અતિરેક વિનાનો યથાયોગ્ય સ્વાદ સ્વીકારવો એ તન-મનના આરોગ્ય માટે હિતાવહ છે
ચપટી ધર્મ
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)
ગઈ કાલે કહ્યું એમ, આજે તમને મારા સ્વાદત્યાગના અનુભવની વાત કરવાની છે.
મેં વર્ષો સુધી માત્ર મસાલા વિનાની મગની દાળ અને રોટલી જ ખાધી હતી, પણ એ મારી ભૂલ હતી એવું મને આજે સમજાય છે, કારણ કે એનાથી પૂરતાં પોષક તત્ત્વો મળતાં નહીં. જ્યારથી હું શાકાહારી બધાં તત્ત્વો ખાવા માંડ્યો અને મસાલાનો પૂરતો ઉપયોગ શરૂ કર્યો ત્યારથી મારું શરીર અપેક્ષાકૃત વધુ સ્વસ્થ અને બળવાન બન્યું છે. મને થયું કે ત્યાગના નામે ચાલતી અનેક ભ્રામક પદ્ધતિઓથી લોકો અને ખાસ કરીને યુવાનો બહુ ખરાબ રીતે અને ગેરવાજબીપણે ગુમરાહ થઈ રહ્યા છે, જેમાં સ્વાદ વિનાનું ભોજન પણ એક ગુમરાહી છે. એનાથી લોકોને, ખાસ કરીને સાધક યુવક-યુવતીઓને બચાવવાં જોઈએ, દૂર કરવાં જોઈએ. આ કાર્ય કરવા જતાં શું આડઅસર આવી શકે એની ગંભીરતાની મને ખબર છે અને એ પછી પણ હું એ જ કહેવા માગું છું કે સ્વાદત્યાગ કરવાથી ધર્મ તમને આવકારી લે એ વાતમાં કોઈ માલ નથી જ નથી.
ADVERTISEMENT
હા, સ્વાદલોલુપતા કે સ્વાદ અકરાંતિયાપણું સારું નથી, એનાથી બચવું જોઈએ. સમય પર, પરિસ્થિતિવશ અસ્વાદુ કે બેસ્વાદુ ભોજન કરવું પડે તો એ પણ પ્રેમથી કરી લેવાની માનસિક તૈયારી હોવી જરૂરી છે, પણ એને આજીવન સ્વીકારવાનું ક્યાંય કોઈએ કહ્યું નથી. તામસી ખોરાકની વાત વાજબી રીતે યોગ્ય છે, પણ એ તામસી ખોરાક સાથે લાગુ પડે છે. આજે પણ આલ્કોહૉલના સેવન માટે ના પાડવામાં આવે છે તો એ વાત પણ આપણા દેશમાં સમજી શકાય, પણ સ્વાદત્યાગની વાત તો દૂર-દૂર સુધી ગેરવાજબી છે.
તમે જુઓ, આપણા ભગવાન પણ સ્વાદત્યાગી નથી. તેમના થાળમાં અનેક સ્વાદિષ્ટ વાનગીઓ મુકાય છે. કોઈ થાળ ગવાતો સાંભળો તો ખબર પડે કે કેટલી બધી વાનગીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને કોઈ વાર અન્નકૂટ કે છપ્પનભોગ જુઓ તો પણ ખ્યાલ આવે. સ્વાદત્યાગ કરવાથી ત્યાગી થઈ જવાતું નથી. અતિરેક વિનાનો યથાયોગ્ય સ્વાદ સ્વીકારવો એ તન-મનના આરોગ્ય માટે હિતાવહ છે. સ્વાદ સ્વીકારીને પણ જો આહારને લગતા વાજબી નિયમોનું પાલન કરશો તો સ્વાસ્થ્ય સુધરશે, પણ સ્વાદત્યાગથી ઈશ્વર તમારા પર વરસી પડે કે ધર્મ તમને સહર્ષ આવકારે એ વાતમાં કોઈ ભલીવાર નથી. આવું લખનારાને એ સમયે વૈદ્યોએ ના પાડી હશે એટલે તેણે એ મુજબની સૂચના સૌકોઈને આપી દીધી એનાથી વિશેષ આ વાતમાં કોઈ તર્ક પણ સાંપડતો નથી, માટે સ્વાદત્યાગ નહીં, પણ સ્વાદના અતિરેકનો ત્યાગ કરી સ્વસ્થ જીવન અપનાવો એ મહત્ત્વનું છે.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)