અગાઉ તમને કહ્યું હતું એમ, જીવન એક રાસ છે, દેહ ગોપી છે અને અંદરનું ચૈતન્ય કૃષ્ણ છે. આપણું જીવન કૃષ્ણકૃપાથી ચાલે છે.
સત્સંગ
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય AI
અગાઉ તમને કહ્યું હતું એમ, જીવન એક રાસ છે, દેહ ગોપી છે અને અંદરનું ચૈતન્ય કૃષ્ણ છે. આપણું જીવન કૃષ્ણકૃપાથી ચાલે છે. જેણે જીવન આપ્યું છે એણે જીવન ચાલતું રહે એ માટે પણ વ્યવસ્થા કરી છે. યોગક્ષેમ વહામ્યહમ્. પત્નીની બધી જવાબદારી ઉપાડે તેને પતિ કહેવાય. એમ આખા જગતની જવાબદારી ઉપાડે તેને જગતપતિ કહેવાય.
ફુટપ્રિન્ટ્સ નામની એક બહુ સરસ અંગ્રેજી કવિતા છે. એનો ભાવ તમને અહીં કહેવો છે. રણમાં એક વ્યક્તિ ચાલી જાય છે. તેનાં પગલાં રેતીમાં પડે છે અને તેનાં પગલાંની બાજુમાં પણ બીજાં પગલાં પડતાં જાય છે. આ જે બીજાં પગલાં હતાં એ ઈશ્વરનાં પગલાં હતાં. થોડા સમય બાદ બાજુનાં પગલાં ગુમ થઈ જાય છે અને માણસને બહુ દુઃખ થાય છે. એ માણસ ભગવાનને ફરિયાદ કરતાં કહે છે કે ‘ઈશ્વર, હું તારા ભરોસે તને સાથે લઈને જીવનના આ માર્ગ પર ચાલી નીકળ્યો હતો. મેં તારા પર સંપૂર્ણ ભરોસો રાખ્યો. મારો સંકટનો સમય આવ્યો ત્યારે મારાં સગાંવહાલાં, મારા મિત્રો, મારા સ્નેહીજનોએ મારો સાથ મૂકી દીધો, પણ તું સાથે છે એવું મન મનાવીને હું આગળ વધતો રહ્યો અને આજે, આજે તેં પણ મારો સાથ છોડી દીધો!’
ADVERTISEMENT
એ વ્યક્તિને આમ તો ભગવાને જવાબ ન આપ્યો હોત, પણ એ માણસ દિલનો નેક હતો. હંમેશાં બીજાને મદદ કરવા તત્પર રહે એવો તેનો સ્વભાવ. ભગવાનને ફરિયાદ કરીને એ માણસ રડી પડ્યો એટલે ભગવાન પણ દ્રવી ઊઠ્યા.
ભગવાને એ માણસને જવાબ આપતાં કહ્યું, ‘મેં તારો સાથ કદી નથી છોડ્યો.’
પેલો માણસ કહે છે કે ‘જો ભગવાન, એવું હોય તો મારાં પગલાંની બાજુમાં તમારાં પગલાં કેમ દેખાતાં નથી?’
ભગવાન કહે છે, ‘ભલા માણસ રેતીમાં જે પગલાં પડે છે એ તારાં છે જ નહીં, એ તો મારાં પગલાં છે. સંકટથી તું એટલો ઘેરાયેલો છે કે તારાથી તારા પગ પર ચાલી શકાય એમ નથી, તું તો આ સંકટથી થાકીને ક્યાંય પાછળ બેસી ગયો હતો, પણ હું તને અહીં સુધી તેડીને ચાલતો આવ્યો છું...’
જીવન જીવથી શિવ સુધી પહોંચવાની એક યાત્રા છે. યાદ રાખજો કે પૈસાદાર બનવું સહેલું છે, પણ શ્રીમંત બનવું અઘરું છે. પૈસો કમાવો સહેલો છે, પણ લક્ષ્મી મેળવવી અઘરી છે. કૃષ્ણનું સંગીત હૃદયની ધડકનમાં ભળે તો જ જીવન સાર્થક થાય. ભાગવત આકાશ છે. તમારી તાકાત પ્રમાણે ઊર્ધ્વ જઈ શકો છો. બાકી તો જે પંખીએ પીંજરાને જ પોતાનું ઘર માની લીધું હોય એને આકાશની વિશાળતા ક્યારેય સમજાશે નહીં. -ભાઈશ્રી રમેશભાઈ ઓઝા