Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > અહો વીર્યમ્... અહો શૌર્યમ્... અહો બાહુ પરાક્રમ: નરસિંહમ્ પરમ દૈવમ્, અહોબિલમ્ અહોબલમ્...

અહો વીર્યમ્... અહો શૌર્યમ્... અહો બાહુ પરાક્રમ: નરસિંહમ્ પરમ દૈવમ્, અહોબિલમ્ અહોબલમ્...

Published : 08 June, 2023 03:54 PM | IST | Mumbai
Alpa Nirmal

જ્યાં વિષ્ણુ ભગવાને હિરણ્યકશ્યપનો વધ કરવા નરસિંહનો અવતાર ધારણ કર્યો એ તીર્થ અહોબિલમ્ ૧૦૮ દિવ્યક્ષેત્રમમાંનું એક પવિત્ર ક્ષેત્ર છે

તીર્થ અહોબિલમ્

તીર્થાટન

તીર્થ અહોબિલમ્


કહે છે કે હાલ જે મંદિર છે એ વિષ્ણુજીના પાંચ ફુટ ૩ ઇંચનાં પાદચિહ્ન પર બનાવાયું છે. અહીં લક્ષ્મી નરસિંહા સ્વામી અને ઉગ્ર નરસિંહા સ્વામીનાં દર્શન કરવાનું માહાત્મ્ય વધુ છે.


આપણી તીર્થાટન એક્સપ્રેસ અત્યારે દક્ષિણ ભારતમાં છે. પહેલાં તામિલનાડુના તાંજોર, બાદમાં કેરળના ત્રિચિટાટ થઈ અત્યારે આપણી યાત્રા સાઉથ ઇન્ડિયાના ત્રીજા સ્ટેટ આંધ્ર પ્રદેશના અહોબિલમ્ ગામે પહોંચી છે.



દરિયાની સપાટીથી એક હજાર ફુટ ઊંચે વસેલું અહોબિલમ્ આંધ્ર પ્રદેશના પૂર્વીય ઘાટની પર્વતમાળામાં સ્થિત છે. કુર્નુલ જિલ્લાનું આ તીર્થસ્થળ આપણા માટે અજાણ્યું છે, પણ સાઉથ ઇન્ડિયન ડિવોટીઝમાં અહોબિલમનો ભારે દબદબો છે. કહેવાય છે કે અહીં પક્ષીરાજ ગરુડે વિષ્ણુ ભગવાનનાં દર્શન કરવા ખૂબ ઉગ્ર તપસ્યા કરી, દીર્ઘ સાધના કરી અને વર્ષોની પ્રાર્થના બાદ નલ્લમાલા હિલ્સની આ પહાડીની ગુફામાં એક નરસિંહ સ્વરૂપની વિશાળ મૂર્તિ પ્રગટ થઈ. ધર્મ અને સતયુગમાં આ પ્રતિમાનું તેજ એટલું બધું હતું કે ઘોર જંગલ વચ્ચે આવેલી એ ગુફામાંથી ગરમી પ્રગટ થતી. જો ગુફામાં ઘાસ કે અન્ય પદાર્થ રાખવામાં આવે તો ગરમીને કારણે એમાં આગ લાગી જતી.


વેલ, નાઓ કટ ટુ. સત યુગની સમાપ્તિ થઈ. આમેય ઘનઘોર જંગલોની વચ્ચે ડુંગરા પર આવેલી આ ગુફા સુધી પહોંચવાનું કામ લોઢાના ચણા ચાવવા જેવું કપરું હતું. અડાબીડ જંગલ, ઊંચી-નીચી પહાડીઓ, જંગલી પ્રાણીઓ સહિત સાપ તેમ જ અન્ય વન્યજીવોના વસવાટને કારણે નરસિંહાનાં દર્શનાર્થે જવલ્લે જ કોઈ જતું હતું. આથી કાળક્રમે દૈવી આશીર્વાદથી પ્રગટ થયેલું આ તીર્થ માનસપટલ પરથી ધીરે-ધીરે ભૂંસાઈ ગયું. બટ.. બટ.. બટ.. ૮૦૦-૯૦૦ વર્ષ પૂર્વે એક વૈષ્ણવ અલ્વર (મહાત્મા) શ્રીનિવાસ આચાર્યને સપનામાં વિષ્ણુજીએ આ સ્થળે જવાનું સૂચન કર્યું. એ સમયે નહોતાં વાહનવ્યવહારનાં સાધનો કે નહોતાં કમ્યુનિકેશનનાં માધ્યમો. આવા દુર્ગમ અને અજાણ્યા સ્થળે પહોંચવું કેમ? પરંતુ જેમને ખુદ વિષ્ણુજીએ હાકલ કરી હોય એ ભવ્ય જીવ રોકાય? અને પ્રભુના ભક્તને કોઈ અડચણ આવે તો પ્રભુ મદદે આવ્યા વગર રોકાય? એ વૈષ્ણવ અલ્વર તો નીકળી પડ્યા અને ભગવાનના આશીર્વાદ તેમ જ માર્ગદર્શનથી એક દીર્ઘ યાત્રા બાદ પહોંચી ગયા નરસિંહના દરબારે. ત્યાં જઈને જોયું તો સ્થાનિક આદિવાસીઓ તો પ્રભુનો ઉત્સવ મનાવી રહ્યા હતા, કારણ કે નૃસિંહજી તો તેમના જમાઈ હતા. ચુંચુ જાતિના આદિવાસીની કન્યા ચુંચુ લક્ષ્મી આ ભગવાનને પરણી હતી. એ અન્વયે નૃસિંહજી એ વન્ય પ્રજાના આરાધ્ય દેવ થયા. ખેર, એક ભક્તને બીજા ભક્તોની કંપની મળી અને વિષ્ણુના ચોથા અવતારની ભક્તિ થતી રહી.

ફરી એક લાંબો અરસો વીતી ગયો. લગભગ ૭૦૦ વર્ષ પૂર્વે આંધ્ર પ્રદેશના ગ્રેટ કિંગ પ્રતાપ રૂદ્ર જ્યોતિર્લિંગ શ્રીશૈલમની યાત્રા કરીને પરત પોતાની રાજધાની ફરી રહ્યા હતા ત્યારે તેમણે આ સ્થળે રાતવાસો કર્યો. પરમ શિવભક્ત રાજા પ્રતાપ રુદ્રનો નિયમ હતો, તેઓ દરરોજ એક સોનાનું શિવલિંગ બનાવડાવે. એનો અભિષેક, પૂજા-અર્ચના કરે અને ત્યાર બાદ બ્રાહ્મણને એ સુવર્ણ લિંગનું દાન કરી દે. યુદ્ધના મેદાને હોય કે પોતાના રાજમહેલમાં, યાત્રાએ હોય કે પ્રવાસમાં; રાજવી તેમનો આ નિયમ અચૂક પાળે. તેમના કાફલામાં સોનારને તેઓ સાથે જ રાખે, અહોબિલમ પાસે ગરુડાચલની આ પહાડીઓમાં મુકામ કરતા રાજા સવાર પડતાં સોનીની રાહ જોવા લાગ્યા કે સમય થઈ ગયો છતાં સુર્વણકાર કેમ શિવલિંગ લઈને આવ્યો નહીં? જ્યારે આ બાજુ સોની તેના રોજિંદા ક્રમ પ્રમાણે શંકરનું લિંગ તૈયાર કરી રહ્યો હતો તો એમાંથી ઑટોમૅટિક લિંગને બદલે નરસિંહની મૂર્તિ બની ગઈ. સોની એ લઈ રાજા પાસે આવ્યો અને રાજાને આખા બનાવની વાત કરી. ધાર્મિક વૃત્તિના રાજાએ અહીં જ રહી આજુબાજુના વિસ્તારની તપાસ કરાવી. ત્યારે આ વિસ્તારમાં રહેતા વનવાસીઓએ નરસિંહજીની ગુફા બતાવી અને આખી વાત કરી. રાજા એ સાંભળી નરસિંહનાં દર્શન કરવા ગયા અને એ પ્રતિમાજીથી એવા પ્રભાવિત થઈ ગયા કે શૈવ પરંપરાના રાજા વૈષ્ણવપંથી બની ગયા.


ખેર, આ તો થઈ હજાર વર્ષ પહેલાંની વાતો, પરંતુ અહોબિલમનું વજૂદ તો ત્રેતા યુગથી છે. કહેવાય છે રામ-લક્ષ્મણ જ્યારે સીતાજીને લેવા લંકા જઈ રહ્યા હતા ત્યારે અહીં રોકાયા હતા. પંચામૃત સ્તોત્ર રચી તેમણે અહીં ભગવાન નરસિંહની પૂજા કરી રહી. તિરુમાલા હિલ્સના અધિપતિ બાલાજીએ પદ્માવતી દેવી સાથે લગ્ન કર્યાં ત્યારે આ નરસિંહાજીને પણ નૈવેદ્ય ધરાવી અર્ચના કરી હતી. ભગવાન શિવે મંત્ર રાજપદ સ્તોત્રમમાં નરસિંહાને સર્વોચ્ચ ભગવાનની ઉપમા આપી છે. એ સાથે નવ ગ્રહો સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ-કેતુ જ્યારે અસુરો અને મહર્ષિઓના શ્રાપથી ગ્રસિત હતા ત્યારે અહીંના નરસિંહાનાં વિવિધ નવ સ્વરૂપોની પૂજા કરી શ્રાપથી મુક્ત થઈ બળવાન બન્યા હતા. કહે છે કે ચંદ્રએ અહીંના કરંજ નરસિંહા અને મંગળે જ્વાલા નરસિંહાનું પૂજન કર્યું છે. સનાતન ધર્મના અતિ જાણીતા નારદ મુનિનું માનવું હતું કે કોઈ ભક્ત ૧ હજાર વર્ષ કાશીમાં રહે, ૨૦ વર્ષ પ્રયાગમાં રહે કે ૧૦૦ વર્ષ ગયા તીર્થમાં રહે એના જેટલું પુણ્ય અહોબિલમમાં ફક્ત એક રાત રહેવાથી મળે છે.

નાઓ, કટ ટુ મુખ્ય સ્ટોરી ઑફ હિરણ્યકશ્યપ અને નરસિંહ અવતાર. કશ્યપ ઋષિ અને માતા દિતીના પુત્ર હિરણ્યકશ્યપને હોલિકા નામે બહેન અને હિરણ્યાક્ષ નામે નાનો ભાઈ હતો. ત્રણેય ભાઈ-બહેન ઋષિના પુત્ર એટલે અત્યંત તેજસ્વી અને જ્ઞાની. તેમણે કઠોર તપ કરી બ્રહ્માજીને પ્રસન્ન કર્યા અને બ્રહ્માજીએ તેમને અજેય, જે કોઈનાથી જિતાય નહી, મરાય નહીં એવા આશીર્વાદ આપી દીધા. સૃષ્ટિના રચયિતાને આવું વરદાન મળ્યું એટલે આ ત્રણેય ઋષિ સંતાનોને અહંકાર આવી ગયો અને એ મદમાં આખી પૃથ્વીના રાજા બનવાની લાલસા જાગી. કહે છેને અતિ લોભ એ પાપનું મૂળ છે. બસ, એ ન્યાયે બેઉ ભાઈઓ તેમની પ્રજાને રંજાડવા લાગ્યા. ફક્ત પ્રજા જ નહીં, દેવો-ઋષિમુનિને પણ હેરાન કરતા તેમના તપ, જપ, ધ્યાનમાં વિક્ષેપ કરતા. પાર્વતી માતાના આ ભાણેજોએ સ્વર્ગલોક, પાતાલલોક, પૃથ્વીલોકના રાજા બનવાની એવી રટ લીધી હતી કે એક વખત હિરણ્યાક્ષે આખી પૃથ્વીને સમુદ્રમાં ડુબાડી દીધી. આ કાર્યથી ઇન્દ્રલોક પણ વ્યથિત થઈ ગયો અને વિષ્ણુજીએ વારાહ અવતાર લઈ હિરણ્યાક્ષને મારી નાખ્યો. આ કૃત્યથી હિરણ્યકશ્યપ ઓર કોપાયમાન થઈ ગયો અને ભગવાનનો નાશ કરવા તત્પર થઈ ગયો. તેના રાજ્યમાં જો કોઈ વિષ્ણુનું નામ લે તો તેને મરાવી નાખતો. બસ, પોતે જ ભગવાન હતો અને પ્રજાએ એ માનવું જ રહ્યું. પણ પાપીનો ઘડો જલદી છલકાય એમ તેનો અંત લાવવા તેને પ્રહ્લાદ નામે પુત્ર જન્મ્યો. બાળપણથી પ્રહલાદ વિષ્ણ-વિષ્ણુ જપે. ઈગોઇસ્ટિક અને અજર અમર હોવાના ઘમંડમાં રહેતા હિરણ્યકશ્યપે તેના પુત્રને મારવાનું નક્કી કર્યું. તે જાત-જાતના પ્રયત્નો કરાવતો પણ પ્રહલાદ દરેક વખતે બચી જતો. તેણે પ્રહલાદને હાથીના પગ નીચે કચડાવ્યો, અનેક રાક્ષસી અવતાર પ્રગટ કરી ડરાવ્યો, ઝેર આપ્યું, કૂવામાં ફેંકી દીધો, ખાવા-પીવાનું ન આપ્યું જેવા અનેક ઉત્પાત કર્યા પણ વિષ્ણુજી એ બાળભક્તને દરેક વખતે બચાવી લેતા.

હિરણ્યકશ્યપની બહેન હોલિકાને વરદાન હતું કે તેને કોઈ અગ્નિની જ્વાળા બાળી નહીં શકે. પ્રહલાદને નષ્ટ કરવા ક્રૂર પિતાએ બાળ પ્રહલાદને બહેન હોલિકાના ખોળામાં બેસાડી તેની આજુબાજુ જ્વલનશીલ લાકડાંનો ખડકલો કરાવી એમાં આગ પણ ચંપાવી જેથી બાળક દાઝીને મૃત્યુ પામે પરંતુ રામ રાખે તેને કોણ ચાખે? આગમાં ન બળી શકવાના વરદાનવાળી હોલિકા બળીને મરી ગઈ ને પ્રહલાદ હસતો-રમતો એ લબકારા મારતી જ્વાળામાંથી બહાર આવ્યો. આમ બનવાથી હિરણ્યકશ્યપ સખ્ખત છંછેડાયો હતો. તેણે દીકરાને કહ્યું કે વિષ્ણ ભગવાનનું કોઈ અસ્તિત્વ જ નથી. જળ, સ્થળ, હવા, આકાશ, મેઘ, દરેકમાં પોતે વસે છે. પરંતુ પ્રહલાદ તો એ માનવા તૈયાર જ નહોતો. પ્રહલાદે પણ ચૅલેન્જ કરી કે અત્ર, તત્ર, સર્વત્ર વિષ્ણુ છે. વિષ્ણુનું અસ્તિત્વ છે. હિરણ્યકશ્યપે પોતાના મહેલમાં રાખેલો લોખંડનો થાંભલો બતાવ્યો અને દીકરાને ચૅલેન્જ કરી, કહે જોઉં, આમાં તારા ભગવાન છે? પ્રહલાદે હા કહી. હિરણ્યકશ્યપે એ લોઢાના થાંભલાને તપાવડાવ્યો અને પ્રહલાદને થાંભલાની બથ ભરવાનું કહ્યું. ઍન્ડ પ્રહલાદ થાંભલાની નજીક જાય એ પૂર્વે તો નરસિંહ, વિષ્ણુના ચતુર્થ અવતાર મુખ સિંહ અને પુરુષનું તન લઈ વિષ્ણુ ભગવાન એ થાંભલો ચીરીને બહાર આવ્યા અને નખથી હિરણ્યકશ્યપના પેટને ફાડી નાખી તેને મારી નાખ્યો. એ સમયે નરસિંહ અવતારમાં પ્રગટ થયેલા વિષ્ણુજી એટલા ક્રોધિત હતા કે હિરણ્યકશ્યપને મારી નાખ્યા પછી પણ તેમનો આક્રોશ ઓછો નહોતો થઈ રહ્યો. બ્રહ્મા અને શિવ શંકર પણ તેમને શાંત નહોતા કરી શકતા. વિષ્ણુ પત્ની લક્ષ્મીજી પણ અસમર્થ રહ્યાં ત્યારે બાળ પ્રહલાદ નરસિંહ પાસે આવ્યો અને તેમના ચરણસ્પર્શ કરી કહ્યું, તમે મારા ભગવાન છો અને મને વરદાન આપો કે મને ક્યારેય કોઈ પ્રકારની ઇચ્છા-આકાંક્ષા ન થાય. નરસિંહ પ્રહલાદનું આ નિર્દોષ રૂપ જોઈ શાંત થઈ ગયા અને તેને આશીર્વાદ આપ્યા.

સો ફ્રેન્ડ્સ, અહોબિલમ એ સ્થળ છે જ્યાં એક સમયે હિરણ્યકશ્યપનું રાજ્ય હતું. આ એ જ ભૂમિ છે જ્યાં નરસિંહ અવતારનું પ્રાગટ્ય થયું હતું. બાળભક્ત પ્રહલાદની પ્રભુભક્તિનાં સ્પંદનોથી પવિત્ર આ ધરતી પર આજે તો બહુ વિશાળ મંદિર છે. પાંચ કિલોમીટરના ડુંગરાળ ઇલાકામાં અહીં નવ નરસિંહના અવતારરૂપે નવ મંદિરો છે. તેમ જ નીચે તળેટીમાં પણ મોટું મંદિર છે. નવ અવતારનાં દર્શન કરવા આજે પણ સેકડોં ભક્તો કાચી-પાકી કેડીઓ પરથી જંગલના રસ્તે જઈ પ્રભુનાં દર્શન કરે છે. જોકે હવે કોઈ જંગલી પ્રાણીઓનો ભય નથી પરંતુ રસ્તો થોડો દુર્ગમ છે. કુલ ૪૫૦ સ્ટેપ પ્લસ લિટલ ચાલો એટલે નરસિંહાના દરબારમાં. અહીં ડોળી સર્વિસ પણ શરૂ થઈ હતી પણ એની ફ્રીક્વન્સી બહુ ઓછી છે. મુંબઈથી ડાયરેક્ટ અહોબિલમ પહોંચાડતી ટ્રેન નથી પણ જો તમે શ્રી શૈલમ જતા હો તો બાય રોડ ૨૨૨ કિલોમીટરના ડ્રાઇવ બાદ અહીં પહોંચી શકાશે. એ જ  રીતે સીએસટીથી ગુંટકાલ બાય ટ્રેન અને ત્યાર બાદ રોડ જર્નીથી અહોબિલમ રીચેબલ. ફ્લાઇટ દ્વારા મુંબઈથી હૈદરાબાદ ઇઝ ઈઝી ફૉલ મુંબઈકર. હૈદરાબાદથી અહોબિલમનું ડિસ્ટન્સ ૩૬૦ કિલોમીટર છે અને તિરુપતિથી ૨૪૦ કિલોમીટર રહેવા માટે મંદિર બોર્ડની ઍવરેજ હોટેલ્સ છે અને બીજી પણ પ્રાઇમરી કક્ષાની પ્રાઇવેટ હોટેલ્સ છે. અન્યથા આ એરિયાના નિયરેસ્ટ ટાઉન કુરનુલમાં અનેક ઑપ્શન છે. ફૂડ ઑપ્શનમાં મંદિરમાં પ્રસાદમ્ની વ્યવસ્થા છે અને આજુબાજુ પ્યૉર સાઉથ ઇન્ડિયન કૉફી, ઇડલી, વડા, ઢોસા મળશે. બટ વી રેકમન્ડ, કીપ યૉર ગુજરાતી થેપલાં, ફાફડા, ચેવડા વિથ યુ.

પૉઇન્ટ બ્લૅન્ક
નીચેનું મંદિર બપોરે ૧થી ૩ બંધ હોય છે અને ઉપરનું મંદિર ૧થી ૨, બાકી સવારે ૬થી સાંજે ૮ સુધી મંદિરોનાં દર્શન કરી શકાય છે. અહીં તિરુપતિની જેમ પેઇડ અને ફ્રી દર્શનની વ્યવસ્થા છે. સવારે ૯થી ૧૦ અને સાંજે ૭થી ૮ ફ્રી દર્શન થાય છે. બાકીના સમયે પેઇડ ટિકિટ લેવી પડે છે. જોકે તિરુપતિની જેમ અહીં ઍડ્વાન્સ બુકિંગની ઝંઝટ નથી. ઈઝીલી દર્શન મળી જાય છે.

Whatsapp-channel Whatsapp-channel

08 June, 2023 03:54 PM IST | Mumbai | Alpa Nirmal

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK