આપણે કદાચ આવા મહાપુરુષોની જેમ સૂર્ય બની સમગ્ર સમાજને પ્રકાશ ન આપી શકીએ, પણ તેમનામાંથી પ્રેરણા લઈને દીપક બની આપણી આસપાસની વ્યક્તિઓને જરૂર પ્રકાશ આપી શકીએ
પાવર-અપ
પ્રતીકાત્મક તસવીર
આપણે વાત કરતા હતા મદદના હાથની જેમાં મહાન સંગીતજ્ઞ ઓમકારનાથ અને જાણીતા વૈજ્ઞાનિક તથા દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામના જીવનના કિસ્સા તમને કહ્યા.
ખરેખર મદદ કરવાની ભાવના તેને જ જાગે જે બીજાની પરિસ્થિતિ સમજી શકે. મહાન પુરુષો દરેક વ્યક્તિની પરિસ્થિતિ સમજી શકે છે. એટલા માટે જ તેમની પાસે મદદ માગવી નથી પડતી, તેઓ સામેથી જ મદદ કરવા પહોંચી જાય છે.
ADVERTISEMENT
૧૯૬૨માં અમદાવાદમાં BAPS સ્વામીનારાયણ મંદિરનો પ્રતિષ્ઠા-મહોત્સવ હતો. ઉત્સવના સમાપનની રાતે રસોડા-વિભાગમાં સ્વચ્છતાની સેવા બજાવી રહેલો એક યુવાન એઠવાડથી ભરેલી લારીને ઢાળ ચડાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, પરંતુ ભાર ખૂબ હતો અને ઢાળ પણ ઊંચો હતો એટલે તેના બધા પ્રયત્ન નિષ્ફળ જતા હતા. એટલામાં તેણે પ્રમુખસ્વામી મહારાજને થોડે દૂરથી પસાર થતા જોયા, પણ તેમને કાંઈ એઠવાડની લારી ખેંચવા બોલાવાતા હશે? સંસ્થાના પ્રમુખ, મહોત્સવના મોવડી અને લાખો લોકોના આદરણીય એવા પ્રમુખસ્વામી મહારાજ પાસે કાંઈ આવું કામ કરાવાતું હશે? યુવાન આ વિચારોની ગડમથલમાં હતો એવામાં પ્રમુખસ્વામી મહારાજની નજર આ યુવાન પર પડી અને તેને જોતાંવેંત તેની બધી પરિસ્થિતિ પામી ગયા.
એ યુવાન હજી કાંઈ સમજે કે વિચારે એ પહેલાં તો પ્રમુખસ્વામી મહારાજ તેની મદદે પહોંચી ગયા અને એઠવાડની લારીને ધક્કો મારવા લાગ્યા. થોડી વારમાં લારી ઢાળ તો ચડી ગઈ, પરંતુ પ્રમુખસ્વામી મહારાજ ત્યાંથી અટક્યા નહીં.
એ લારીને જ્યાં ખાલી કરવાની હતી ત્યાં સુધી લારીને ખેંચી જવામાં પણ તેઓ યુવાનની સાથે રહ્યા. અરે, લારીને ખાલી કરાવવામાં પણ સાથે રહ્યા.
જરૂરિયાતમંદને કેવળ મદદ કરવી એટલું જ નહીં, પણ પૂરેપૂરી મદદ કરવી એવો તેમનો સિદ્ધાંત હતો. પર-સેવા માટે પરસેવો પાડનારા આ મહાપુરુષે ૪૫ જેટલી પ્રાકૃતિક દુર્ઘટનાઓમાં રાહતકાર્ય, બે લાખથી વધુ પીડિતોની સહાય, ૨૫ જેટલાં આખાં ગામ દત્તક લઈને પુનર્નિર્માણ, ૨૧,૦૦૦ જેટલાં દુષ્કાળપીડિત પશુઓની માવજત અને ૨૯ લાખ પછાત વિસ્તારના દરદીઓની વિનામૂલ્ય સારવાર કરીને સમાજસેવાનો અમીટ અધ્યાય લખ્યો છે.
આપણે કદાચ આવા મહાપુરુષોની જેમ સૂર્ય બની સમગ્ર સમાજને પ્રકાશ ન આપી શકીએ, પણ તેમનામાંથી પ્રેરણા લઈને દીપક બની આપણી આસપાસની વ્યક્તિઓને જરૂર પ્રકાશ આપી શકીએ. સવારે ઊઠીએ ત્યારથી રાતે સૂઈએ ત્યાં સુધી આપણને એવી કેટલીયે વ્યક્તિઓનો ભેટો થતો હશે જેને કોઈક મદદની જરૂર હોય. તો આવો, તેમના મદદગાર થઈએ અને યાદગાર બનીએ.
જય સ્વામીનારાયણ.
- પૂજ્ય ડૉ. જ્ઞાનવત્સલ સ્વામી BAPS સ્વામીનારાયણ સંસ્થા (લાઇફ-કોચ અને ખ્યાતનામ સ્પીકર તરીકે યુવાનોમાં લોકપ્રિય એવા જ્ઞાનવત્સલ સ્વામી સોશ્યલ મીડિયા પર લાખો ફૉલોઅર્સ ધરાવે છે.)