માથા પર ઉગાડે છે વિવિધ પાક, આપે છે પર્યાવરણનો સંદેશ : પાક બગડે નહીં એટલે બેઠાં-બેઠાં જ સૂએ છે
મહાકુંભ ડાયરી
કુંભ મેળો
મહાકુંભમાં હાલમાં અનાજબાબાની ચર્ચા ચાલી રહી છે. સોનભદ્રના મારકુંડીના નિવાસી બાબા અમરજિત છેલ્લાં ૧૪ વર્ષથી તેમના માથા પર ચણા, ઘઉં અને બાજરા જેવા પાક ઉગાવે છે એટલે લોકો તેમને અનાજબાબા તરીકે ઓળખે છે. હાલમાં પણ તેમણે તેમના માથા પર પાક ઉગાડ્યો છે જે એક ફુટનો થઈ ગયો છે અને તેમને દરદ પણ થાય છે, પણ તેઓ આને સંકલ્પનો હિસ્સો માને છે. મહાકુંભના સમાપન સમયે મૌની અમાવસ્યાના દિવસે તેઓ એ પાકને ઉતારીને એનો પ્રસાદ કરીને ભક્તોમાં વહેંચી દેવાના છે. તેમણે કહ્યું હતું કે આ પ્રસાદ મેળવનારા ધન્ય થઈ જશે.
માથા ઉપર પાક ઉગાડવાથી તેમનો ઉદ્દેશ કેવળ હઠયોગ દર્શાવવાનો નહીં પણ પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. તેઓ લોકો સુધી પર્યાવરણના મહત્ત્વને પહોંચાડવા માગે છે. તેઓ આ હઠયોગ વિશ્વશાંતિ અને કલ્યાણ માટે કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે અંધાધૂંધ ઝાડ કાપવાથી પ્રકૃતિને ખતરો છે. અનાજબાબા માથા પર પાક ઉગાડે ત્યારે બેઠાં-બેઠાં જ સૂએ છે, જેથી પાકને નુકસાન ન થાય.