Aastha Nu address: આશરે બે સદીઓથી પણ પુરાણા આ મંદિરને સુંદર ઘાટ આપવામાં આવ્યો છે. એકસમયે ખૂબ જ નાનું મંદિર હતું, આજે તે પોતાનો ઇતિહાસ લઈને મુંબઈની શાન બન્યું છે.
આસ્થાનું એડ્રેસ
આજનું આસ્થાનું એડ્રેસ છે સિદ્ધિવિનાયક મંદિર!
કોઈપણ શુભકાર્યનો આરંભ ગણપતિ બાપાના આસિરવાદ સાથે કરવામાં આવે છે. સર્વત્ર તેઓને પ્રથમ પૂજવામાં આવે છે. મુંબઈને આગવું સ્થાન અપાવનાર ટૉપ મંદિરોની યાદી બનાવવા બેસીએ તો પ્રભાદેવી સ્થિત સિદ્ધિવિનાયક મંદિર (Aastha Nu address) પહેલું આવે. આશરે બે સદીઓ વટાવી ગયેલું આ મંદિર અનેક લોકોની આસ્થાનું એડ્રેસ છે. તમેય મંદિરમાં જઈ દર્શન કર્યાં હશે, આજે આ મંદિરના પાયામાં ધબકતો ઇતિહાસ લઈને તમારી સામે આવ્યો છું. આ મંદિરનું નિર્માણ સંવત ૧૬૧૨માં થયું હતું. પણ સરકારી ચોપડાઓમાં 19મી નવેમ્બર 1801ની તારીખ જોવા મળે છે. એકસમયે ખૂબ જ નાનું મંદિર હતું, આજે તે પોતાનો ઇતિહાસ લઈને મુંબઈની શાન બન્યું છે.
ઓરિજિનલી કાળા પથ્થરની મૂર્તિ હતી
ADVERTISEMENT
આજે જે સિદ્ધિવિનાયક મંદિર છે તે શરૂઆતમાં એવું નહોતું. ઘણો ફરક છે એમાં. જૂના મંદિરના સ્ટ્રક્ચરની વાત કરીએ તો 19મી નવેમ્બર 1801ના દિવસે આ મંદિરનું બાંધકામ થયું હતું. આ મંદિરના બાંધકામમાં મહિલાએ આર્થિક મદદ કરી હોવાનું ચર્ચાય છે. આ મહિલાને કોઈ સંતાન નહોતું. તેણે આ મંદિર માટે નાણાકીય મદદ કરી હતી. અહીં આવનાર કોઈપણ મહિલાને સંતાનપ્રાપ્તિ થાય તેવા શુભાશય સાથે આ મહિલાએ મંદિરના નિર્માણ કાર્ય માટે મદદ કરી હતી. લક્ષ્મણ વિઠુ અને દેહુબાઇ પાટિલે આ મંદિરનું નિર્માણ કરાવ્યું હોવાની માહિતી મળે છે. જૂના મંદિરમાં પ્રાચીન સ્થાપત્ય શૈલીની છાંટ જોવા મળતી હતીતે સમયે મુખ્યત્વે હૉલ, ગર્ભગૃહ અને પાણીનો ટાંકો વગેરે હોવાનું કહેવાય છે. તે સમયે મંદિર કેવું લાગતું હતું તે જોવું હોય તો માટુંગા સિગ્નલ પાસે આવેલું કાશી-વિશ્વનાથનું મંદિરના દર્શન કરી આવવાં.
સિદ્ધિવિનાયકની મૂર્તિનું આ રહસ્ય જાણો છો?
Aastha Nu address: ગર્ભગૃહમાં સિદ્ધિવિનાયકની મૂર્તિ પથ્થરમાંથી નિર્મિત છે. જમણી તરફ ભગવાનની સૂંઢ છે. મૂર્તિ પ્રસન્ન, મનમોહક અને અતિસુંદર ભાસે છે. અઢી ફૂટ જેટલી લંબાઈ ધરાવતી આ મૂર્તિ જોનારાને શાંતિ આપે છે. ચાર ભુજાધારી ગણપતિની આ મૂર્તિના એક હસ્તમાં કમળ, એક હાથમાં શસ્ત્ર તો અન્ય બે હાથમાં માળા અને મોદકથી ભરેલું પાત્ર જોવા મળે છે. ખાસ તો મૂર્તિના ભાલે શિવજી જેવી એક આંખની નિશાની પણ જોવા મળે છે. જેને ચતુર્ભુજ વિગ્રહ કહે છે. આ પ્રકારની ગણેશ મૂર્તિ બહુ જ જૂજ જોવા મળે છે. માટે જ આ સ્થાનક ઈચ્છાપૂર્તિ કરનારું માનવામાં આવે છે. ભગવાન ગણેશની આજુબાજુ રિદ્ધિ અને સિદ્ધિના પણ દર્શન થાય છે. ચાંદીમાંથી નિર્મિત મૂષક પણ દર્શન આપે છે.
ગર્ભગૃહની ખાસિયતો
ગર્ભગૃહ પ્રમાણમાં મોટું છે. ૧૩ ફૂટ જેટલી ઊંચાઈ ધરાવતા ત્રણ દ્વાર છે. હવે તો સભામંડપમાંથી પણ ભક્તો મૂર્તિના દર્શન કરી શકે એવી સુવિધા કરવામાં આવી છે. ગર્ભગૃહની આસપાસનો જે વિસ્તાર છે ત્યાંથી દર્શકો આરામથી બેસી શકે અને દર્શન કરી શકે એવી સુવિધા પણ છે. લાંબી લાઈનોમાં ઊભા રહીને જે ભક્તો ન જઈ શકે તે લોકો માટે આ સુવિધા યોગ્ય છે.
નવા મંદિરના સ્ટ્રક્ચર વિષે વાત કરીએ
જૂના મંદિર (Aastha Nu address)માં ઘણા ફેરફારો કરીને નવી રીતે મંદિરને ડિઝાઇન કરવામાં આવ્યું છે. ત્રણેય દરવાજાઓથી અંદર પ્રવેશો એટલે સુવર્ણ ગુંબજ જોવા મળે છે. આસપાસ પંચધાતુની સજાવટ જોવા મળે છે. આ મંદિરના જીર્ણોદ્ધારનું કાર્ય વર્ષ ૧૯૯૦માં શરૂ કરવામાં આવ્યું હતું. અંદાજે ત્રણ કરોડ રૂપિયાના ખર્ચ સાથે આ મંદિરનો કાયાકલ્પ કરવામાં આવ્યો હતો. જેમાં મક્કમ મર્મર અને ગુલાબી ગ્રેનાઇટ પથ્થરો વાપરવામાં આવ્યા છે. આશરે બે સદીઓથી પણ પુરાણા આ મંદિરને સુંદર ઘાટ આપવામાં આવ્યો છે.
શ્રીમંત મંદિરોમાં મોખરે છે
અહીં સામાન્ય દર્શકોની તો ભીડ હોય જ છે પણ અનેક સેલિબ્રિટિઝ પણ અવારનવાર દર્શનાર્થે આવતા હોય છે. ભારતના શ્રીમંત મંદિરોની યાદીમાં પણ આ મંદિર મોખરે આવે. કરોડો રૂપિયા દરવર્ષે અહીં દાનમાં આવે છે. જોકે, આ મંદિર ટ્રસ્ટ દ્વારા રકમનો ઉપયોગ સમાજસેવા માટે કરવામાં આવે છે.
ક્યારે જવું? ક્યારે બહુ ભીડ હોય છે?
આમ તો અહીં (Aastha Nu address) દરરોજ મોટી સંખ્યામાં ભક્તો ઊમટે છે. ખાસ તો મંગળવારને દિવસે અહીં અનેક ભક્તો આવે છે. બીજો એક દિવસ એટલે અંગારકી સંકષ્ટી ચતુર્થી. આ દિવસે પણ માનવ મહેરામણ ઉભરાય છે. મંગળવારના વહેલા સવારે 2 વાગ્યે જ દર્શનની શરૂઆત થઈ જાય છે. જે બીજે દિવસે 1 વાગ્યા સુધી અવિરત ચાલે છે.