એક રીતે જોઈએ તો આધ્યાત્મના જ્ઞાનનો દુરુપયોગ થયો કહેવાય. આવા વાડાબંધી અને વ્યક્તિબંધી લોકોથી બચવું જોઈએ. લોકોને બચાવવા જોઈએ. આ અનિષ્ટ માર્ગ છે. હવે સ્વભાવિકપણે મનમાં પ્રશ્ન જન્મે કે સાચો માર્ગ કયો?
શાસ્ત્ર અને અનુભવ એમ દ્વિમુખી જ્ઞાન અગત્યનું છે (પ્રતીકાત્મક તસવીર)
મનુષ્યનાં અનેક અંગોમાં મહત્ત્વનું અંગ છે મગજ અને મગજની સાથે જોડાયેલું તત્ત્વ છે જિજ્ઞાસા એટલે કે નવું-નવું જાણવાની ઇચ્છા. આવી ઇચ્છા પૂરી કરવા જિજ્ઞાસુ માણસ એ વિષયના જ્ઞાતા પાસે જતો હોય છે. જ્ઞાન-વિજ્ઞાનની અસંખ્ય શાખાઓ છે. બધા માણસો બધી શાખાઓમાં પારંગત થઈ શકતા નથી, પણ પોતપોતાની રુચિની શાખાઓમાં પ્રગતિ કરવા માટે જે સંબંધ બંધાય છે એમાં શ્રદ્ધાની બહુ જરૂર રહેતી નથી. વિનયની જરૂર રહે છે, પણ ધાર્મિક કે આધ્યાત્મિક ક્ષેત્રમાં જ્ઞાન-વિજ્ઞાન માટે શ્રદ્ધાની જરૂર રહે છે. ભગવદ્ગીતામાં કહેવાયું છે ઃ શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ.
અર્થાત્ એક શિષ્ય જ્ઞાનપ્રાપ્તિ માટે કોઈ આચાર્ય કે ગુરુની પાસે જાય છે અને આ રીતે તેમનો સંબંધ બંધાય છે. પ્રથમ તો એ જોવાનું કે તે જેની પાસે જાય છે તેની પાસે ખરેખર જ્ઞાન છે કે નહીં? મોટા ભાગે જે જ્ઞાની નથી હોતો તે પ્રચારના જોરે ટોળેટોળાં ભેગાં કરવાની ક્ષમતા રાખતો હોય છે અને જ્ઞાનની જગ્યાએ તેને ગુરુભક્તિ અને ગુરુને ઈશ્વર સમાન ગણવાનો ઉપદેશ અપાય છે. આ ખાલી કૂવે પાણી પીવા જેવી વાત છે. ખાલી કૂવા પાસે માણસ પાણી પીધા વિના પાછો ફરતો હોય છે એટલું તો સારું છે, પણ અહીં તો માણસને ખાલી કૂવા સાથે સજ્જડ બાંધી દેવામાં આવે છે, જેથી પેલો પાછો ફરી શકતો નથી અને ખાલી કૂવાથી જીવનભર બંધાયેલો રહે છે. પાણી વિના પણ તેને પાણીનો ભાવ બતાવવામાં આવે છે. તેની પૂરેપૂરી શ્રદ્ધાને એકમાત્ર ગુરુલક્ષી બનાવી દેવાય છે એટલે ઘણી વાર તે પરિવાર અને ધંધા-રોજગારના કામનો પણ રહેતો નથી. એક રીતે જોઈએ તો આધ્યાત્મના જ્ઞાનનો દુરુપયોગ થયો કહેવાય. આવા વાડાબંધી અને વ્યક્તિબંધી લોકોથી બચવું જોઈએ. લોકોને બચાવવા જોઈએ. આ અનિષ્ટ માર્ગ છે. હવે સ્વભાવિકપણે મનમાં પ્રશ્ન જન્મે કે સાચો માર્ગ કયો?
જે ખરેખર જ્ઞાની છે, ભક્ત છે, કર્મઠ છે અને પરમાર્થી પણ છે, જેને કોઈ વાડો નથી, જે ગમે એવાં ટોળાંમાં રાચતો નથી, જેકોઈ તરકટ કે છળ કરતો નથી, પોતાની અલ્પતાનો જે સ્વીકાર કરી શકે છે, જે પોતાની કમજોરી અને દોષોનો પણ એકરાર કરી શકે છે, જે પ્રૉપગૅન્ડાથી મુક્ત રહે છે, જેને કશું આર્થિક પ્રલોભન નથી, જે વાસ્તવવાદી થઈને પ્રશ્નોને ઉકેલે છે, જે કોઈને ઘરભંગ કરાવતો નથી, ઊલટાનું ભાંગેલું ઘર જોડાવે છે, જે ત્યાગ-વૈરાગ્ય કરતાં કર્તવ્યને વધુ મહત્ત્વ આપે છે એવી કોઈ નિ:સ્પૃહ વ્યક્તિ પાસેથી જ્ઞાન-વિજ્ઞાન મેળવી શકાય તો એ ઉત્તમ છે. આવી વ્યક્તિ પ્રત્યે શ્રદ્ધાની સાથે વિનય-વિવેક રાખવો પણ જરૂરી છે. અહંકારી, તુંડમિજાજી, ઉચ્છૃંખલ જેવા દોષવાળા માણસો જિજ્ઞાસા હોવા છતાં અને કોઈ સાચો જ્ઞાની મળ્યા છતાં જ્ઞાન પ્રાપ્ત કરી શકતા નથી.