ભારતીય સંસ્કૃતિમાં કેટલાક મસાલાઓને માત્ર રસોઈ માટે જ નહીં પણ ધન-સંપત્તિ આકર્ષવા માટે પણ મહત્ત્વ આપવામાં આવ્યું છે. તજ, એલચી અને કેસર એવા ત્રણ પાવન મસાલા છે
પ્રતીકાત્મક તસવીર
ભારત એવી ધરતી છે જ્યાં દરેક વસ્તુમાં અધ્યાત્મ છે — ભોજનમાં, સુગંધમાં, રંગમાં અને ઊર્જામાં. અહીં રોજિંદી રસોઈમાં વપરાતા મસાલાઓને પણ શ્રદ્ધા અને શક્તિથી જોડવામાં આવ્યા છે. હિન્દુ ધર્મ અને આયુર્વેદનાં શાસ્ત્રોમાં ખાસ કરીને ત્રણ મસાલાઓ — તજ, એલચી, અને કેસરને એવાં તત્ત્વો માનવામાં આવે છે જે જીવનમાં સમૃદ્ધિ, શાંતિ અને શુભને આકર્ષવાનું સામર્થ્ય ધરાવે છે. ચાલો, જાણીએ કે કેવી રીતે આ ત્રણેય મસાલાઓ જીવનને ધન્ય બનાવે છે.
તજ (દાલચીની) - આગ જેવી શક્તિ અને ધનલાભ : તજ સૂર્ય ઊર્જા સાથે સંકળાયેલો મસાલો છે જે શક્તિ, સમૃદ્ધિ અને જીવનઊર્જા સાથે સંકળાયેલો છે. તજને જીવનમાં વિકાસ, ઊર્જા અને ધનસંચય માટે ખૂબ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. અનેક વસ્તુઓમાં વપરાતો આ મસાલો ફક્ત એની સુગંધ માટે જ નહીં પણ એના અનેક ગુણોને લીધે પણ વખણાય છે. તજના ઉપયોગની ગાથા આયુર્વેદ પણ સતત કરતું જ રહે છે. આયુર્વેદિક શાસ્ત્રોમાં એને ‘અગ્નિ તત્ત્વ’નું પ્રતીક માનવામાં આવે છે.
ADVERTISEMENT
હિન્દુ સંસ્કૃતિ મુજબ એવું માનવામાં આવે છે કે એનાથી ઘરમાં ધનલાભ રહે છે અને સારા નસીબને આકર્ષી શકાય છે. ફેન્ગશુઇ અને વાસ્તુશાસ્ત્ર મુજબ એવું માનવામાં આવે છે કે તજની મીઠી અને સુગંધી સુવાસ ઘરને સકારાત્મક ઊર્જાથી ભરી દે છે. અમુક લોકો તજની લાકડીને બાળીને ઘરની નકારાત્મક ઊર્જાને ભગાડે છે તો અમુક લોકો પોતાના પીણામાં તજનો પાઉડર ઉમેરીને ધનલાભનો પ્રવાહ પોતાના તરફ આકર્ષે છે. એને ઘરના પર્સ કે તિજોરીમાં રાખવાથી અચાનક મળતા ધનનો માર્ગ ખૂલતો જોવા મળે છે. અમુક લોકો એવું પણ માને છે કે દર ગુરુવારે દાલચીનીનો ધૂપ કરવાથી ઘરમાં લક્ષ્મીજીનું સ્થાન બને છે અને ઘરના સભ્યો વચ્ચેની ખટપટ દૂર થાય છે.
એલચી - મીઠાશ, સૌહાર્દ અને સંવાદિતાનું પ્રતીક : એલચી મસાલાઓની રાણી છે. એને ‘મીઠાશનું તત્ત્વ’ કહેવાય છે. એલચીના સાત્ત્વિક ગુણો જ કહી દે છે કે એ નકારાત્મક ઊર્જાનો નાશ કરનાર મસાલો છે. એ મીઠાશ અને સંવાદિતા લાવે છે, જે કોઈ પણ વ્યવસાય કે સંબંધમાં સમૃદ્ધિ માટે આવશ્યક છે. એ સારી કિસ્મત અને સકારાત્મક ઊર્જાને આકર્ષનારી માનવામાં આવે છે જે ધનલાભ અને સમૃદ્ધિ લાવે છે. મોટા ભાગે એનો ઉપયોગ ઘરમાં વપરાતા ઑઇલ ડિફ્યુઝર કે એવી કોઈ સુગંધી વસ્તુમાં થાય છે. હિન્દુ શાસ્ત્રો મુજબ કહેવાય છે કે લક્ષ્મીજીને લીલી એલચી ખાસ પ્રિય છે અને દેવતાને પ્રસાદરૂપે આપવામાં આવતી મીઠાઈમાં એલચી હોવી એ સમૃદ્ધિ માટે શુભ માનવામાં આવે છે. અમુક લોકો એલચીને પોતાના વૉલેટ અથવા કૅશ-ડ્રૉઅરમાં રાખવાથી ધનને આકર્ષી શકાય છે એવું માને છે. વસ્તુ અને અધ્યાત્મ બન્નેને આકર્ષવા માટે એલચી મહત્ત્વનો મસાલો સાબિત થાય છે. વાસ્તુ મુજબ એલચીના બેથી ત્રણ દાણા નાઇલૉન કે રેશમી કપડામાં મૂકી એને ઘરના પૂર્વ-ઉત્તર ખૂણામાં રાખવાથી ઘરમાં શાંતિ અને ધનના દરવાજા ખોલે છે. જોકે આ માટે વાસ્તુ-નિષ્ણાતોની સલાહ લેવી વધુ યોગ્ય રહે.
કેસર - પવિત્રતાની નિશાની : કેસરને પવિત્રતાનું કેન્દ્રબિંદુ માનવામાં આવે છે. આ સૌથી મોંઘો મસાલો છે એટલે સમૃદ્ધિ, ધન અને પવિત્રતા સાથે જોડાયેલો છે. આધ્યાત્મિક દૃષ્ટિએ એ ખૂબ શક્તિશાળી મસાલો છે. એની ખુશ્બૂ મન અને માહોલ બન્નેને શુદ્ધ કરે છે. હિન્દુ સંસ્કૃતિમાં એનો નાતો પાવન રિવાજોમાં જોવા મળે છે. ખાસ કરીને એ લક્ષ્મીપૂજામાં વપરાય છે. એનો સોનેરી કલર જીવનના સુવર્ણ અવસરોનું પ્રતીક છે એટલે જ એ ધન અને સમૃદ્ધિને આકર્ષે છે. એ વૈભવવિલાસનું પ્રતીક છે. ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીને તિલક કરવા માટે કેસરનો પાઉડર પાણીમાં ઉકાળીને વપરાય છે. દિવાળીના દિવસે ઘરના દરવાજા પાસે કેસર પાણી છાંટવાથી લક્ષ્મીજી ઘરમાં પ્રવેશ કરે છે એવું માનવામાં આવે છે. કેસર સાથે યોગધ્યાન કરવાથી ચિત્ત શાંત બને છે.

