Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > બાળકોને સુટેવ આપવાનું ચૂકશો તો ચાલશે, પણ તેની કુટેવો શોધી-શોધીને દૂર કરજો

બાળકોને સુટેવ આપવાનું ચૂકશો તો ચાલશે, પણ તેની કુટેવો શોધી-શોધીને દૂર કરજો

Published : 01 October, 2024 01:32 PM | Modified : 01 October, 2024 02:32 PM | IST | Mumbai
Swami Satchidananda

કોઈ પણ પ્રજાને મહાન બનાવવી હોય તો તેનું સારી રીતે ઘડતર કરવું જોઈએ. ચાલવું, બેસવું, ઊઠવું, બોલવું, વર્તવું, ખાવું, પીવું બધું ભદ્રતાપૂર્ણ હોય તો પ્રજા આપોઆપ મહાન બને. પરદેશમાં વારંવાર આભાર માનવાની તથા થોડી ભૂલ થઈ હોય તો ક્ષમા માગવાની ટેવ છે.

પ્રતીકાત્મક તસવીર

સત્સંગ

પ્રતીકાત્મક તસવીર


કોઈ પણ પ્રજાને મહાન બનાવવી હોય તો તેનું સારી રીતે ઘડતર કરવું જોઈએ. ચાલવું, બેસવું, ઊઠવું, બોલવું, વર્તવું, ખાવું, પીવું બધું ભદ્રતાપૂર્ણ હોય તો પ્રજા આપોઆપ મહાન બને. પરદેશમાં વારંવાર આભાર માનવાની તથા થોડી ભૂલ થઈ હોય તો ક્ષમા માગવાની ટેવ છે. જેને લીધે પ્રજાજીવન અનર્થોથી બચી જાય છે. માનો કે તમારો પગ અજાણતાં કોઈને અડી ગયો તો તરત તમે ક્ષમા માગી, વાત પતી ગઈ, પણ પગ અડવા છતાં તમે નફ્ફટ રહો તો સામેના માણસનો આક્રોશ ભભૂકી ઊઠે. તરત બોલાબોલી, ગાળાગાળી અને મારામારી થઈ જાય. આવા અનર્થો આપણે ચારેતરફ જોઈએ છીએ. આપણે ત્યાં આભાર માનવાની અને ક્ષમા માગવાની ખાસ ટેવ નથી. તમે ગાડીમાં કોઈને લિફ્ટ આપી, પોતાનું સ્થળ આવતાં તે ચાલતો થશે. ‘આભાર’ જેવો શબ્દ પણ બોલવાનું નહીં સૂઝે, કારણ ટેવ જ નથી પાડી. 

અંદરથી માણસ કેટલો સારો, કેટલો ખરાબ છે એ અલગ વસ્તુ છે, પણ પારસ્પરિક બાહ્ય જીવનમાં તે કેટલો ભદ્રતાપૂર્ણ વ્યવહાર કરે છે એ મહત્ત્વનું છે, કારણ કે બાહ્ય વ્યવહારથી વ્યક્તિ પ્રજાજીવનને પ્રભાવિત કરે છે. માનો કે વિમાનની સીટ ઉપર તમે બેઠા છો. તમારી બાજુમાં જે છે એ માનો કે દાણચોર છે, પણ તે તમને ભીંસતો નથી, સીટ દબાવતો નથી. યાત્રા દરમ્યાન તે તમને કશી તકલીફ આપતો નથી તો તેને સભ્ય કહી શકાય. દાણચોરી કરે એ મોટો અપરાધ છે, એનો બચાવ નથી, પણ રોજિંદા જીવનમાં તેની જે સુઘડતા છે એને પણ દાદ મળવી જોઈએ. 

હવે આ ભાઈને જુઓ. પ્રસિદ્ધ ભક્તરાજ છે, હજારો શિષ્યોના ગુરુ છે. શાસ્ત્રના મર્મજ્ઞ મનાય છે, તેઓ પોતાને સ્વયંભૂ પૂજ્ય માને છે. એટલે પ્રથમથી જ દોઢ સીટ રોકી લીધી છે. તમારે અડધી સીટ ઉપર જ વ્યવસ્થા કરવાની છે. દોઢ સીટથી પણ સંતોષ ન થતાં મહાશય તમને ભીંસે છે. સામાન ચારે તરફ ગોઠવી દીધો છે. તમારા હકો મેળવવા એક-એક બાબતમાં તમારે યુદ્ધ કરવું પડશે. તેમને સરખું બેસતાં આવડે છે કે નહીં, પોતાના પાડોશી સાથે તે કેવો ભદ્ર વ્યવહાર કરી શકે છે એ વાત મહત્ત્વની છે અને આ મહત્ત્વતા જીવનમાં ખૂબ જરૂરી છે. હું કહીશ કે તમારાં બાળકોને મહાન બનાવવાં હોય તો બચપણથી જ તેમને સુટેવો પાડો અને સાથોસાથ કુટેવોને વીણી-વીણીને દૂર કરો. 

આપણી કુટેવો એટલી બધી છે કે ગ્રંથોના ગ્રંથો લખીએ તો પણ પાર ન આવે. પ્રજાજીવનના ઘડતરના પ્રથમ ભાગ તરીકે આપણે જો કંઈ કરવાનું હોય તો નવી પેઢીમાં આવેલી કુટેવોને દૂર કરવાનું કામ કરવાનું છે.


Whatsapp-channel Whatsapp-channel

01 October, 2024 02:32 PM IST | Mumbai | Swami Satchidananda

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK