ઇમોશન્સ જોડાયેલાં હોય તો પણ અહીં જે ચીજવસ્તુઓ વિશે કહેવાયું છે એને ઘરમાં રાખવાનું ટાળવું જોઈએ
પ્રતીકાત્મક તસવીર
ઘરમાં વસ્તુ આવી એનો ઓછામાં ઓછો નિકાલ કરવો એ માનવસહજ સ્વભાવ છે. એમાં કોઈ નવાઈ નથી, પણ એમ કરવું અયોગ્ય છે. વાસ્તુશાસ્ત્ર મુજબ તો અઢળક એવી ચીજવસ્તુ છે જેને ઘરમાં ન રાખવી જોઈએ. આ વિષય પર અગાઉ પણ આપણે વાત થઈ છે પણ આજે એ જ વાત જુદી ચીજવસ્તુઓ સાથે કરવાની છે. આજની ચીજવસ્તુ સાથે લાગણીનું બંધન ખાસ ગણવામાં આવ્યું છે. પ્રેમ હોય, લાગણી હોય કે પછી મમતા જોડાયેલી હોય તો પણ અમુક ચીજવસ્તુઓને સાચવી કે સંઘરી રાખવી ન જોઈએ, કારણ કે સંઘરી રાખેલી એ ચીજવસ્તુઓ વ્યક્તિઓને બાંધી રાખવાનું કામ કરે છે.
કઈ ચીજવસ્તુ એવી છે જેને ઘરમાંથી તાત્કાલિક અસરથી કાઢવી જોઈએ એ જાણવા જેવું છે.
ADVERTISEMENT
વિદાય લીધેલી વ્યક્તિની વસ્તુ
વિદાય લીધેલી એટલે કે જેનું અવસાન થયું છે એ વ્યક્તિ જે ચીજવસ્તુનો અંગત વપરાશ કરતી હતી એને ઘરમાં ન રાખવી જોઈએ. એવી ચીજવસ્તુ કાં તો કોઈને દાનમાં આપી દેવી જોઈએ અને જો પ્રદૂષણ ફેલાવે એવી ચીજવસ્તુ ન હોય તો એને નદીમાં પધરાવી દેવી જોઈએ. વહાલા વડીલોની ચીજવસ્તુ પોતાની પાસે યાદી તરીકે રાખનારાઓની સંખ્યા સામાન્ય રીતે મોટી છે. લાગણી અને પ્રેમ સમજી શકાય, ધારી શકાય. જો લાગણી હોય તો એ વ્યક્તિ વાપરતી હોય એવી પેન કે પછી બીજી કોઈ વસ્તુ જેનો તમે તરત જ ઉપયોગ કરવાના હો કે કરતા થઈ ગયા હો તો વાજબી છે, પણ કબાટમાં પડેલાં તેમનાં કપડાં કે ચંપલ કે એવી વસ્તુ પાસે રાખવી અયોગ્ય છે.
વાસ્તુશાસ્ત્ર કહે છે કે એવી ચીજવસ્તુઓ માનસિક રીતે નકારાત્મકતા આપવાની સાથોસાથ જીવન પ્રત્યે નીરસતા આપવાનું કામ કરે છે એટલે પ્રયાસ કરવો કે એવી ચીજવસ્તુ વહેલામાં વહેલી તક કોઈના વપરાશમાં આવી જાય અને મરનારના આત્માને પણ એ ચીજ વપરાયાની ખુશી મળે.
તૂટેલી ચીજવસ્તુ ન સાચવો
ઍન્ટિક હોય તો પણ આ જ વાત લાગુ પડે અને વહાલસોયી વ્યક્તિએ ભેટ આપી હોય, એ ચીજ સાથે મનગમતી યાદો જોડાયેલી હોય તો પણ એવી વસ્તુઓને સાચવો નહીં. જે તૂટેલી છે એ ચીજનો તાત્કાલિક નિકાલ થવો જોઈએ. ઘણી વખત ઘરમાં એવા ઇરાદે પણ ચીજ સાચવી રાખવામાં આવે છે કે પછી એને ચીપકાવી દઈશું, પણ ચીપકાવવાનું ક્યારેય મુરત નથી આવતું. આ પ્રકારે ઘરમાં પડેલી તૂટલી ચીજવસ્તુઓ ભાગ્યમાં લખાયેલી તકને તોડવાનું અને છોડાવવાનું કામ કરે છે. ભલે ચીજ મોંઘી હોય પણ જો એ બ્રેક થઈ ગઈ હોય તો એને કાઢી નાખો. મજબૂરીમાં પણ પ્રયાસ કરો કે એ ચીજ ઘરમાં ન રહે. ધારો કે કોઈની અમાનત હોય અને એ ચીજ તમારે સાચવી રાખવી પડે એમ હોય તો એને પૅક કરીને એવી જગ્યાએ મૂકી દો કે એનાં વાઇબ્રેશન બહાર આવે નહીં. હા, તૂટેલી ચીજવસ્તુ વાઇબ્રેશન આપવાનું કામ કરે છે, જે સ્થિરતા નથી લેવા દેતાં.
તૂટેલી ચીજવસ્તુઓની જેમ જ કાટ લાગ્યો હોય એવી લોખંડની વસ્તુને પણ સંઘરવી નહીં અને જો રાખવી હોય તો વહેલી તકે એના પરથી કાટ દૂર કરાવવો.
અર્થહીન પેઇન્ટિંગ્સ કે આર્ટવર્ક
ઘણાં ઘરોમાં એવાં આર્ટવર્ક, પેઇન્ટિંગ્સ કે ડેકોરેટિવ પીસ પડ્યાં હોય છે જેનો કાં તો કોઈ અર્થ ન નીકળતો હોય અને અર્થ નીકળતો હોય તો એ સહેજ પણ ગળે ન ઊતરતો હોય. આડાઅવળા કે ત્રાંસા સ્ટ્રોક્સ મારીને તૈયાર કરેલાં સિમ્બૉલિક આર્ટવર્ક અને પેઇન્ટિંગ્સ ઘરમાં ન રાખવાં જોઈએ. એ પ્રકારનાં પેઇન્ટિંગ્સ મનમાં કન્ફ્યુઝન વધારવાનું કામ કરે છે તો સાથોસાથ એ પ્રકારનાં પેઇન્ટિંગ્સ સંબંધોમાં અને વાણીમાં અસ્પષ્ટતા લાવવાનું કામ કરે છે. આવું જ ફોટોગ્રાફ્સ માટે પણ છે. હિંસાત્મક પ્રવૃત્તિ દર્શાવતા ફોટોગ્રાફ્સ પણ ઘરમાં ન રાખવા જોઈએ અને ભગવાનના કે તીર્થસ્થાનના ફોટોનો અતિરેક પણ ન કરવો જોઈએ. આ શ્રદ્ધાનો વિષય છે પણ એનો અર્થ એવો નથી થતો કે ઘરમાં ક્યાંય પણ એ ફોટો ટિંગાડી દેવામાં આવે.
દિશા પણ મહત્ત્વનો ભાગ ભજવે છે એવા સમયે ખોટી દિશામાં રાખેલા ભગવાન પણ જરૂરી પરિણામ ન આપે એવું બની શકે. બહેતર છે કે ભગવાન કે તીર્થસ્થાનના ફોટો, મૂર્તિનો પણ ઘરમાં અતિરેક ન થાય. ધારો કે ઘરમાં એનો અતિરેક હોય તો એમને મંદિરે પહોંચાડી દેવા જોઈએ. એક ખાસ વાત, શક્ય હોય ત્યાં સુધી ધર્મ કે આસ્થાની કોઈ પણ ચીજ ક્યારેય અન્ય કોઈને આપવી નહીં. જો આપવામાં આવે તો પ્રયાસ કરવો કે જેને આપી હોય તે યથાશક્તિ દાનધમાર્દો કરે.

