીનો દીકરો જ મિત્ર હોવા છતાં કરનાલને મંદિરમાં એન્ટ્રી નહોતી. એક દિવસ એ મંદિરમાં બહુ મોટી પૂજા હતી. કરનાલને એમાં જવાની અનુમતિ તો નહોતી છતાં તે ચોરીછૂપી લોકોની ભીડ સાથે મંદિરની અંદર પહોંચી ગયો અને ખૂણામાં લપાઈને એ વિધિવિધાન જોવા લાગ્યો.
પૂજા-પ્રાર્થના ચાલી રહી હતી એ દરમ્યાન અચાનક મંદિરમાં એક દિવ્ય ધ્વનિ પ્રગટ થયો અને તેણે ઘોષણા કરી, ‘આ ઉચ્ચ કુળના લોકોની વચ્ચે એક બહારનો માણસ છે જેને આ પૂજા જોવાની અનુમતિ નથી. તેણે નિયમનો ભંગ કરવાથી એ વ્યક્તિનો શિરચ્છેદ કરવામાં આવે.’ છુપાયેલા કરનાલે પણ એ દિવ્ય વાણી સાંભળી અને અતિશય ડરી ગયો. મંદિરમાંથી તે સીધો તેના ઘર તરફ ભાગ્યો અને માતા-પિતાને આખી વાત કહી. એ જાણીને પરિવાર ડરી ગયો અને ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યો. નિદ્રાવશ થતા કરનાલને સ્વપ્નમાં કામાક્ષીદેવી (પાર્વતીમાતાનું એક સ્વરૂપ) આવ્યાં અને કહ્યું કે ‘તમે તમારી ગાયોને લઈને આ ગામમાંથી જતા રહો અને જ્યાં ગૌમાતાઓ બેસી જાય કે ભાંભરે એ સ્થાને વસવાટ કરો અને મંદિરનું નિર્માણ કરો.’ એક દિવસ, બીજો દિવસ, ત્રીજો દિવસ એમ તેઓ ચાલતાં જ રહ્યાં અને ચોથા દિવસે એક ભૂખંડ પર ગાયો બેસી ગઈ અને ખુશીથી ભાંભરવા લાગી.
યસ, આ એ જ સ્થળ છે જ્યાં આજે મંદિર ઊભું છે. જોકે હાલનું મંદિર ૫૦૦ વર્ષ પૂર્વે બનાવાયેલું છે, પણ નિર્માતા કોણ છે એનો ક્યાંય ઉલ્લેખ નથી. મુખ્ય ગર્ભગૃહ અને ૨૪ સ્તંભ સહિતના રંગમંડપમાં એકંબરેશ્વર (શિવજી), માસીર પેરિયાના (પાર્વતીમાતા, કામાક્ષીદેવી ) સહિત અનેક દેવી-દેવતાઓ તેમ જ સંતોની પવિત્ર જ્યોત છે. કાળા પાષાણમાંથી નિર્મિત આ મંદિરની આજુબાજુના પ્રદક્ષિણા-પથ પર કેટલાંક દેવી-દેવતાઓનાં શિલ્પો છે, પણ એની કોઈ ઑફિશ્યલી પૂજા થતી નથી. બસ, ભક્તો શ્રદ્ધાથી હલદી-કંકુ કે પુષ્પો ચડાવે છે. બાકી ભક્તો અહીં ભેટરૂપે અહીંના પૂજ્ય તેજપૂંજો માટે તેલ કે ઘી પધરાવે છે. દક્ષિણા આપતાં પૂજારી તમારા નામે એ જ્યોતને આરતી કરી આશીર્વાદ આપે છે, પણ દરેકને મંદિરની બહાર પ્રસાદમાં મીઠો ભાત (પોંગલ) મળે છે.
પ્રદક્ષિણા પથ પર આવેલું શ્રી યંત્ર અને ખાસ ચિહ્ન આસ્થાનું કેન્દ્ર છે.
ઓમાંદુર પ્રમાણમાં મોટું ગામ છે છતાં કોઈ ભાવિક અહીં રોકાતા નથી હા, ઇડલી-ઢોસા મળી રહે છે, પણ રહેવાનું તો તાંજોર અથવા કુંભકોણમમાં જ રાખે છે. આમેય અહીં પહોંચવા માટે પ્રાઇવેટ વાહન જ કરવું પડે છે જે એ બે મુખ્ય શહેરોમાંથી સહેલાઈથી મળી રહે છે.
ચંદીરાનાર ટેમ્પલ
કુંભકોણમથી ૩૩ કિલોમીટરના અંતરે આવેલું થિંગલુર ગામ સોમદેવને સમર્પિત મંદિર માટે પ્રખ્યાત છે. અન્ય નવગ્રહની સરખામણીએ આ મંદિરનો વ્યાપ નાનો છે, પણ પાવર જોરદાર છે. સફેદ ધોતીમાં શોભતા ચંદ્રદેવ તેમના સ્વભાવ પ્રમાણે સૌમ્ય છે તો કૈલાશ-નાથર નામે ભોલેનાથ પણ અહીં શાંત છે.
ચંદ્રસ્થલમ નામે જાણીતા આ સ્થળની બે કથા પ્રચલિત છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર જ્યારે સમુદ્રમંથન થયું અને અમૃતપાન કરવાની ઘડીએ એક અસુર દેવોની પંગતમાં બેસી ગયો. અન્ય દેવોની સાથે શ્રીવિષ્ણુના મોહિની સ્વરૂપે એ અસુરના મોઢામાં પણ અમૃત રેડ્યુ. ત્યાં તો સૂર્ય અને ચંદ્રની નજર એ દૈત્ય સ્વરભાનુ પર પડી અને રવિ તેમ જ સોમ બેઉ જોરથી બોલી ઊઠ્યા કે એ તો દાનવ છે. સ્વરભાનુની આવી ચાલાકી જાણીને વિષ્ણુ ભગવાને પોતાના સુદર્શનથી તેનો વધ કર્યો અને તેનું માથું ધડથી અલગ થઈ ગયું. મસ્તક અને શરીર છૂટાં તો પડ્યાં, પરંતુ અમૃતપાન થઈ જવાથી બેઉ જીવંત રહ્યાં, રાધર અમરત્વને વર્યાં. એ અનુક્રમે કેતુ તથા રાહુ નામે ઓળખાયા અને ગ્રહમાળામાં સ્થાપિત થઈ ગયા. તેમનો વિચ્છેદ થવાથી તેઓને સૂર્ય અને ચંદ્ર પર અતિ ક્રોધ હતો, પણ રાહુ-કેતુ તેજસ્વી સૂર્યનું તો કાંઈ બગાડી ન શકે, પરંતુ તેઓએ શીતળ ચંદ્રને ગ્રસી જવાનો પ્રયત્ન કર્યો. ત્યારે ચંદ્રદેવે નીલકંઠને પ્રાર્થના કરી અને ચંદ્રધારીએ ચંદ્ર ૧૫ દિવસ વધતો રહેશે અને પછી પખવાડિયા સુધી ઘટતો રહેશે એવું વરદાન આપ્યું. લોકલ્સ માને છે કે ચંદ્રદેવનું પ્રાર્થનાસ્થળ એ આ જ જમીન.
જોકે તામિલ પુરાણોમાં ચંદ્રની વધતી-ઘટતી કળાની કહાની બીજી પણ છે અને વધુ પ્રચલિત છે.
એ બીજી વાર્તા ગુરુભક્તિ અને સમાજસેવાની છે. પરિયાપુરાણમાં આલેખાયેલી કથા મુજબ આ વિસ્તારમાં અપ્પુતિ આદિગલ નામે ખૂબ સાલસ માનવી હતો. તે વગર સ્વાર્થે દીનદુખિયાઓની સેવા કરતો. ભૂખ્યાને જમાડતો અને રુગ્ણ દરદીઓની સારવાર કરતો. તેને ભગવાનની પૂજા-અર્ચના કરતાં માનવસેવાનાં કાર્યોમાં વધુ દિલચસ્પી હતી. હા, તેને તેના ગુરુ તિરુનાવુક્કારાસર પર અડગ શ્રદ્ધા હતી. તેની ગુરુભક્તિ એવી પ્રબળ હતી કે તેણે તેના બેઉ પુત્રોનાં નામ પણ ગુરુના નામે તિરુનાવુક્કારાસર પેરિયા (મોટો) તિરુનાવુક્કારાસર સિરિયા (નાનો) રાખ્યાં હતં. એક દિવસ તેણે ગુરુના માનમાં એક સમારોહ રાખ્યો અને એને માટે આદિગલે તેના પુત્રને કેળાનાં પાન લેવા વનમાં મોકલ્યો. ત્યાં એક સર્પે પુત્રને દંશ માર્યો અને તેનું મૃત્યુ થયું. ગુરુજીના આયોજનમાં કોઈ બાધા ન આવે એ માટે આદિગલે પુત્રની લાશ છુપાવી દીધી, પરંતુ કોઈક રીતે ગુરુને એ વાતની જાણ થઈ ગઈ અને તેઓ ભક્તના પુત્રનું મૃત શરીર લઈ અહીંના કૈલાશનાથરના મંદિરે પંહોચ્યા. ઍન્ડ... આદિગલે એકેય દિવસ શંભુની પૂજા નહોતી કરી કે જાપ નહોતા કર્યા છતાં એ ભોળિયા બાબાએ આદિગલના પુત્રને જીંવત કરી દીધો, કારણ કે આદિગલ તેના ભક્તનો પરમ ભક્ત હતો.
વેલ, આથી અહીં નાના બાળકને પ્રથમ અન્નપ્રાશન કરાવવાનું પણ બહુ મહત્ત્વ છે. ખાસ કરીને ચંદ્રની ઑરાના સમયે મંદિરમાં અનેક સ્થાનિક લોકો નાના બાળને લઈને આવે છે. એ જ રીતે સોમવારે પણ ચંદ્રદેવને રીઝવવા સેંકડો લોકો આવે છે. કહેવાય છે કે જન્માક્ષરમાં ચંદ્ર નબળો હોવાથી જાતકને ડિપ્રેશન કે વિચારવાયુ જેવી માનસિક બીમારી થાય છે એવા લોકો તો ખરા જ સાથે. કમળાના દરદી, વિદેશ જવા ઇચ્છુકો, વાહનસુખ માટે, માતા-પત્નીની સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાના નિવારણ માટે પણ મોટા પ્રમાણમાં આસ્થાળુઓ અહીં આવે છે. આ ચંદિરાનારને સફેદ વસ્ત્ર, ફૂલ, મીઠાઈ અને ધાન અર્પણ કરવાથી મનની સ્થિરતા વધે છે.
પાંચ મંજિલા ગોપુરમ ધરાવતું આ મંદિર પણ ચૌલવંશીય રાજવીઓએ દસમીથી બારમી સદી દરમ્યાન તૈયાર કરાવ્યું છે. સ્મૉલ કૅમ્પસમાં સ્મૉલ દેવાલય બટ, બિગ ગોપુરમ (જોકે એ અર્વાચીન છે). નાનકડા ગામડામાં વસેલા આ મંદિરે પહોંચવાનો રસ્તો અતિ લોભામણો છે. કેળાના બગીચા, ચોખાનાં ખેતર, નારિયેળી-સોપારી તાડનાં વૃક્ષોની હારમાળાયુક્ત પ્રદેશમાંથી પસાર થતો પાતળો રસ્તો તામિલનાડુ રાજ્યનું ગ્રામ્યદર્શન કરાવે છે.
થિંગલુર કુંભકોણમથી ૩૩ અને થાંજાવુરથી ફક્ત ૧૪ કિલોમીટર છે. સો, થાંજાવુરમાં રહેવું સુગમ પડશે અને ઓમાંદુર પણ પાસે પડશે. મુંબઈથી થાંજાવુર સુધી ડાયરેક્ટ ટ્રેન જાય છે. ચોલા સામ્રાજ્ય વખતનું ટાઇમલેસ થાંજાવુર પણ અનેક બેમિસાલ મંદિરોનું નિવાસસ્થાન છે અને અહીં તો રહેવા-જમવાની સુવિધાઓ વર્લ્ડક્લાસ છે.
પૉઇન્ટ્સ ટુ બી નોટેડ
અન્ય મંદિરોની જેમ ચંદ્રમંદિર પણ બપોરે ૧થી ૪ વાગ્યા દરમ્યાન બંધ રહે છે અને ઓમાંદુર મંદિર તો ફક્ત સોમ અને શુક્રવારે જ ખુલ્લું રહે છે. હા, ઓપન ફૉર ફુલ ડે.
ચંદિરાનાર મંદિરની દુર્લભ વિશેષતા એ છે કે તામિલ કૅલેન્ડરનો છઠ્ઠો મહિનો પુરત્તસી (અંગ્રેજી મિડ સપ્ટેમ્બરથી મધ્ય ઑક્ટોબર) અને પેગુની (માર્ચ-એપ્રિલ) દરમ્યાન ઊંચા અંબરે વસતા ઇન્દુદેવ (ચંદ્ર) પોતાનાં શાનદાર કિરણો ડાયરેક્ટ શિવલિંગ પર પાડે છે. એ ખૂબ જ સુંદર દૃશ્ય રચે છે.
પતંજલિના સૂત્રધાર બાબા રામદેવ પણ જ્યોત મંદિરનાં દર્શનાર્થે આવ્યા છે.
અરે, તમને યાદ છે જ્યાં ભક્તો પોતાની કુંડળી ધરે છે એ બ્રહ્મેશ્વર મંદિર? આ મંદિર પણ ઓમાંદુરથી ઢૂંકડું છે. એથી જો હજી ત્યાં ન ગયા હો તો આ બેઉ તીર્થસ્થળોની સાગમટે યાત્રા કરી શકાય.
ઓમાંદુર મંદિરના પ્રદક્ષિણા-પથ પર પથ્થરમાં જ એક શ્રી યંત્રનું શિલ્પ છે, જે મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે.