Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > Aastha Nu Address: સાઉથ બોમ્બેમાં પંચાયતન સ્વરૂપના ફડકે ગણપતિ દાદાનો છે મોટો મહિમા!

Aastha Nu Address: સાઉથ બોમ્બેમાં પંચાયતન સ્વરૂપના ફડકે ગણપતિ દાદાનો છે મોટો મહિમા!

Published : 29 April, 2024 03:16 PM | Modified : 30 April, 2024 09:09 AM | IST | Mumbai
Dharmik Parmar | dharmik.parmar@mid-day.com

Aastha Nu Address: મુખ્ય રસ્તા પર જ આ વિશાળ ફડકે ગણપતિ મંદિર આવેલું છે એટલે આવતા જતાં સૌ બહારથી બાપ્પાના દર્શન કરી શકે છે.

ફડકે ગણપતિ મંદિર

આસ્થાનું એડ્રેસ

ફડકે ગણપતિ મંદિર


કી હાઇલાઇટ્સ

  1. ગંગાધર ફડકેનું નિધન થતાં તેમની પત્નીએ બધો પૈસો ભગવાન પાછળ ખર્ચવાનું નક્કી કર્યું હતું
  2. જયપુરના કારીગરના હાથે બાપ્પાની મૂર્તિ તૈયાર કરાવવામાં આવી હતી છે
  3. મંદિરના દરવાજા પર મોર, સિંહ, ગજરાજ અને પવિત્ર સ્વસ્તિક વગેરેના પ્રતીક છે

Aastha Nu Address: મુંબઈમાં પ્રમુખ રીતે ગણપતિના બે મોટા મંદિર આવેલાં છે. સિદ્ધિવિનાયક મંદિરની સાથે અન્ય કોઈ ગણપતિનું મંદિર લોકો માટે આસ્થાનું એડ્રેસ બન્યું હોય તો તે છે ગિરગાવમાં આવેલું ફડકે ગણપતિ મંદિર. મુખ્ય રસ્તા પર જ આ વિશાળ મંદિર આવેલું છે એટલે આવતા જતાં સૌ બહારથી બાપ્પાના દર્શન કરી શકે છે. બેસ્ટના ડ્રાઈવરો સુદ્ધાં અહીંથી બસ પસાર થાય ત્યારે બાપ્પા આગળ ત્યાંથી જ હાથ જોડતા જાય છે. તો આવો આજે આપણે દક્ષિણમુંબઈના આ ફડકે મંદિર વિષે....


સૌ પ્રથમ વાત કરીએ કે કોણે આ મંદિર બંધાવ્યું હતું અને ક્યારે?



વર્ષ 1865માં અલીબાગ જિલ્લાના આવાસ ગામના ગોવિંદ ગંગાધર ફડકે જ્યારે મુંબઈમાં આવ્યા હતા ત્યારે તેઓએ હાઈકોર્ટમાં નોકરી લીધી હતી. તેઓ ખૂબ ધાર્મિક. એટલે વર્ષ 1867માં તેમણે વિઠ્ઠલભાઈ પટેલ રોડ પર વૃક્ષોથી આચ્છાદિત સુંદર જગ્યા ખરીદી હતી. તેમના પત્ની યશોદાબાઈ પણ ખૂબ જ ધાર્મિકવૃત્તિ વાળા હતાં. માત્ર તેઓને એક વાતની ખોટ હતી તે સંતાનની. અકાળે ગોવિંદ ગંગાધર ફડકેનું નિધન થતાં તેમની પત્નીએ બધો પૈસો ભગવાન પાછળ ખર્ચવાનું નક્કી કર્યું. 


ફડકે મંદિર (બહારથી)

હવે ગોવિંદભાઈએ જગ્યા (Aastha Nu Address) તો લઈ જ લીધી હતી. જેમાં મોગરા, જાસવંત, સદાફુલી જેવા ફૂલો ખીલેલા હતા. ફૂલોની સાથે જામફળ, રામફળ, સીતાફળ, નાળિયેર વગેરે ફળના પણ ઝાડ હતા. આ બગીચામાં પાણીનો કૂવો પણ હતો. એટલે જ આ બગીચાને `ગોવિંદબાગ` અને તે વિસ્તારને `ફડકેવાડી` નામ આપવામાં આવ્યું હતું. ગોવિંદભાઈના પત્નીએ ત્યાં મંદિર બાંધવાનો સંકલ્પ કર્યો, અને સન ૧૮૯૦માં મંદિરનું કામ પૂરું થયું. વળી જયપુરના કારીગરના હાથે બાપ્પાની મૂર્તિ તૈયાર કરાવવામાં આવી હતી.


ફડકે ગણપતિ મંદિરની આ ખાસિયતો જાણી લ્યો

ફડકે ગણપતિ મંદિર ઉત્તરમુખી છે. મુખ્ય પ્રવેશદ્વારમાંથી અંદર પ્રવેશીએ તો સૌ પ્રથમ મંદિર (Aastha Nu Address)નો ૨૦૦ લોકો બેસી શકે તેવો મુખ્ય હૉલ દેખાય છે. જ્યાં દેવી-દેવતાઓના ચિત્રો અને ઝુમ્મર છે. વળી, ગર્ભગૃહના પરિક્રમાનાં માર્ગમાં મુખ્ય દેવતાની પાછળ ભગવાન ગણેશની કાચની મૂર્તિ મૂકવામાં આવી છે. અને મંદિરનું ગર્ભગૃહ આઠ ફૂટ લંબાઈ અને દસ ફૂટ પહોળાઈ ધરાવે છે.

મંદિરમાં બિરાજેલ ભગવાન ગણેશની મૂર્તિની શું વિશિષ્ટતા છે? 

(ફડકે ગણપતિ બાપ્પાની મૂર્તિ)

જો ફડકે ગણપતિ બાપ્પાની મૂર્તિની વાત કરવામાં આવે તો તે કમળ પર બિરાજમાન છે. દરરોજ મૂર્તિ પર મુગટનો શણગાર કરવામાં આવે છે. આ ગણેશ પંચાયત રૂપમાં છે. એટલે કે જેમાં શ્રી મહાલક્ષ્મી, શ્રી વિષ્ણુ, શ્રી ગણપતિ, શ્રી શંકર અને શ્રી સૂર્યનારાયણ છે. બાપ્પાની મુખ્ય મૂર્તિની અડખે પડખે માતા રિદ્ધિ અને સિદ્ધી પણ બિરાજીત થયેલા છે. આ રીતની બાપ્પાની પંચાયતન મૂર્તિ ઉમરગાવ, બરોડા અને અહીં જ છે. આખું ગર્ભગૃહ ચંડિથી મઢેલું જોવા મળે છે.

દ્વાર પણ છે સરસ ચિત્રાત્મક!

મંદિર (Aastha Nu Address)ના દરવાજા પર મોર, સિંહ, ગજરાજ અને પવિત્ર સ્વસ્તિક વગેરેના પ્રતીકની કોતરણી કરવામાં આવી છે. આમ મંદિરને જોઈએ તો જાણે કોઈ ભવ્ય ઘરમાં બેઠા હોઈએ તેવું જ જણાઈ આવે.

આવો, મંદિર ટ્રસ્ટ વિષે પણ જાણીએ

મંદિરના નામે `ધ યશોદાબાઈ ગોવિંદ ગંગાધર ફડકે ચે. ટ્રસ્ટ` ચાલે છે. આ ટ્રસ્ટ દ્વારા વિવિધ પ્રકારના સેવા કાર્યો કરવામાં આવતા હોય છે.એ પછી જન સેવા જનાર્દન સેવાના નામે અન્નદાન હોય કે પછી મેડિકલ સહાય હોય. ટ્રસ્ટના સીઈઓ હેમંત એમ. જોશી ગુજરાતી મિડ- ડે ડોટ કોમને જણાવે છે કે, "મંદિર ટ્રસ્ટ દ્વારા ઉડાન સેવા ચાલે છે જેમાં બાલ અપરાધીઓને છેલ્લા ૨૫ વરસથી શિખવાડવામાં આવે છે. વળી ટ્રસ્ટ બધો જ વ્યવહાર ઓનલાઈન કરે છે. ઇવન ચાવાળાના પૈસા પણ ઓનલાઈન જ અપાય છે.

આ ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે મંદિરમાં

(મંદિરમાં પૂજા કરી રહેલ ભક્તો)

આમ તો ફડકે ગણપતિ મંદિર (Aastha Nu Address)માં અનેક ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે. ખાસ કરીને માઘ મહિનામાં પરંપરાગત રીતે અહીં યજ્ઞ કરવામાં આવે છે. આ સમયે ગણપતિ બાપ્પાનો જન્મદિવસ હોય છે એટલે ૧૨.૪૦ કલાકે બાપ્પાનો જન્મદિવસ ઉજવાય છે. જ્યારે અયોધ્યામાં રામ મંદિરની પ્રતિષ્ઠા થઈ ત્યારે પણ અહીં એક મહિના સુધી દીપોત્સવ ઉજવવામાં આવ્યો હતો. હેમંત એમ. જોશી ગુજરાતી મિડ- ડે ડોટ કોમને કહે છે કે, "`ટેમ્પલ ઈઝ સ્ટ્રીમ ઓફ અવર કલ્ચર` એટલે મહારાષ્ટ્રની ચૌદ વેદપાઠશાળાના સ્ટુડન્ટ્સ માટે સ્કોલરશીપ હોય કે પછી બાળકોમાં શિક્ષણ માટેની જાગરૂકતા આવે એ માટે `સર્વોચ્ચ ઉપસ્થિતિ`ની પહેલ હોય અમે લોકોમાં રહેલા ઈશ્વરને પૂજવાનું કામ કરીએ છીએ"

તો, ફરી મળીશું કોઈ નવા જ આસ્થાનાં એડ્રેસ સાથે. ત્યાં સુધી સૌને જય શ્રી ગણેશ... 

Whatsapp-channel Whatsapp-channel

30 April, 2024 09:09 AM IST | Mumbai | Dharmik Parmar

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK