આધ્યાત્મિક મહત્ત્વ ધરાવતા ગુરુને જીવનમાં મજબૂત બનાવવાનું કામ દરેકેદરેક વ્યક્તિએ કરવું જોઈએ. આજે જ્યારે દૈહિક ગુરુનું મહત્ત્વ જીવનમાં ઘટ્યું છે ત્યારે ગ્રહ ગુરુનું વર્ચસ્વ જેટલું વધુ એટલું જીવન શ્રેષ્ઠ માર્ગ પર
શુક્ર-શનિ
પ્રતીકાત્મક તસવીર
ગુરુ. આ શબ્દમાં જ આદર છે અને એવું જ તમામ ગ્રહોમાં ગુરુનું છે. તમામ ગ્રહોમાં ગુરુ સૌથી આદરણીય ગ્રહ છે. જન્મકુંડળીમાં રહેલો નબળો ગુરુ કુસંગત સૂચવે છે તો સાથોસાથ ખોટાં પગલાં અને અયોગ્ય નિર્ણય લેવા માટે જવાબદાર છે તો સબળો ગુરુ સંયમની સાથોસાથ ગેરલાભ લેવાની માનસિકતામાંથી વ્યક્તિને બાકાત રાખે છે. ગુરુ જેટલો બળવાન એટલું જ વર્ચસ્વ વધારે એવો સીધો હિસાબ શાસ્ત્રોમાં દર્શાવવામાં આવ્યો છે. સામુદ્રિક શાસ્ત્ર કહે છે કે શરીરનું વધતું વજન એ જીવનમાં વધતા જતા ગુરુના પ્રભાવની નિશાની છે. એનો અર્થ એવો નથી કે વજન વધારતા રહેવું, પણ હા, એવો ભાવાર્થ ચોક્કસ કાઢી શકાય કે વધતા વજનને ડાયટિંગથી ઘટાડીને શેરડીના સાંઠા જેવા થવાને બદલે ફિટનેસ વધે એ દિશામાં કામ કરવું જોઈએ; કારણ કે વજન ઘટાડવું એ ઇરાદાપૂવર્ક જીવનમાંથી ગુરુનો પ્રભાવ ઘટાડવા જેવું છે.
ગુરુને જીવનમાં સબળો બનાવવાના કેટલાક સરળ ઉપાયો જોવા જેવા છે.
ADVERTISEMENT
કલરથી કરો મજબૂત
પીળા રંગનો મહત્તમ ઉપયોગ ગુરુને બળવાન બનાવવાનો સૌથી સરળ રસ્તો છે. પીળા રંગનાં વસ્ત્રો પહેરવાં હિતાવહ છે એ સૌ જાણે છે, પણ જો દિવસની શરૂઆત અને દિવસનો અંત હળદર ખાઈને કરવામાં આવે તો દિનચર્યા દરમ્યાન ગુરુત્વ પ્રબળ રહે છે. સવારે જાગી, બ્રશ કરી હળદરની એક ચમચી પાણી સાથે લેવી જોઈએ અને રાતે સૂતાં પહેલાં પણ આ કાર્ય કરવું. આયુર્વેદની દૃષ્ટિએ પણ હળદરનું સેવન ગુણકારી છે અને કુંડળી-શાસ્ત્રની દૃષ્ટિએ પણ હળદર લાભદાયી છે. આ ઉપરાંત ચણા, ચણાની દાળ કે પછી બેસનમાંથી બનતી વરાઇટી ખાવાથી પણ ગુરુની પ્રબળતા વધે છે. યલો રંગનાં ફ્રૂટ્સ પણ લાભદાયી છે. યલો રંગની વાત કરીએ તો એ ઊગતા સૂર્યની ઝાંયમાં પણ જોવા મળે છે, જે દર્શાવે છે કે સૌમ્યતા સૌકોઈને પ્રિય છે. ગુરુ જેનામાં પ્રબળ હોય તે સંયમશીલ હોય. તેનો સ્વભાવ પણ સૌમ્ય હોય છે અને સ્વભાવે તે શાંત હોય છે.
હળદર અને ગુરુ
જો ગુરુનો ગ્રહ પહેરવાનું કહેવામાં આવે અને એ પોસાય એમ ન હોય તો ચિંતા કરવી નહીં. જગતના કોઈ સદ્ગુરુ એવા નથી હોતા કે તે પોતાના શિષ્ય પાસે મોંઘી દક્ષિણા માગે, કુંડળીમાં રહેલા ગુરુની પણ એવી કોઈ માગ નથી. ગુરુને નંગ નહીં પહેરી શકનારા હળદરના એક મોટા ગાંઠિયાને પાતળા મલમલનાં કપડાંમાં બાંધીને બાવડે પહેરી શકે છે, ગળામાં પણ પહેરી શકાય પણ ગળામાં આખી હળદર પહેરી હોય તો સ્વાભાવિક રીતે લોકોનું ધ્યાન જાય અને એના વિશે પૂછપરછ વધે એટલે હળદર બાવડે બાંધવી વધારે હિતાવહ છે.
નાનપણથી જો બાળકના બાવડે હળદર બાંધવામાં આવે તો તેને કુસંગત લાગવાની સંભાવના નહીંવત્ થઈ જાય છે તો ટીનેજ પર પહોંચેલા બાળકને પણ જો હળદરનું સેવન કરાવવામાં આવે તો તે કુસંગતના રવાડે ચડતું નથી.
નહીં ત્યજો વાળ
ગુરુવારે શરીર પરથી વાળ નહીં ઊતરાવો. તમે યાદ કરો, ગુરુનો લુક. ગુરુ મસ્ત મજાની લાંબી જટા અને દાઢી સાથે હોય છે. શાસ્ત્રો કહે છે કે વાળ બ્રહ્માંડ સાથે કનેક્ટ કરતા ઍન્ટેના છે. ગુરુવારના દિવસે વાળ કાપવા એ ગુરુનો અનાદર કરવા સમાન છે એટલે જો શક્ય હોય તો ગુરુવારના દિવસે વાળ કાપવાનું અવૉઇડ કરો. જો ગુરુવારે કોઈ અગત્યની મીટિંગ હોય તો બહેતર છે કે આગલા દિવસે રાતે જ બિઅર્ડ કે હેર સેટ કરાવી લો, પણ ગુરુવારે એ કામ અવગણો.
શાસ્ત્રોમાં તો ક્ષૌરકર્મ માટે પણ વર્ષમાં માત્ર પાંચ જ દિવસ યોગ્ય ગણાવવામાં આવ્યા છે, પણ આજના સમયમાં એ પ્રકારે રહેવું યોગ્ય નથી એટલે ઍટ લીસ્ટ એવું તો થઈ જ શકે કે વાળ ઊતરાવવાનું કામ ગુરુવારે ન થાય અને એ માટે અન્ય દિવસ પસંદ કરવામાં આવે. વાળ ઊતરાવવા માટેનો જો દિવસ પૂછતા હો તો કહેવાનું કે એ કાર્ય શુક્રવારે કરવું જોઈએ, કારણ કે ગ્રહ શુક્ર સૌંદર્યનો કારક છે, એને સુશોભન પસંદ છે.
ગુરુ અને વડીલો
જો તમારી આસપાસ વડીલો હોય તો તેમને ગુરુ સમાન માન આપવું હિતાવહ છે. કહેવાય છે કે ગુરુને રીઝવવા માટે તમે કંઈ પણ કરો અને પછી જો તમે વડીલોનું સન્માન ન જાળવો તો ગુરુ ક્યારેય તમારા પર પ્રસન્ન ન થાય. સામે પક્ષે ગુરુને રીઝવવા માટે કશું ન કરી શકો પણ જો તમે તમારાથી મોટી ઉંમરની વ્યક્તિઓનું માન-સન્માન જાળવી શકતા હો અને સત્કાર કરતા હો તો ગુરુ આપોઆપ તમારા પર પ્રસન્ન થાય.