રાષ્ટ્રના સીમાડા પારના શત્રુઓ તથા અંદરના શત્રુઓ સાથે યુદ્ધ કરવું જ જોઈએ. પૂરેપૂરી શક્તિ અને કુશળતાથી યુદ્ધ કરવાથી હિંસા અટકે છે.
ચપટી ધર્મ
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
એક મહત્ત્વનો સિદ્ધાંત ગયા મંગળવારે તમને સૌને કહ્યો હતો.
મારવું એ ખરાબ છે, પણ રિબાવવું તો અત્યંત ખરાબ છે. મારવું કે રિબાવવું એ બેમાંથી કોઈ એકને સ્વીકારવું હોય તો રિબાવવા કરતાં મારવું એ ઠીક છે. જો પૂરેપૂરાં પશુ-પક્ષીઓને ઉત્તમ રીતે રાખી શકાતાં હોય તો એનાથી વધુ ઉત્તમ કંઈ નથી, પણ જો તેમને રિબાવી-રિબાવીને કંકાલ બનાવીને જીવ માટે મનોમન કરગરતાં કરી દેવાનાં હો તો એનાથી મોટું બીજું કોઈ પાપ નથી, માટે એવું પાપ ક્યારેય કરતા નહીં. એવી હાલતમાં જિવાડવા કરતાં તો એ મૃત્યુ પામે અને એનો છુટકારો થાય એ હિતાવહ છે. માટે એવું પાપ ક્યારેય ન કરવું કે આ પશુ-પ્રાણીઓ રિબામણી વચ્ચે મનોમન કરગરતાં રહે અને મોતની અબોલ ભીખ માગ્યા કરે. માણસ પોતે પણ રિબામણી નથી ઇચ્છતો. એવા સમયે તમે અબોલ પ્રાણીને કેવી રીતે રિબાવી શકો.
ADVERTISEMENT
અહીં મારે એક બીજી વાત પણ કરવી છે.
જે રાષ્ટ્રના દ્રોહીઓ છે, જે માનવતાના દ્રોહી છે, જે અપરાધીઓ છે તેમને દંડ કરવો જ જોઈએ. આ દંડમાં મૃત્યુદંડ સુધીનો દંડ આવી જાય છે. અપરાધીઓ પર વારંવાર દયા કરવાથી રાષ્ટ્રમાં અરાજકતા અને આતંકવાદ વધી જાય છે, જે બહુ મોટી હિંસા કરાવે છે એટલે શાસકે કઠોરતાથી રીઢા અપરાધીઓને દંડ દેવો જ જોઈએ. આ જ કારણે કહેવાનું કે માનવતા સુરક્ષિત રહે એ હિતાવહ છે. માનવતાના હિતની વાત કરીએ છીએ ત્યારે વાત એ પણ કરવી જોઈએ કે રાષ્ટ્રનું હિત શામાં છે? રાષ્ટ્ર સુરક્ષિત ક્યારે થાય?
ત્યારે જ્યારે રાષ્ટ્રના સીમાડા પારના અને સીમાડાની અંદરના શત્રુ સામે લડવામાં આવે. હા, રાષ્ટ્રના સીમાડા પારના શત્રુઓ તથા અંદરના શત્રુઓ સાથે યુદ્ધ કરવું જ જોઈએ. પૂરેપૂરી શક્તિ અને કુશળતાથી યુદ્ધ કરવાથી હિંસા અટકે છે. હિંસા દ્વારા હિંસાનો અટકાવ થાય છે. આવી જ રીતે આંતરિક શત્રુઓને પણ જેર કરવા કે નાશ કરવા હિંસા કરવી પડે તો જરૂર કરવી જોઈએ.
આવી રાષ્ટ્રરક્ષા અને માનવતાની રક્ષા માટે કરાયેલી હિંસા એ સાધના જ છે, પાપ નથી. હા, દીન, દુખી, લાચાર, અસુરક્ષિત, દુર્બળની હિંસા ન કરવી જોઈએ. તેમનું રક્ષણ કરવું જોઈએ. આ ધર્મ છે. આનું નામ જ ધર્મરાજ્યની સ્થાપના છે. સમર્થ શૂરવીર શાસકે આ જ કરવું જોઈએ. આપણે સૌ પણ આ જ કામ કરીએ, જેથી રાષ્ટ્ર સુરક્ષિત થાય અને પ્રજા સુખી થાય.