પુરુષોત્તમ મહિનામાં ભૂલોકની ઓલ્ડેસ્ટ વિષ્ણુ ભગવાનની પ્રતિમાનાં દર્શન કરી વિશેષ પુણ્ય ઉપાર્જિત કરવું હોય તો વહેલી તકે કઢાવો થ્રિસુરની ટિકિટ
તીર્થાટન
ગુરુવાયુર
આમ તો મુંબઈમાં છેલ્લા પખવાડિયાથી જે રીતે ધમાધમ વરસાદ વરસી રહ્યો છે એ જોતાં મેહુલાને માણવા કેરળ જવાની જરૂર નથી. પરંતુ જો તમને અધિક માસમાં વિષ્ણુ ભગવાનનાં અપ્રતિમ, અદ્ભુત, પૌરાણિક મંદિરો-મૂર્તિઓનાં દર્શન કરવાં હોય તો ઊપડો ગુરુવાયુર.
ગુરુવાયુર... નામ તો સુના સુના લગતા હૈ, પણ અહીં વિષ્ણુ ભગવાન છે? ગુરુવાયુરપ્પન ભગવાન નથી? હા, કૃષ્ણપ્રેમીઓ, અહીં એ વિષ્ણુની પ્રતિમા છે જેની પૂજા ખુદ શ્રીકૃષ્ણ અને તેનાં માતા-પિતા દેવકી અને વાસુદેવ કરતાં હતાં. અને ગુરુવાયુર એ ભૂમિ છે જેનું પવિત્ર હોવાનું પ્રમાણ દેવોના દેવ મહાદેવ અને મા ભગવતીએ આપ્યું છે. શું વાત કરો છો? હા, બૉસ, હવે વધુ આશ્ચર્યના આંચકા આવે એ પહેલાં પહોંચીએ પદ્મકલ્પની શરૂઆતના કાળમાં.
ADVERTISEMENT
બ્રહ્માજી જ્યારે સૃષ્ટિનું સર્જન કરી રહ્યા હતા ત્યારે વિષ્ણુ પ્રગટ થયા. બ્રહ્માજીએ વિષ્ણુ ભગવાનને પૂછ્યું કે ‘હે પ્રભુ, મારે કર્મના બંધન વિના મુક્તિ જોઈએ છે. હું શું કરું?’ ત્યારે વિષ્ણુ ભગવાને પોતાની મૂર્તિ બનાવી અને મિત્ર બ્રહ્માજીને ભેટ કરી. બ્રહ્માજી લાંબો સમય પૂર્ણ શ્રદ્ધા સાથે એની પૂજા કરતા અને દીર્ઘ કાળ બાદ વિષ્ણુની પ્રબળ સાધના કરનાર ઋષિ સુતપસ અને પૃશ્નિને એ પ્રતિમા ઉપહારમાં આપી. ઋષિ અને ઋષિપત્ની વિષ્ણુજીની મૂર્તિ મળ્યા બાદ વધુ ઉત્કટતાથી આરાધના કરવા લાગ્યાં અને ભક્તની ઉષ્મા જોઈ વિષ્ણુ ભગવાન ફરી પ્રગટ થયા. તેમણે ભક્તને પૂછ્યું, તને શું જોઈએ છે? ઋષિ સુતપસે માગ્યું કે મને ત્રણ જન્મ તમે પુત્ર સ્વરૂપે મળો. વિષ્ણુ ભગવાને તેમને પ્રૉમિસ આપ્યું અને લગાતાર ત્રણ વખત તેમને ત્યાં પુત્ર તરીકે જન્મ્યા. પહેલા જન્મમાં સુતપસ અને પૃશ્નિના પુત્ર પૃશ્નિગર્ભ તરીકે જન્મ ધારણ કરી ભક્ત ધ્રુવને દશર્ન આપ્યાં. ત્રેતા યુગમાં સુતપસ ઋષિ કશ્યપ અને તેમનાં પત્ની અદિતિ રૂપે જન્મ્યા અને વિષ્ણુએ વામનરૂપે અવતાર લીધો અને ત્રીજા જન્મમાં ઋષિએ વાસુદેવ તેમ જ પૃશ્નિએ દેવકીના રૂપે પુનર્જન્મ ધારણ કર્યો અને વિષ્ણુ તેમના આઠમા પુત્ર કૃષ્ણરૂપે જન્મ્યા. આમ ત્રણે ભવમાં માતા-પિતા સહિત વિષ્ણુએ પોતે બનાવેલી મૂર્તિની પૂજા કરી.
કંસનો વધ, મહાભારતની લડાઈ બાદ શ્રી કૃષ્ણ મથુરા, વૃંદાવન છોડી દ્વારિકા આવ્યા. તેમણે અહીં નગરી વસાવી અને રાજા તરીકે રાજ્ય કર્યું. ત્રણ જન્મમાં તેમનાં માતા-પિતા અને પોતાના દ્વારા પુજાતી મૂર્તિને તેમણે દ્વારિકામાં સ્થાપિત કરી. તેઓ પૂરાં ૩૬ વર્ષ દ્વારકામાં રહ્યા અને પોતે વિષ્ણુનું જ સ્વરૂપ હોવા છતાં અસીમ શ્રદ્ધા અને ભક્તિથી આ મૂર્તિની પૂજા કરતા. દ્વાપર યુગનો અંત આવતાં મુરલીધરને ખ્યાલ આવી ગયો કે હવે તેમનો ગોલોક જવાનો સમય સમીપ છે અને તેમનો વૈકુંઠ વાસ થતાં જ સોનાની દ્વારિકા અને આજુબાજુનો પ્રદેશ જળમગ્ન થવાનો છે. આથી દ્વારકાધીશે તેમના સારથિ અને પિતરાઈ ભાઈ ઉદ્ધવને બોલાવી આ દિવ્ય મૂર્તિ ગ્રહ બૃહસ્પતિને સોંપવાની વાત કરી. શિષ્ય ઉદ્ધવે બૃહસ્પતિને કહેણ મોકલાવ્યું અને આ પવિત્ર પ્રતિમાને યોગ્ય સ્થાને સ્થાપિત કરવાનો સંદેશો મોકલાવ્યો. પરંતુ ગુરુ ગ્રહ દ્વારકા પહોંચે એ પહેલાં દ્વારકા જળબંબાકાર થઈ ચૂકી હતી અને ઉદ્ધવ તપોધ્યાન અર્થે બદ્રિકાશ્રમ જવા નીકળી ગયા હતા. જોકે અહીં આવતાં થોડી શોધખોળને અંતે બૃહસ્પતિને એ દિવ્ય મૂર્તિ પાણીમાં તરતી દેખાઈ. ઊંચાં-ઊંચાં મોજાં અને તોફાને ચડેલો દરિયો ઓળંગી બૃહસ્પતિ મૂર્તિ લેવા સમુદ્રમાં જઈ શકે એમ નહોતા. ત્યારે તેમણે વાયુ (પવન) દેવને આહવાન કર્યું અને તેમની સહાયતાથી એ પૂજનીય પ્રતિમાને હસ્તગત કરી. ગુરુ અને વાયુ આ પ્રતિમાને ક્યાં સ્થાપિત કરવી એવી અવઢવમાં હતા ત્યાં ઋષિ પરશુરામ પ્રગટ થયા અને તેમણે ગુરુ અને વાયુને ભાર્ગવ ક્ષેત્રના ઉચિત સ્થાનમાં પ્રતિમાની સ્થાપના કરવાનું કહ્યું. ગુરુ અને વાયુ તો મૂર્તિને લઈ આકાશે ઊડ્યા ત્યાં અચાનક ભાર્ગવ ક્ષેત્રના પશ્ચિમી કિનારે સમુદ્રની નજીક નયનરમ્ય સરોવર દેખાયું. ચારે બાજુ હરિયાળું વાતાવરણ, નિરભ્ર આકાશ, નિર્ભયતાથી હરતાં-ફરતાં-ચરતાં પશુઓ, ચહેકતાં પંખીઓ જોઈ વાયુ અને ગુરુને એહસાસ થયો કે આ ભૂમિમાં કાંઈ પવિત્ર તત્ત્વ છે. તેઓ નીચે ઊતર્યા અને જોયું તો સામે શિવ અને પાર્વતી. વાયુ અને ગુરુ કાંઈ કહે એ પહેલાં જ મહાદેવે કહ્યું કે અમે તમારી પ્રતીક્ષા કરી રહ્યા હતા. વિષ્ણુની મૂર્તિ સ્થાપિત કરવા માટે આ આદર્શ સ્થાન છે. તમે અહીં પ્રભુ પધરાવો, જે કળિયુગનું વૈકુંઠ બનશે અને પ્રભુની પ્રતિષ્ઠા ગુરુ અને વાયુના હસ્તે થશે. આથી આ તીર્થ ગુરુવાયુર નામે પ્રસિદ્ધ થશે અને ભક્તોને આશીર્વાદ આપશે.
બસ, પછી તો વિશ્વકર્માને બોલાવાયા અને તેમણે થોડીક ક્ષણોમાં અહીં મંદિરનું નિર્માણ કર્યું. ગુરુ અને વાયુએ આવશ્યક અનુષ્ઠાનો કરી એ દિવ્ય મૂર્તિની પ્રતિષ્ઠા કરી. શંકર ભગવાને એની પહેલી પૂજા કરી. ઇન્દ્ર સહિત અનેક દેવી-દેવતાઓએ પુષ્પવૃષ્ટિ કરી. નારદ ઋષિએ સંગીત વડે ભક્તિ કરી. ત્યારથી આ ભગવાન ગુરુવાયુરપ્પન તરીકે પુજાય છે અને ઓળખાય છે. ગુરુવાયુરપ્પન મીન્સ ગુરુ વાયુના ભગવાન. તો પ્રભુભક્તો, આ છે ગુરુવાયુરની કથા.
કેરળના થ્રિસુર શહેરથી ૨૭ કિલોમીટરના અંતે આવેલા ગુરુવાયુરમાં ૩૯ ફુટ ઊંચું મંદિર છે જે ૧૪મીથી ૧૭મી શતાબ્દી દરમિયાન બન્યું છે. ૧૭૧૬માં ડચ શાસકોએ પણ અહીં હુમલો કરી મંદિરને લૂંટ્યું છે. તો ૧૭૬૬માં મૈસૂરનો હૈદર અલી, ૧૭૮૯માં ટીપુ સુલતાને મંદિરને બાનમાં લેવા સહિત આગ લગાવી દેવાનાં દુષ્કૃત્યો કર્યાં છે. ટીપુ સુલતાને તો અહીં એટલો કહેર વરતાવ્યો હતો કે દિવ્ય પ્રતિમા ટીપુના ભયે જમીનમાં દાટી દેવી પડી હતી. અંગ્રેજો દ્વારા હાર થયા પછી ટીપુ સુલતાનને જેલવાસ થયો અને ૧૭૯૨માં એ પ્રતિમા મંદિરમાં પુનર્સ્થાપિત કરાઈ. એ પછી અહીં અનેક સુધારા-વધારા થયા. ૧૯૭૦માં પણ અહીં ભીષણ આગ લાગી હતી પણ ભક્તોની ભક્તિ, પ્રતિમાની દિવ્યતા અને ઈશ્વરની કૃપાએ મંદિર અને મૂર્તિ આજે ટકાટક છે અને ડે-બાય-ડે એની લોકપ્રિયતામાં વધારો થતો જાય છે. ફક્ત દક્ષિણ ભારતીય જ નહીં, સમસ્ત વિશ્વના વિષ્ણુભક્ત લાખોની સંખ્યામાં અહીં દર્શનાર્થે આવે છે. આથી બારે મહિના અહીં ભારે ભીડ રહે છે. મલયાલી કૅલેન્ડર અનુસાર કુંભમ્ મન્થ, જે ફેબ્રુઆરી-માર્ચ દરમિયાન આવે છે ત્યારે અહીં ૧૦ દિવસનો મહાઉત્સવ ઊજવાય છે. એ સાથે જન્માષ્ટમી, એકાદશી પર્વોની ઉજવણી પણ થાય છે. મંદિર પરિસરમાં ગણપતિ, અયપ્પન (વિષ્ણુનો મોહિની અવતાર), મા ભગવતી તેમ જ નાગદેવતાનાં ઉપ મંદિરો છે.
દક્ષિણનું દ્વારકા કહેવાતા આ તીર્થક્ષેત્રમાં જવા કેરળના થ્રિસુર ગામે જવું પડે છે જે રેલ, રોડ, હવાઈ માર્ગે સમસ્ત ભારત સાથે જોડાયેલું છે. અહીં ટેમ્પલ બોર્ડ દ્વારા સંચાલિત ધર્મશાળા, ગેસ્ટ હાઉસ સહિત અનેક હોટેલ્સ છે જ્યાં રહેવાની સાદીથી લક્ઝુરિયસ સગવડો મળી રહે છે. નૅશનલ જ્યોગ્રાફિક ટ્રાવેલર દ્વારા દુનિયાની ૧૦ સ્વર્ગ સે સુંદર જગ્યામાં સ્થાન પામતાં કેરલામાં ફૂડનો તો કોઈ પ્રૉબ્લેમ જ નથી. હા, ગુજરાતી કઢી-ખીચડી બહુ પૉપ્યુલર નથી પરંતુ દરેક પ્રાંતનું, ઇન્ટરનૅશનલ ક્વિઝીન અહીં ચોક્કસ મળી રહે છે.
યાદ છે?
તમને યાદ છે આપણે થોડાં અઠવાડિયાં પૂર્વે શુકતીર્થ ગયાં હતાં જ્યાંથી ભાગવત કહેવાની, વાંચવાની પરંપરા શરૂ થઈ! એ કથાનો ઉત્તરાર્ધ ગુરુવાયુર સાથે જોડાયેલો છે. અર્જુનના પૌત્ર પરિક્ષિત રાજાનું મૃત્યુ સર્પદંશથી થયું ત્યારે તેના પુત્ર જન્મેજયે પિતાના મૃત્યુનો બદલો લેવા સર્પહુતિ યજ્ઞ કરાવ્યો. એ યજ્ઞમાં હજારો નિર્દોષ સર્પો હોમાઈ ગયા. પરંતુ તક્ષક નામનો એક સાપ બચી ગયો, કારણ કે એણે અમૃતપાન કરી અમરત્વ પ્રાપ્ત કર્યુંહતું. આ તક્ષકે જન્મેજયને શ્રાપ આપ્યો જેથી પાર્થના પ્રપૌત્રને કુષ્ઠરોગ લાગુ પડ્યો. વિવિધ સારવાર કરવા છતાં રાજવીનો રોગ મટ્યો નહીં, આથી અત્રેય ઋષિએ રાજાને ગુરુવાયુર જઈ વિષ્ણુની આરાધના કરવાનું કહ્યું. જન્મેજય અહીં આવ્યા અને કૃષ્ણના ચરણમાં શરણ લઈ દસ મહિના ગુરુવાયુર ભગવાનની ભક્તિ કરી, સ્વસ્થ થયા.