આજથી શરૂ થઈ રહેલું નવું વર્ષ દરેક રીતે સફળતાનાં સોપાન સર કરનારું બને એવી ઇચ્છા તો સૌની હશે. જોકે એ ઇચ્છા પૂરી થાય એ માટે જીવનનાં પાંચ મુખ્ય ક્ષેત્રોનાં કયાં પાંચ-પાંચ મૂલ્યો આ વર્ષે આચરણમાં કેળવવાની જરૂર છે
નરેન્દ્ર મોદી
આજથી શરૂ થઈ રહેલું નવું વર્ષ દરેક રીતે સફળતાનાં સોપાન સર કરનારું બને એવી ઇચ્છા તો સૌની હશે. જોકે એ ઇચ્છા પૂરી થાય એ માટે જીવનનાં પાંચ મુખ્ય ક્ષેત્રોનાં કયાં પાંચ-પાંચ મૂલ્યો આ વર્ષે આચરણમાં કેળવવાની જરૂર છે એનો રોડ-મૅપ આપે છે જે-તે ક્ષેત્રના નિષ્ણાતો. અંગત સમૃદ્ધિ માટે સ્વાસ્થ્ય, સંબંધો, કરીઅર અને ફાઇનૅન્સના ક્ષેત્રે કેવી આદતો જીવનમાં વણવી અને રાષ્ટ્રની સમૃદ્ધિ માટે નાગરિક તરીકે કયો ધર્મ અપનાવવો એનાં બેઝિક મૂલ્યો જીવનમાં ઉતારી લઈશું તો ચોક્કસ ૨૦૨૫માં સુખ-શાંતિ અને સમૃદ્ધિ મેળવી શકીશું
હું અંગત રીતે માનું છું કે વ્યક્તિગત વિકાસ ત્યારે જ શક્ય છે જ્યારે વ્યક્તિ પોતે સારો નાગરિક હોય. મને ઘણા પૂછે કે સારા નાગરિક બનવા માટે શું કરવું જોઈએ પણ આ સવાલનો કોઈ વિધિવત્ જવાબ હોય નહીં કારણ કે નાગરિકત્વ કંઈ કોઈ ચીજ કે આઇટમ નથી કે એમાં સારી ગુણવત્તા ઉમેરવાથી માણસ સારો નાગરિક બની જાય અને આ જ વાત જરા અવળી રીતે જોઈએ તો સારા ગુણો ધરાવતો કે પછી સારા ગુણોનું સિંચન કરી શકે એ નાગરિક રાષ્ટ્રનો સારો નાગરિક બની શકે. સારા નાગરિક બનવા માટે સૌથી પહેલા જ કોઈ ગુણની જરૂર હોય તો એ છે અનુશાસન.
ADVERTISEMENT
૧. અગત્યનું છે અનુશાસન
ઘણાં અનુશાસનનો અર્થ સરમુખત્યાર પણ કરે, પણ ભલે કરે કારણ કે વાત અહીં વ્યક્તિ અનુશાસનની છે. વ્યક્તિગત રીતે જો માણસ અનુશાસિત હોય તો તેનામાં જરૂરી મર્યાદા અને નિયમપાલન કરવાની માનસિકતા જન્મે અને એ રાષ્ટ્રના હિતમાં રહે. અનુશાસિત હોવાના એક નહીં, અનેક ફાયદાઓ છે અને એ ફાયદાઓ માત્ર વ્યક્તિને પોતાને નહીં પણ તેના પરિવારથી માંડીને રાષ્ટ્રને લાભકારી બને. આપેલા સમયે પહોંચી જવું એ પણ અનુશાસનનો ભાગ છે તો ટ્રાફિકના નિયમોનું પાલન કરવું એ પણ અનુશાસન છે. આજે તમે જુઓ, મોટા ભાગના લોકો એવું માને છે કે આપણે એક છૂટ લઈએ તો શું ફરક પડવાનો અને એમાં જ આખો દેશ ગાડરિયા પ્રવાહની જેમ છૂટ લીધા કરે છે અને રાષ્ટ્રને અનેક ક્ષેત્રમાં નુકસાન પહોંચાડે છે.
અનુશાસનને દરેક રીતે તમે જોઈ લો એ લાભકારી જ છે. બૉસ અનુશાસિત હોય તો તેનો સ્ટાફ આપોઆપ અનુશાસિત થઈ જાય. ઘરમાં પિતાનું અનુશાસન હોય પણ એ પછી પણ જો પિતા અનુશાસિત હોય તો સંતાનોમાં એનું મૂલ્ય કોડીનું થઈ જાય. અનુશાસિત હોવું અનિવાર્ય છે અને પ્રજા અનુશાસિત હોય એ રાષ્ટ્રની પહેલી જરૂરિયાત છે.
અનુશાસિત બનો. સમયનું ચુસ્તપણે પાલન કરો અને નિયમોને વળગેલા રહો. તમને પણ લાભ થશે, રાષ્ટ્ર પણ લાભમાં રહેશે અને બન્નેનો વિકાસ થશે. એ પછી બીજા ક્રમે આવે છે સિદ્ધાંતવાદ.
૨. શ્રેષ્ઠ બનાવે સિદ્ધાંત
વ્યક્તિ સિદ્ધાંતવાદી હોવો જોઈએ. સિદ્ધાંત વિનાનું જીવન નકામું છે. પ્રાણીઓના પણ સિદ્ધાંતો છે અને એ પણ પોતાના સિદ્ધાંતોને વળગી રહે છે. જંગલમાં જો સૌથી વધુ સિદ્ધાંતવાદી કોઈ પ્રાણી હોય તો એ સિંહ છે, એનામાં સિદ્ધાંતો છે એટલે જ એનામાં ખુમારી છે અને ખુમારી છે એટલે જ એની સામે કોઈ થતું નથી. એને જંગલના રાજા તરીકે સ્વીકારવામાં આવ્યો છે. માણસે પોતે પણ જો વનરાજ બનવું હોય તો સિદ્ધાંતોને વળગી રહેવું જોઈએ. ‘હું તો કોઈનું પણ ખાઈ જઉં...’ એવા સિદ્ધાંત ન હોય. સિદ્ધાંત એને કહેવાય કે હું મારા હક સિવાયનું કશું સ્પર્શ નહીં કરું. ‘ખાતો નથી અને ખાવા દેતો નથી’ એ સિદ્ધાંત છે અને એ સિદ્ધાંતમાં પ્રામાણિકતા અને ખુમારી બન્ને ઝળકે છે.
ધક્કામુક્કી કરીને મારે આગળ નથી આવવું એવું વિચારવું એ પણ મૉરલ છે. અહીં વાત ટ્રેનની હોય કે પછી પ્રમોશનની, સિદ્ધાંત જીવનમાં હોવા જોઈએ. જો સિદ્ધાંતનો અભાવ હોય તો માણસ પશુ કરતાં પણ ઊતરતો થઈ જાય છે. સિદ્ધાંત માણસને જાગૃત રાખે છે અને રાષ્ટ્રની જો કોઈ બીજી જરૂરિયાત હોય તો એ છે જાગૃત નાગરિકની. જાગૃત નાગરિક હંમેશાં રાષ્ટ્રનો વારસો બન્યા છે એટલે સિદ્ધાંતવાદી અને નિષ્ઠાવાન બનો.
ત્રીજા નંબરે આવે છે પરમાર્થ વિચારધારા.
૩. પરમાર્થ જ પરમેશ્વર
‘પેલો પડ્યો તો ભલે પડ્યો, મારે શું?’ આ જે ભાવ છે એ ભાવ માણસને સેલ્ફ-સેન્ટર્ડ બનાવે છે અને સેલ્ફ-સેન્ટર્ડ વ્યક્તિ ક્યારેય કોઈનો થાય નહીં તો પછી રાષ્ટ્રને એ શું લાભદાયી બનવાનો? પરમાર્થવાદી બનો. પરમાર્થ શબ્દ બહુ સરસ છે. પરમ અર્થે એટલે પરમ અર્થે, પરમ કાજે. અહીં ‘પરમ’નો અર્થ છે અન્ય માટે. જો તમે બીજા, અન્ય માટે કંઈક કરો તો જ કોઈ તમારી સામે જુએ અને તમારા માટે કરે, કારણ કે સામેની વ્યક્તિ માટે તમે અન્ય છો. હું મારું કર્યા કરું એવી માનસિકતા રાખવાને બદલે હું મારું તો કરું પણ મારી આસપાસમાં રહેલા અન્ય જરૂરિયાતમંદો માટે પણ કરું અને તેમને પણ મદદરૂપ બનું એવો ભાવ મનમાં જન્મે ત્યારે માનવું કે હવે આપણે રાષ્ટ્રવાદી બનવાના શરૂ થયા છીએ.
મારા એક પરિચિત છે. તેમને એક જ સંતાન, દીકરી. દીકરીનાં લગ્ન ધામધૂમથી કર્યા પછી તે ફરીથી મહેનતમાં લાગી ગયા. ગૃહસ્થનાં પત્નીએ મને ફરિયાદ કરી કે હવે જવાબદારી પૂરી થઈ ગઈ છે તો પણ બહુ દોડે છે, જીવન માણતા નથી. મેં પેલા ભાઈને કહ્યું તો મને તેમણે જવાબ આપ્યો કે બાપજી, મારી ફૅક્ટરીમાં કામ કરતા કામદારોને સાત દીકરીઓ છે, હવે હું એ દીકરીઓ માટે દોડું છું!
આ પરમાર્થ છે. સેલ્ફ-પ્રાયોરિટીને હાંસિયા બહાર ધકેલીને અન્યનો પહેલો વિચાર કરવો એનું નામ પરમાર્થ. પરમાર્થવાદી વિચારધારા રાષ્ટ્રનો બોજ ઘટાડવાનું કામ કરે એટલે પરમાર્થવાદી બનો.
ચોથા સ્થાન પર આવે છે ચારિત્ર્ય.
૪. ચારિય ચમક છે
કૅરૅક્ટરલેસ પ્રાણીઓથી પણ બદતર છે. ચારિયહીન માણસ ઘર, સમાજ અને રાષ્ટ્ર માટે ઊધઈથી સહેજ પણ ઊતરતો નથી એટલે જ નીતિશાસ્ત્રમાં કહેવાયું છે કે જ્યાં સુધી કોઈનું ચારિય આંખ સામે ખુલ્લું ન પડે ત્યાં સુધી તેને ઘરનો દરવાજો દેખાડવો નહીં. ચારિય માત્ર ને માત્ર વાસનાના સંદર્ભમાં જ નથી જોવાતું, પણ નીતિમત્તાની દૃષ્ટિએ પણ ચારિયવાન હોવું ખૂબ જરૂરી છે. કોઈનું અહિત કરતી વખતે જો પેટનું પાણી ન હલે તો વ્યક્તિએ મન પર વાસનાકીય જીત મેળવી લીધી હોય તો પણ તે ચારિયહીન છે. અનીતિના પૈસા લેવામાં પણ જીવ કોચવાય નહીં તો માનવું કે તે ચારિયહીન છે. ચાણક્યએ કહ્યું છે કે ચારિયહીન સાથે ઊઠબેસ પણ રાખવી નહીં, કારણ કે તેનો રંગ ઝડપથી ચડે છે. વાત સાવ સાચી છે.
ન્યુ ઝીલૅન્ડ ચારિયવાનોથી ભરેલો છે એટલે જ ત્યાં બળાત્કારો પણ નથી થતા અને ચોરી કે લૂંટફાટના પણ ભાગ્યે જ કેસ બને છે. રાષ્ટ્રને મજબૂત બનાવવાનું કામ ચારિયવાનો જ કરી શકે. જો ચારિયવાન હો તો બૉફર્સ કાંડ ન થાય અને જો ચારિયવાન હો તો મિગના સોદામાં કટકી લેવાનું સૂઝે નહીં. અરે, સૂઝવાનું તો બાજુએ રહ્યું, એવી કોઈ ભલામણ કરે તો પણ એક થપ્પડ સાથે તેનો ગાલ લાલ થઈ જાય. રાષ્ટ્રને મજબૂત બનાવવું હોય તો ચારિત્ર્યવાન બનો. હવે પાંચમા સ્થાન પર આવે છે લાગણીશીલતા.
૫. લાગણી છે અમૂલ્ય
વ્યક્તિ જો લાગણીશીલ હોય, ઇમોશનલ હોય તો તે ક્યારેય સ્વકેન્દ્રિય બને નહીં. મોટું મન રાખીને વાતને જતી કરે. લાગણીશીલ લોકો વચ્ચે ઝઘડાઓ નથી થતા. એમાં ‘બે બોલે ને બાર સાંભળે’ એવો ઘાટ નથી સર્જાતો. રસ્તા પર બે ઝઘડતા હોય તો પણ લાગણીશીલ ઊભો રહીને તેમને સમજાવશે, છૂટા પાડશે અને પછી આગળ વધશે. લાગણીશીલતાને આજના સમયમાં ઘણા ખરાબ રીતે પણ જુએ છે. તેમનું માનવું છે કે ઇમોશનલ હોવું એ દુખી થવાની નિશાની છે પણ ના, એવું નથી. ઇમોશનલ હોવું એ સુખી કરવાની અને અન્યને સુખી કરીને સુખી થવાની નિશાની છે. ઇમોશન્સ હોવાં એને હું ઈશ્વરની દેન માનું છું અને ભગવાને દરેકને આ બક્ષિસ આપી છે પણ ખોટી સલાહ કે બેચાર ખરાબ અનુભવના આધારે કે પછી દુનિયાદારીના પાઠના આધારે વ્યક્તિએ પોતાની એ બક્ષિસ પર ધૂળ ચડાવી દીધી છે. જો રાષ્ટ્રને આગળ લઈ જવું હોય તો મનમાં રહેલી લાગણીશીલતાને જગાડો, એને પ્રજ્વલિત કરો અને સૌકોઈ માટે લાગણી રાખો.
(ક્રાન્તિકારી વિચારાધારા અને તેજાબી વ્યક્તિત્વ માટે જાણીતા એવા લેખકનું ભારત સરકારે પદ્મભૂષણ દ્વારા સન્માન કર્યું છે તો અન્ય પણ અનેક ખિતાબો તેમને મળ્યા છે.)