મોટા બની જવા ક્યાં કંઈ મહેનત કરવી પડે છે? માત્ર સમય પસાર થાય અને માણસ આપોઆપ મોટો બનવા લાગે; પછી ભલેને તે સૂતો હોય કે રખડતો હોય
સત્સંગ
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
મોટા બની જવા ક્યાં કંઈ મહેનત કરવી પડે છે? માત્ર સમય પસાર થાય અને માણસ આપોઆપ મોટો બનવા લાગે; પછી ભલેને તે સૂતો હોય કે રખડતો હોય, ભલેને તે ગુંડો હોય છે કે ખૂની હોય, ભલેને તે દુર્જન હોય કે દરિદ્ર હોય, ભલેને તે સામાન્ય હોય કે અસામાન્ય હોય; તે મોટો થઈ જ જાય છે. જોકે મોટા થવું અને મહાન થવું એ બે વચ્ચે બહુ મોટો ફરક છે. મહાન બની રહેવા માટે માણસે આખી જિંદગી દાવ પર લગાવી દેવી પડે છે. હૃદયને કોમળ રાખ્યા વિના, સ્વભાવને શીતળ બનાવ્યા વિના અને મનને સરળ અને નિર્મળ રાખ્યા વિના મહાન બનવાના માર્ગ પર કદમ પણ રાખી શકાય એમ નથી.
સ્વાર્થને ગૌણ બનાવવાની તૈયારી, અપેક્ષાઓની અવગણના કરવાની હિંમત, ચિત્તની પ્રસન્નતાને ખંડિત ન થવા દેવાનું લક્ષ્ય - આ અને આવાં અનેક પરિબળો ભેગાં થાય ત્યારે જ માણસના જીવનમાં કંઈક એવું પ્રગટે છે જે બીજા જીવો માટે આકર્ષણનું કારણ બને છે, પ્રેરણાનું પાવક બને છે, પ્રેમનું કેન્દ્ર બને છે અને લાગણીઓનું સરોવર બને છે. આ જે કારકતા છે એને અપનાવવા માટે મહેનત નહીં, મન હોવું જોઈએ.
ADVERTISEMENT
આ જ વાતને સહજ રીતે જો સમજવી હોય તો તમારે સ્વીકારવું પડે કે મહાનતાને પામવા માટે તમારે અન્યના સુખનો વિચાર કરવો પડે. જે અન્યના સુખને પ્રાધાન્ય આપીને જીવે છે તે પોતે તો ક્યારેય દુઃખી થતો નથી, પણ તે હંમેશાં અન્યના મનમાં પણ સુખ પામે છે. જીવનનો એક નિયમ છે કે જો તમે તમારી જાતને કેન્દ્રમાં રાખો તો ક્યારેય તમે મહાનતમ સ્તર પર ન પહોંચી શકો; પણ જો તમે મનથી, દિલથી અન્યની સુખાકારી, અન્યની તકલીફોનો વિચાર કરો અને પછી એને દૂર કરવાની પ્રેરણા પામો તો જ તમે મહાનતાના સ્તર પર પહોંચી શકો.
મહાન હોવું એ ગ્રહોનું કે કુંડળીઓનું તારણ નથી. મહાન હોવું એ તમારા વર્તન અને વ્યવહારનું કારક છે. તમારો વ્યવહાર કેવો છે, તમારું અન્ય સાથે વર્તન કેવું છે અને તમે અન્ય સાથે કેવી રીતે રહો છો એ વાત જ તમને મહાનતમ બનાવવાની દિશામાં આગળ લઈ જાય છે. કોઈ મારું વિચારતું નથી કે કોઈની પાસે મારા માટે સમય નથી જેવા વિચારો કરનારો હંમેશાં કૂપમૂંડક બનીને પોતાની નાનકડા ખાડાવાળી દુનિયામાં રહીને દુનિયાને કોસ્યા કરે છે. તે એ ભૂલી જાય છે કે તેની આ પ્રક્રિયાથી જગત પણ તેને કોષતું થઈ ગયું છે અને જો બન્ને પક્ષે કોસવાનું કામ થતું રહે તો કેવી રીતે વ્યક્તિ સુખી થઈ શકે, ખુશ રહી શકે? - જૈનાચાર્ય વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મ. સા.