શ્રદ્ધાળુઓએ આસ્થાને એક દિશામાં અકબંધ રાખવા માટે સમજવું પડશે અને અંધશ્રદ્ધાળુઓએ પણ ઈશ્વરના ભાગલા પાડવાનું બંધ કરવું પડશે.
ચપટી ધર્મ
પ્રતીકાત્મક તસવીર
આગળ કહ્યું એમ પ્રજા વર્ણભેદથી વિભાજિત છે. આજે જ્યારે અનેક સુધારકોના ભગીરથ પુરુષાર્થોથી વર્ણભેદ તૂટી રહ્યા છે ત્યારે પણ કેટલાક પ્રભાવશાળી લોકો ફરીથી વર્ણભેદની સ્થાપના કરવા નવી-નવી દલીલો લઈને આવે છે અને ભોળા માણસોને ભરમાવે છે. જોકે હવે શિક્ષિત પ્રજા, એમાં પણ જે લોકોને વર્ણવાદથી પેઢી દર પેઢી સહન કરવું પડ્યું એવી પ્રજા, વધુ જાગૃત બની રહી છે.
બીજી તરફ જીવનની આર્થિક આવશ્યકતાઓની દિશાઓ સૌના માટે ઊઘડી ગઈ છે એટલે વર્ણ પ્રમાણે જ કામ કરવું કે કરાવવું શક્ય જ નથી રહ્યું. પરિણામે વ્યાવહારિક ક્ષેત્રમાં વર્ણવાદનો પ્રભાવ ઘટતો જાય છે તો પણ સૈદ્ધાંતિક રીતે ભારે તફાવત તથા સંઘર્ષ રહેવાનો જ. એ મટાડવા માટે અર્થાત્ માણસ-માણસ એકસમાન એવો ધાર્મિક પ્રતિઘોષ કરવા માટે મૂળ બ્લુપ્રિન્ટવાળી માન્યતાઓને છોડવી જ પડશે. આ કામ જેટલું જલદી થશે એટલું જ પ્રજાનું પાયાનું કામ થયું ગણાશે, લેખાશે.
ADVERTISEMENT
બીજું વિભાજક બળ સંપ્રદાયો છે અને એની ચર્ચા પણ કરતા આવીએ છીએ એટલે જ ઉપરના મુદ્દાને પણ સમાવિષ્ટ કરવાનું નક્કી કર્યું.
બધા જ સંપ્રદાયો, પેટા-સંપ્રદાયો, પંથો વગેરે ચાલુ રહે, વધતા રહે અને પાયાની મૂળભૂત એકતા થાય એ શક્ય નથી. હા, બહુ-બહુ તો ચૂંટણીઓ પૂરતી એકતા લાવી શકાય, પણ એથી પાયાનું કામ થવાનું નથી. પાયાનું કામ તો નવા સંપ્રદાયો થતા રોકી શકાય અને જે છે એમને સંક્ષિપ્તીકરણ કરી શકાય એ જ છે. આ માટે સૌકોઈએ જાગૃત થવું પડશે. અગાઉ મેં કહ્યું એમ આસ્તિકોએ સમજવું પડશે કે ઈશ્વર માટે જ એક થવાનું છે અને સંપ્રદાયોને એક કરતા જવાના છે તો નાસ્તિકોએ પણ સમજવું પડશે કે વધી રહેલા સંપ્રદાયોને લીધે એકતામાં વિભાજનો દેખાઈ રહ્યાં છે. શ્રદ્ધાળુઓએ આસ્થાને એક દિશામાં અકબંધ રાખવા માટે સમજવું પડશે અને અંધશ્રદ્ધાળુઓએ પણ ઈશ્વરના ભાગલા પાડવાનું બંધ કરવું પડશે. સંપ્રદાયો જેટલા ઓછા એટલો ધાર્મિક તર્ક ઓછો લાગશે એ પણ ધર્મગુરુઓએ માનવું પડશે.
સંપ્રદાય વધે નહીં એ માટે જીવતાજીવ જ તેમણે પણ એ માટેની વ્યવસ્થા કરવી જોઈએ એવું પણ લાગે છે. જો એવી વ્યવસ્થા થાય તો પણ ભવિષ્યમાં સંપ્રદાય અને પેટા-સંપ્રદાયનો આંકડો મોટો જોવો ન પડે એવું બની શકે છે અને એ પણ જરૂરી તો છે જ, કારણ કે તમામ સંપ્રદાયો સનાતનમાંથી આવ્યા છે ત્યારે શું કામ અલગ સંપ્રદાયનો ચોકો પકડીને બેસી રહેવાનું?
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)