સ્વયંને ભૌતિક શરીરથી અલગ ચૈતન્ય આત્મા સમજીને આત્માના પિતા-પરમાત્માની દિવ્ય સ્મૃતિમાં રહેવાનો અભ્યાસ કરીએ
સત્સંગ
પ્રતીકાત્મક તસવીર
એક પ્રખ્યાત કહેવત છે, ‘મન કે હારે હાર હૈ, મન કે જીતે જીત...’ આ સાધારણ લોકોક્તિ એક અસાધારણ સત્યને પ્રકટ કરે છે અને એ છે મનુષ્યના મનોબળનો મહિમા. એટલા માટે જ એવું જોવામાં આવે છે કે જેનું મન હારી જાય છે તે ખૂબ શક્તિશાળી હોવા છતાં પરાજિત થઈ જાય છે. ત્યારે જ તો આજનો મનુષ્ય તનને બદલે મનથી વધુ ભાગી રહ્યો છે. જે રીતે તે સવારથી લઈને રાત સુધી કેટલીય વ્યક્તિઓ, વસ્તુઓ અને સંબંધો પાછળ પોતાની ઊર્જા ખર્ચી રહ્યો છે, પરંતુ એની સામે તેને જોઈએ એટલું સાચું સુખ, શાંતિ, ચેન અને આનંદની પ્રાપ્તિ નથી થઈ રહી એ જોતાં એમ કહી શકાય કે મનુષ્યનું પોતાના મન પર નિયંત્રણ જ નથી રહ્યું જેના પરિણામે તે પોતાના મનને રોગી બનાવી બેઠો છે.
કહેવાય છે કે ‘જેવા સંકલ્પ એવી સૃષ્ટિ...’ અર્થાત્ આપણે જેવું વિચારીશું, આપણી આજુબાજુનો સંસાર પણ એવો જ બનશે. માટે જ આજે દરેક ડૉક્ટર તેમના દરદીને એક જ સલાહ આપતા હોય છે કે ‘સારું વિચારો અને શુભ વિચારો તો જલદી-જલદી સાજા થઈ જશો.’ પરંતુ મોટા ભાગના લોકોનો આ પ્રશ્ન હોય છે કે શું આ ખરેખર શક્ય છે કે અમારા મનમાં કોઈ પણ અશુદ્ધ સંકલ્પ પ્રવેશ થાય જ નહીં? અનુભવીઓના મતાનુસાર મુશ્કેલ લાગતી આ વાત આધ્યાત્મિકતા દ્વારા ખૂબ જ સહજ થઈ શકે છે. જેમ ઘણા ડૉક્ટરો એમ કહેતા હોય છે કે જો આખા દિવસ દરમ્યાન દર કલાકે એક ગ્લાસ પાણી પીવાની ટેવ હોય તો શરીરને અનેક પ્રકારની વ્યાધિઓથી બચાવી શકાય છે. બરાબર એવી જ રીતે દર કલાકે જો એક મિનિટ માટે ધ્યાનાભ્યાસ (મેડિટેશન) કરવામાં આવે તો વિવિધ પ્રકારના વ્યર્થ વિચારોથી બચી શકાય છે. આ સરળ વિધિને ‘મનનું ટ્રાફિક કન્ટ્રોલ’ કહેવાય છે. જી હાં, જેમ ચાર રસ્તા પર ઊભેલા ટ્રાફિક હવાલદારને એ સમજ હોય છે કે ક્યારે અને કઈ દિશામાં વાહનોને ચાલવા દેવાનો કે રોકવાનો આદેશ આપવાનો છે જેથી એક મિનિટ માટે પણ ટ્રાફિકની વ્યવસ્થા ડગમગી ન જાય અને વાતાવરણમાં અશાંતિ, તાણ અને અનિશ્ચિતતા ન ફેલાય. એવી જ રીતે વ્યક્તિ, સ્થાન અને વાતાવરણ પ્રતિકૂળ થતાંની સાથે જ નકારાત્મક, વિરોધાભાસી અને વિનાશકારી સંકલ્પને રોકીને શુદ્ધ અને સર્જનાત્મક સંકલ્પોની ઉત્પત્તિ કરવાની કળા ‘મનના ટ્રાફિક કન્ટ્રોલ’ની સરળ વિધિ દ્વારા આપણી અંદર ધારણ થઈ શકે છે. આજથી સવારે ઊઠવાથી લઈને રાતે સૂતા સુધી દર કલાકે એક મિનિટ માટે પોતાના સંપૂર્ણ કાર્યવ્યવહારને સ્થગિત કરી, મનના વિચારોને નિયંત્રિત કરી, સ્વયંને ભૌતિક શરીરથી અલગ ચૈતન્ય આત્મા સમજીને આત્માના પિતા-પરમાત્માની દિવ્ય સ્મૃતિમાં રહેવાનો અભ્યાસ કરીએ અને એ સર્વશક્તિમાનની દિવ્ય ઊર્જા પ્રાપ્ત કરીએ.
ADVERTISEMENT
- રાજયોગી બ્રહ્માકુમાર નિકુંજજી