કોઈ પણ સાધક પોતાના ઇષ્ટનું સાચા હૃદયથી કોઈ પણ રીતે સ્મરણ કરે એનું નામ ભજન છે. કોઈ પણ ભક્તને એકાંતમાં બેસીને ભજન કરવું હોય તો પણ દિવસ કરતાં રાત્રિનો સમય વધુ અનુકૂળ આવે છે.
માનસ ધર્મ
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
મારા પ્રિય શબ્દોમાં એક શબ્દ ભજન છે.
પરમતત્ત્વને ભજવા એનું નામ ભજન. આ ભજન કોઈ પણ રીતે થઈ શકે છે. કોઈ ગાઈને કરે, કોઈ બોલીને કરે, કોઈ નાચીને કરે, કોઈ માત્ર હરિનામ લીધા કરે, કોઈ પ્રભુના રૂપનું ધ્યાન ધરે. આ તમારી રીતે ભજન થયું ગણાય. ભજનમાં એવી તાકાત છે કે જો ખરા હૃદયથી થાય તો ભજન સાધકને ઈશ્વર કરતાં પણ આગળ લઈ જાય છે. દાખલા તરીકે કબીરનું ભજન પાકી ગયું તો લખવું પડ્યું...
ADVERTISEMENT
પીછે પીછે હરિ ફિરત, પુકારત કબીર કબીરકોઈ પણ સાધક પોતાના ઇષ્ટનું સાચા હૃદયથી કોઈ પણ રીતે સ્મરણ કરે એનું નામ ભજન છે. આપણે ત્યાં સંતવાણી સ્વરૂપે ભજનને સંગીત સાથે ગાવા તથા સાંભળવાના કાર્યક્રમો થાય છે એ મોટા ભાગે રાત્રે થાય છે. કોઈ પણ ભક્તને એકાંતમાં બેસીને ભજન કરવું હોય તો પણ દિવસ કરતાં રાત્રિનો સમય વધુ અનુકૂળ આવે છે એટલે સવાલ થાય કે ભજન રાત્રે શા માટે થતાં હશે?
એનો જવાબ એ છે કે ભજનમાં એવી શક્તિ છે કે એ સાધકના મનમાં અંધારાંને ઉલેચીને અજવાળાં કરી શકે છે અને આ હકીકત છે.
ઘણા સાધકના જીવનમાં ભજનથી અજવાળાં થયાં છે એટલે જે અજવાળામાં થાય એ ભજન નથી, પણ જે અજવાળાં પ્રગટાવે એનું નામ ભજન છે. આ ભજનનો સૂક્ષ્મ અર્થ થયો, પરંતુ જો સ્થૂળ અર્થમાં જોઈએ તો ભજન કોઈને નિષ્ક્રિય બનાવતું નથી એટલે દિવસે સૌ પોતાનું કર્મ કરે અને રાત્રે કર્મનિવૃત્ત થઈને અલખને આરાધે એ માટે ભજનને રાતનો સમય વધુ માફક આવે છે. આપણે ત્યાં સાધના, આરાધના અને ઉપાસના એ ત્રણ રીતે ઈશ્વરને ભજવામાં આવે છે.
ભજનની વ્યાખ્યા સમજવા જેવી છે. ‘ભ’ એટલે ભક્તિ, ‘જ’ જગન અને ‘ન’ એટલે નેતિ. આવો અર્થ કરી શકાય. મારી દૃષ્ટિએ ભજનમાં ભક્તિ એટલે ભક્તિમાર્ગ, જગન અથવા યજ્ઞ એટલે કર્મમાર્ગ અને નેતિ એટલે જ્ઞાનમાર્ગ એમ ત્રણે યોગનો સમન્વય જોવા મળે છે. ભજનના ત્રણ અક્ષરમાં દેખાતા ત્રણે યોગ માટે હું એમ કહીશ કે જે ઇતિ કરે તે ભક્તિમાર્ગ, જે નેતિ કરે તે જ્ઞાનમાર્ગ અને જે પ્રીતિ કરે તે કર્મમાર્ગ છે.