બહુ ઓછાં પશુ-પક્ષીઓમાં માણસ જેવો ભાવ હોય છે કે એ માંસાહારીમાંથી ઘાસાહારી બન્યાં હોય
સત્સંગ
પ્રતીકાત્મક તસવીર
માનવસમાજ પાસે બે સૂત્રો છે; એક, જીવો જીવસ્ય ભક્ષણં અને બીજું, જીવો અને જીવવા દો. આ બે સૂત્ર પૈકીનું પ્રથમ સૂત્ર કુદરતી પ્રક્રિયાનું છે, જ્યારે બીજું સૂત્ર પરાકાષ્ઠાના અહિંસાવાદમાંથી ઉત્પન્ન થયેલું છે.
આપણી ચારે તરફ અસંખ્ય પશુઓ અને પક્ષીઓ વસે છે. એમાંથી કેટલાંકને આપણે પાળ્યાં છે, તો કેટલાંક હજી એના મૂળ સ્વરૂપમાં જંગલી રહ્યાં છે. આરબ દેશોમાં તો એ જંગલી પશુ-પક્ષીઓને પણ પાલતુ બનાવવામાં આવે છે, પણ ભલું થજો, આપણે ત્યાં હજી એવી હિંમત ખૂલી નથી. આ જે પશુ-પક્ષીઓ છે એમાં મુખ્યત: બે ભેદ છે; એક, ઘાસાહારી અને બીજા, માંસાહારી. બહુ ઓછાં પશુ-પક્ષીઓમાં માણસ જેવો ભાવ હોય છે કે એ માંસાહારીમાંથી ઘાસાહારી બન્યાં હોય. બાકી લાખ પ્રયત્નો પછી પણ અમુક માંસાહારીઓ ઘાસ ખાઈને જીવી શકતાં નથી, તો બીજી તરફ ઘાસાહારીઓ મોટા ભાગે માંસાહારી થઈ શકતાં નથી. આ બન્નેની સંખ્યાનો અનુપાત પણ સમજવા જેવો છે. ૧ બરાબર ૧૦૦ જેવો. અર્થાત્ એક માંસાહારી પ્રાણી હોય તો આશરે ૧૦૦ જેટલાં ઘાસાહારી પ્રાણીઓ હોય છે. મારા અનુભવનો એક પ્રસંગ કહું.
ADVERTISEMENT
ટાન્ઝાનિયાના પ્રવાસ દરમ્યાન અમે ગોરંગોરોક્રેટર અને શરંગેટી જોવા ગયા. ૫૦થી ૧૦૦ ફુટ ઊંડા વિશાળ ખાડામાં અહીં લાખ્ખો પ્રાણીઓ સદીઓથી વસે છે. એમાં જુદા-જુદા પ્રકારનાં ઘાસ ખાનારાં ૩૦ લાખ જેટલાં હરણો છે. જેમાં વીલ્ડરબીસ્ટ સૌથી વધારે છે તો બીજી તરફ માંસ ખાનારાં પ્રાણીઓમાં ૭૦૦ સિંહો છે અને દીપડા-ચિત્તા-કૂતરા જેવાં બીજા હિંસક માંસાહારી પ્રાણીઓ છે જેની કુલ સંખ્યા ૫૦૦૦થી વધારે નહીં હોય. માઇલો સુધીનું વૃક્ષો વિનાનું મેદાન છે, જેમાં ચોમાસામાં પુષ્કળ ઘાસ ઊગે છે.
ગીરના જંગલમાં મેદાન નથી એટલે આફ્રિકામાં જે રીતે હિંસક પ્રાણીઓ ઘાસાહારીઓનો શિકાર કરે છે એવો ગીરમાં નથી થઈ શકતો. ગીરમાં મોટા ભાગે પાણીનાં તળાવોમાં પાણી પીવા આવતાં ઘાસાહારી પ્રાણીઓનો શિકાર હિંસક પ્રાણીઓ વૃક્ષોના ઝુંડમાં લપાઈ-સંતાઈને કરે છે. જ્યારે અહીં આફ્રિકામાં માઇલો સુધી વૃક્ષો ન હોવાથી, હિંસક પ્રાણીઓ લાંબું દોડીને શિકાર કરે છે. કલાકમાં ૧૦૦ કિલોમીટરની ઝડપે એટલે કે સૌથી વધારે ઝડપે ચિત્તો દોડે છે, પણ કુદરતે એવી વ્યવસ્થા કરી છે કે તે વધુમાં વધુ એકથી દોઢ મિનિટ જ દોડી શકે. પછી હાંફી જાય અને અટકી જાય. આવું જ સિંહોનું પણ છે. સિંહોમાં મોટા ભાગે સિંહણો જ શિકાર કરે છે. ભારે શરીરવાળો સિંહ બહુ દોડી શકતો નથી. હા, શિકાર થઈ ગયા પછી પહેલો જમવા તે પહોંચી જાય છે, અરે સિંહણ તેના સર્વોપરી હકનો સ્વીકાર કરે છે.