યથાસંભવ સૌની મૈત્રી અને સૌના અસ્તિત્વનો સ્વીકાર કરવો જરૂરી છે.
ચપટી ધર્મ
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
થોડા સમયથી આપણે અહિંસા વિશે લંબાણપૂર્વક વાત કરીએ છીએ ત્યારે એક સ્પષ્ટતા ફરી વાર કરવાની કે અહિંસાનો વિરોધ એ ક્યાંય હિંસાનું સમર્થન નથી. અહીં વાત અહિંસાવાદની અવ્યાવહારિકતા સમજવાની છે અને એ સમજવામાં જ પ્રજા નિષ્ફળ જઈ રહી છે. જે રીતે પ્રજા હિંસાવાદના ગેરલાભ, નુકસાન અને એનાથી પડતી તકલીફોને સમજે છે, ઓળખે છે એવી જ રીતે લોકો અહિંસાવાદની અવ્યાવહારિકતા, વ્યર્થતા અને હાનિકારકતાને સમજે એ જરૂરી છે.
સૂક્ષ્મ જીવાણુઓ, પશુઓ, પક્ષીઓ, નિરપરાધીઓ, પાડોશી રાષ્ટ્રો સૌની સાથે બિનજરૂરી હિંસા કરવાની હોય જ નહીં. યથાસંભવ સૌની મૈત્રી અને સૌના અસ્તિત્વનો સ્વીકાર કરવો જરૂરી છે. જો એમના અસ્તિત્વથી રાષ્ટ્ર, પ્રજા, માનવજાત કે કુદરતના અસ્તિત્વને વાંધો ન આવતો હોય તો એક પણ જીવને અનાવશ્યક રીતે નષ્ટ કરવો જોઈએ નહીં. જે એકબીજાના પોષક છે તે રહેવા જ જોઈએ. આપણે કોઈ કીડી-મંકોડાને અનાવશ્યક રીતે મારવાં નથી, પણ સાથોસાથ આપણે માંકડ-મચ્છર-ચાંચડ કે એવા જ બીજા હાનિકારક જંતુઓની સંખ્યાને કરોડો અબજોમાં ફેરવીને એના ઢગલા કરવાની પણ જરૂર નથી. યથાયોગ્ય વિવેકથી વિચાર કરીને વિશ્વના, રાષ્ટ્રના અને સમગ્ર પ્રજાના કલ્યાણ માટે જે જરૂરી હોય એ કરવાનું છે. હિંસા-અહિંસાનો વિચાર કરતાં માત્ર મોક્ષનો જ વિચાર કરવો હિતાવહ નથી. ખરો વિચાર તો રાષ્ટ્ર અને પ્રજાનો કરવો જોઈએ.
ADVERTISEMENT
આમ જુઓ તો હિન્દુ પ્રજા અહિંસાવાદી છે જ નહીં. તેમનાં દેવ-દેવીઓ અને અવતારો શસ્ત્રધારી છે. એટલું જ નહીં, તેમનું કાર્યક્ષેત્ર અસુરોના સંહારમાં રહ્યું છે. શ્રીરામ-શ્રીકૃષ્ણને કોઈ અહિંસાવાદી કહી શકે નહીં. હિન્દુ પ્રજા હિંસાવાદી પણ નથી. અકારણ, ગમે ત્યારે, ગમે તેની હિંસા કર્યા કરવાનું કોઈ કહેતું નથી. હિન્દુ પ્રજા વાસ્તવવાદી છે. જરૂર પડે તો અઢાર અક્ષૌહિણી સેનાનો પણ નાશ કરતાં પાછું જોવાનું નહીં. જોકે વાસ્તવવાદી રાતોરાત થઈ જવાતું નથી. એ માટે પૂરી જિંદગી સાધના કરવી પડે છે. એક સૈનિક વર્ષો સુધી સાધના કરે છે ત્યારે માંડ સૈનિક થઈ શકે છે. કશી જ તાલીમ લીધા વિના સામાન્ય માણસને યુદ્ધમાં મોકલવામાં આવે તો તે ખાસ કંઈ કરી શકે નહીં એટલે તાલીમ અથવા સાધના જરૂરી છે. તાલીમ લેવાનું વાતાવરણ ઘરમાં અને સમાજમાં હોવું જરૂરી છે. અહિંસાવાદીઓના ઘરમાં આવું શારીરિક તથા માનસિક વાતાવરણ જ નથી હોતું. તેમનામાં પડેલા ધાર્મિક સંસ્કારો તેમને સતત ‘પાપ-પાપ’ના પડઘા સંભળાવ્યા કરે છે અને સંભળાતા એ પડઘા તેમને સાચી દિશા શોધતાં કે લેતાં રોકે છે.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)