ગુજરાતને જાણવા માટે તમને આટલી વસ્તુઓ ખબર હોવી છે જરૂરી
ગુજરાતને જાણવા માટે તમને આટલી વસ્તુઓ ખબર હોવી છે જરૂરી
સંસ્કૃતિ, ખાનપાન અને તહેવારો..આ છે ગુજરાતના રંગ તેનો મિજાજ અને તેનો આત્મા. ચાલો તમને જણાવીએ કેટલીક એવી વાતો જે જાણવી જરૂરી છે.
ગુજરાતની કલા
ગુજરાતની હસ્તકલા તો વિશ્વભરમાં પ્રખ્યાત છે. ફર્નિચર, જ્વેલરી, હસ્તકલા કરેલા કાપડ, ચામડા પર કરેલું કામ, માટીનું કામ આવી અનેક વસ્તુઓની ખૂબ જ માંગ છે. કચ્છની હસ્ત કારીગરી, પાટણના પટોળા, જામનગરની બાંધણીના તો દુનિયાભરમાં વખાણ થાય છે. સાથે જ ચણિયાચોળી અને સાડી તો ખરી જ.
ADVERTISEMENT
સંગીત
ગુજરાતનું પરંપરાગત સંગીત સુગમ સંગીતના નામે જાણીતું છે. ગુજરાતમાં તુરી, મંજિરા, એકતારો, જંતર, પ્રભાતી, ઢોલ, ખંજરી, રાવણહથ્થો જેવા વાજિંત્રોનો ઉપયોગ થાય છે. ભજન અને લોકગીતો ગુજરાતની વિશેષતા છે.
નૃત્યકળા
ગુજરાતની સૌથી જાણીતી નૃત્યકળા એટલે ગરબા. નવરાત્રિમાં નવ દિવસ ગુજરાતીઓ દુનિયાના કોઈ પણ ખુણે હોય રાસ તો રમે જ છે. માનવામાં આવે છે કે પૌરાણિક સમયમાં કૃષ્ણ અને ગોપીએ રાસે રમતા હતા. ગરબાની સાથે મા આદ્યાશક્તિની આરાધના કરવામાં આવે છે.
ગુજરાતના રીતિ રીવાજો
ગુજરાતમાં હિન્દુ, ઈસ્લામ, જૈન અને બૌદ્ધ સહિતના લોકો વસે છે. રાજ્યમાં અનેક ધર્મોના મહત્વના સ્થળો આવેલા છે. સાથે ગુજાતમાં જન્મ, જનોઈ, લગ્ન અને મરણ સમયે ખાસ રીતિ રીવાજો પાળવામાં આવે છે.
ભાષા અને ધર્મ
ગુજરાતમાં ગુજરાતી ભાષા બોલવામાં આવે છે. જે સંસ્કૃત પરથી આવેલી છે. ગુજરાતમાં કહેવાય છે કે બાર ગાઉએ બોલી બદલાય છે. અલગ અલગ વિસ્તારની બોલી અને લહેકો અલગ અલગ હોય છે.
મેળાઓ અને તહેવારો
ગુજરાતની પ્રજા ઉજવણીની શોખીન છે. ગુજરાતનું કલ્ચર એકમદ વાઈબ્રન્ટ છે. નવરાત્રિ, જન્માષ્ટમી, દીવાળી, શ્રાવણ મહિનો સાથે શામળાજીનો મેળો, ભદ્ર પૂર્ણિમાનો મેળો, રણ ઉત્સવ, વૌઠાનો મેળો ઉજવવામાં આવે છે. સાથે ખાસ અષાઢી બીજના દિવસે પણ જગન્નાથની રથયાત્રા નીકળે છે.
ગુજરાતી થાળી
પરંપરાગત ગુજરાતી થાળીમાં દાળ, ભાત, રોટલી, શાક અને સૌથી વધુ પ્રિય વસ્તુ એટલે છાશ. ગુજરાતીઓ ગાંઠિયા, દાલવડા, ખાખરાના શોખીન છે. તમને અલગ અલગ જગ્યાએ સ્થાનિક વાનગીઓ પણ મળી જશે.
પોષાક
ગુજરાતીઓ મોટા ભાગે સાડી પહેરે છે. લગ્નમાં પાનેતર અને શેરવાની પહેરવામાં આવે છે. ચોક્કર કોમના લોકો અલગ અલગ પ્રકારના પોષાક પણ પહેરે છે. જ્યારે નવરાત્રિમાં ચણીયા ચોળી અને કેડિયું ચોરણી પહેરવામાં આવે છે.
ગુજરાતી સિનેમા
ગુજરાતી સિનેમા આજે વિશ્વ ફલક સુધી વિસ્તરી ચુક્યું છે. 1932માં પહેલી ગુજરાતી ફિલ્મ નરસિંહ મહેતા રિલીઝ થઈ હતી. જે બાદ આજ સુધી ફિલ્મ ઈન્ડસ્ટ્રી એક બાદ એક મુકામો સર કરી રહી છે.
આ પણ વાંચોઃ તમને ખબર છે ગુજરાતી થાળીમાં શું પીરસવામાં આવે છે?
ગુજરાતીઓ શાંતિપ્રિય અને વેપારી પ્રજા માનવામાં આવે છે. તેઓ ફરવાના અને ખાવા પીવાના શોખીન અને મળતાવડા છે. તેમના માટે કહેવામાં આવે છે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત.