યુદ્ધ કરવું એ પણ કર્તવ્ય જ છે. આ કર્તવ્ય ભૂતકાળમાં ભારત ભૂલ્યું છે અને એને લીધે આપણા દેશે ઘણું સહન કરવું પડ્યું છે
ચપટી ધર્મ
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
મારી દૃષ્ટિએ સૌથી મહત્ત્વનો પ્રશ્ન જો કોઈ હોય તો એ છે રાષ્ટ્ર પર બહારથી કે અંદરથી આક્રમણ કરનારા શત્રુઓની હિંસાનો. એક વાત યાદ રાખજો કે એવું નથી કે એ હુમલાઓ પહેલાં જ થતા. ના, જરા પણ નહીં. ક્યારેય ભૂલવું નહીં કે રાષ્ટ્રો છે ત્યાં સુધી આક્રમણો થતાં રહેવાનાં જ. આક્રાન્તાને રોકવા, પાછો હઠાવવા તેના પર હુમલો કરવામાં સૈનિકો અને નાગરિકોની પણ હિંસા તો થતી જ હોય છે. એને રોકી શકાય? શાંતિ માટેના વાર્તાલાપ અને સમજણ વગેરે પડી ભાંગે પછી શું કરવું?
શ્રીમદ્ ભગવદગીતાની ભૂમિકા જ આ છે.
ADVERTISEMENT
શ્રીકૃષ્ણે દુર્યોધનને સમજાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા, પણ જ્યારે કોઈ રીતે દુર્યોધન માન્યો નહીં ત્યારે યુદ્ધ અનિવાર્ય થઈ ગયું. આવું યુદ્ધ રોકી શકાય નહીં. ખરી વાત તો એ છે કે યુદ્ધ કરવાના સમયે જો યુદ્ધ કરવામાં ન આવે તો પાછળથી પ્રશ્નો ઘણા વિકરાળ થઈ જતા હોય છે. યુદ્ધ કરવું એ પણ કર્તવ્ય જ છે. આ કર્તવ્ય ભૂતકાળમાં ભારત ભૂલ્યું છે અને એને લીધે આપણા દેશે ઘણું સહન કરવું પડ્યું છે, પણ ભલું થજો કે હવે એવું રહ્યું નથી. જરૂર પડે ત્યારે કોઈની સાડીબારી રાખ્યા વિના આપણે હુમલો કરીએ છીએ અને જડબાતોડ જવાબ પણ દુશ્મનને આપીએ છીએ. એ આપણાં સદનસીબ (જ) છે જે પહેલાં દુર્ભાગ્ય હતાં.
આ પણ વાંચો: ધર્મની વ્યાખ્યામાં આપણે જડ થઈ ગયા છીએ
આગળ કહ્યું એમ યુદ્ધ કરવું એ પણ કર્તવ્ય જ છે અને ભગવદગીતાએ એને દુર્લભ તત્ત્વ માન્યું છે. ભાગ્યશાળી ક્ષત્રિયો જ યુદ્ધને પ્રાપ્ત કરતા હોય છે. એટલે જ શાસ્ત્રોમાં કહેવાયું છે : સુખિન: ક્ષત્રિયા: પાર્થ લભતે યુદ્ધમિશમ્.
કેટલીક વાર આક્રમણને રોકવા માટે પણ આક્રમણ કરવું જરૂરી થઈ જતું હોય છે. હિંસાને રોકવા માટે પણ ઘણી વાર હિંસા કરવી જરૂરી થઈ જતી હોય છે. જો સમયસર હિંસા કરવામાં ન આવે તો પછી પરિણામસ્વરૂપે મોટી હિંસા ભોગવવી પડતી હોય છે. આપણા દેશે એવી મોટી હિંસા પણ ભૂતકાળમાં જોવી પડી છે.
ઘણા ચુસ્ત અહિંસાવાદીઓ વારંવાર મહાત્મા ગાંધીજીની દુહાઈ આપીને કહેતા હોય છે કે અંગ્રેજો જેવી મહાસત્તાને ગાંધીજીએ અહિંસાના શસ્ત્રથી દેશની બહાર કાઢી અને દેશને આઝાદ કરાવ્યો. આ વાત અર્ધસત્ય છે. ગાંધીજીએ માત્ર અહિંસાનું જ શસ્ત્ર વાપર્યું નહોતું, પણ તેમનું ખરું શસ્ત્ર અસહયોગનું હતું. જો પ્રજા શાસકની સાથે સતત અસહયોગ કરે તો શાસક શાસન કરી શકે નહીં. આ જ વિષય પર બીજો પણ એક મુદ્દો છે જે અગત્યનો છે, પણ એની વાત કરીએ આવતી કાલે.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)