Aastha Nu Address: મહાલક્ષ્મી મંદિરની દીવાલો પર સિક્કા ચોંટાડવાની પ્રથા છે. દરિયામાંથી દેવીની ત્રણ મૂર્તિઓ નીકળી હતી.
આસ્થાનું એડ્રેસ
મહાલક્ષ્મી મંદિર
મુંબઈનાં પ્રમુખ મંદિરોની વાત કરીએ ત્યારે મહાલક્ષ્મી મંદિરને અચૂક યાદ આવે. આજનું આસ્થાનું એડ્રેસ (Aastha Nu Address) પણ એ જ છે. ન માત્ર નવરાત્રી પરંતુ બારેમાસ જ્યાં ભક્તોની લાંબી લાઈનો જોવા મળે છે એવા આ મહાલક્ષ્મી મંદિરના ઇતિહાસ તરફ નજર કરીએ.
માયાનગરી મુંબઈમાં અનેકવિધ ફરવા લાયક સ્થળો છે. મોટા-મોટા મૉલ્સ, સિનેમાઘરો, બીચ પર લોકો એન્જૉય કરવા પહોંચી જતાં હોય છે. આ બધાની વચ્ચે મુંબઈમાં કેટલાય જૂના-જાણીતાં ધાર્મિક સ્થળો આવેલા છે. આ આસ્થાના સ્થાનો પોતાનો ભવ્ય ઇતિહાસ લઈને આજે પણ અડીખમ ઊભા છે. ભલે આ નગરી માયાનગરી કહેવાતી હોય પણ અહીં એટલાં જ સુંદર દેવી-દેવતાઓના મંદિર, મસ્જિદ, દેરાસરો, ગુરુદ્વારા, ચર્ચ વગેરે ધાર્મિક સ્થળો પણ આવેલા છે જ્યાં અનેક શ્રદ્ધાળુઓ પરિવારસહ બે ઘડી શાંતિનો પોરો ખાવા પહોંચી જાય છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે ‘આસ્થાનું એડ્ર્સ’ જ્યાં અમે તમને દર મહિનાના પહેલા અને ત્રીજા મંગળવારે વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાતે લઈ જશું. જો તમારી આસપાસ પણ આવું જ કોઈ ધાર્મિક સ્થળ હોય તો તેની માહિતી અમને `dharmik.parmar@mid-day.com` પર મોકલી આપશો.
ADVERTISEMENT
Aastha Nu Address: આ મંદિરનો ઇતિહાસ બહુ જ રોચક છે. આમ તો આ મંદિર બન્યું એ પહેલાથી જ મૂર્તિઓ હાજર હતી. પરંતુ વિધર્મીઓએ મુંબઈ પર આક્રમણ કર્યું ત્યારે તેઓ આ મૂર્તિને નુકસાન ન પહોંચાડે એ હેતુસર પૂજારીઓ અને અન્ય ભક્તોએ એને દરિયામાં પધરાવી દીધી હતી. ત્યારબાદ મુંબઈમાં તે વખતના બ્રિટિશ ગવર્નર જૉન હૉર્નબીએ હઠ પકડી હતી કે મારે મુંબઈ અને વરલી આ બે ટાપુઓને ઊભા કરવા. આ જે મહાલક્ષ્મી મંદિર છે તે મુંબઈ બેટની દક્ષિણ બાજુ છે. એક સમયે તે અને તેના સામેનો આખો ભાગ પાણીમાં ગરકાવ હતો. હવે જ્યાંથી પાણી આવતું હતું તે ભાગ બંધ કરવો જરૂરી હતો. તે માટે મુંબઈ બેટ અને વરલી વચ્ચે રસ્તો કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું.
(તસવીર સૌજન્ય: દીપક મહેતાની કૉલમ ચલ મન મુંબઈ નગરી)
પાણીનો પ્રવાહ રોકવા માટે બંધ બનાવી તો દેવાયો પણ એ ધરાશાયી થઈ જતો હતો. આવું અનેકવાર બન્યું. આખરે બાંધકામ કરી રહેલા એન્જિનિયર રામજી શિવજી પ્રભુના સ્વપ્નમાં માતાજીએ જણાવ્યું કે તું જ્યાં સુધી સમુદ્રમાંથી મારી અને અન્ય દેવીઓની મૂર્તિ નહીં કાઢે ત્યાં સુધી બંધ ધરાશાયી જ થતો રહેશે. સ્વપ્ન અનુસાર એંજિનિયરે પાણીમાં જાળ નાખી. અને તેમાંથી મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી એમ ત્રણ દેવીઓની મૂર્તિ મળી આવી. ત્યારબાદ આ ત્રણેય મૂર્તિઓને મંદિર કરીને પધરાવવાનો નિર્ણય લેવાયો. કહેવાય છે કે રામજી શિવજી પ્રભુએ ૮૦ હજારના ખર્ચે આ મંદિર નિર્માણ કરાવ્યું હતું.
ત્રણેય દેવીઓની સુંદર પ્રતિમાઓ સ્થાપિત કરાઇ
મૂર્તિઓ
મંદિર (Aastha Nu Address)ની સ્થાપત્યશૈલી અજોડ છે. ભવ્ય કોતરણી સાથેના ગુંબજમાં હંમેશા ભક્તિનો ગુંજારવ થતો રહે છે. મંદિરના ગર્ભગૃહમાં સમયની દેવી મહાકાલી, સમૃદ્ધિની દેવી મહાલક્ષ્મી અને જ્ઞાનની દેવી મહાસરસ્વતી દેવીની અતિ સુંદર મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે. આ ત્રણેય દેવીઓને વિધવિધ આભૂષણો અને અલંકારોથી સુશોભિત કરાયાં છે. મહાલક્ષ્મી દેવીની જે મૂર્તિ છે તે મધ્યમમાં પધરાવવામાં આવી છે. તેમના હસ્તમાં કમળના ફૂલ શોભે છે.
મહાલક્ષ્મી મંદિરમાં જાવ ત્યારે શું ચઢાવો લઈ જવો?
દેવીને મોટેભાગે શણગારની સામગ્રીઓ અર્પણ કરવામાં આવે છે. તે સિવાય ફૂલો, નાળિયેર, મીઠાઈઓ તો ખરી જ. મંદિરની આસપાસ ફૂલો અને મીઠાઈઓની દુકાનો પણ જોવા મળે છે. આજે મંદિરની ભવ્યતાએ તેને ગ્રેડ-૨ હેરિટેજનો દરજ્જો આપ્યો છે.
દીવાલ પર સિક્કા ચોંટાડવાની છે પ્રથા
દરેક મંદિર (Aastha Nu Address)માં આસ્થાની અનેક નવી રીત જોવા મળે છે. મુંબઈના આ મંદિરની દીવાલો પર સિક્કા ચોંટાડવાની પ્રથા છે. કહેવાય છે સિક્કા ચોંટાડવાથી ઇચ્છિત ફળ પ્રાપ્ત થાય છે. આ ધનની દેવી અપાર ધન વૈભવ પ્રદાન કરે છે.
મૂર્તિ પર સીધો સૂર્યપ્રકાશ પડે છે! ક્યારે?
કહેવાય છે કે આ બંને નવરાત્રીના ગાળામાં થોડીક ક્ષણો માટે સીધા સુર્યના કિરણો આ દેવીની મૂર્તિઓ પર પડીને દેવીને નતમસ્તક થાય છે.
મંદિર (Aastha Nu Address)માં આમ તો ઑલવેઝ ભીડ જોવા મળે છે. એમાં પણ ગુડીપડવો, નવરાત્રી અને દિપાવલીમાં ઉજવાતો અન્નકૂટ ઉત્સવ ભક્તોનું મહેરામણ ખેંચી લાવે છે.આ જ સમયે આ મંદિરની રોનક છલકાઈ આવે છે. સવારે ૭.૦૦ વાગ્યે ખૂલતું આ મંદિર રાત્રે ૧૦.૦૦ કલાકે શયન આરતી બાદ બંધ થાય છે. દરરોજ બપોરે ૧૨.૦૦ કલાકે દેવીને નૈવેદ્ય ધરાવાય છે.