ઇતિહાસ આંખ સામે હોવા છતાં કોઈ પદાર્થપાઠ નહીં લેવાને લીધે હવે વિધર્મી અને સધર્મી બન્નેના હાથે એ લૂંટાશે એવો ભય ઊભો થયો છે.
ચપટી ધર્મ
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
હું જ્યારે કોઈ મંદિરમાં દર્શન કરવા જાઉં અને નખશિખ સોને મઢેલી પ્રતિમા જોઉં અને એ પછી જોઉં કે મજબૂત લોખંડની જાળી બંધ કરીને એના પર લગાડેલું ખાસ્સું મોટું તાળું માર્યું છે. કેટલીક જગ્યાએ તો બબ્બે, ત્રણ-ત્રણ તાળાં પણ લગાડેલાં દેખાય છે. આવું જોઈએ ત્યારે સહજ રીતે મોઢામાંથી નીકળી જાય કે ભગવાન, તારાં નસીબ ફૂટ્યાં કે તું આ અનાડીઓના હાથમાં પડ્યો. આટલાં મોટાં તાળાં તો ખૂનના કેદીઓને પણ લગાડવામાં આવતાં નથી!
મંદિરો તથા ધર્મસ્થાનોમાં ભેગી થયેલી તથા ભેગી થતી સંપત્તિને માત્ર ડેડ-કૅપિટલ એટલે કે મરેલી, ઊપજ નહીં આપતી મૂડી બનાવવાને બદલે જો એને લાઇવ-કૅપિટલ અર્થાત્ જીવંત કે પછી કહો કે પ્રવાહી મૂડી બનાવવામાં નહીં આવે તો આ ઐશ્વર્ય સામે બહુ મોટો પડકાર આવશે. ભૂતકાળમાં એ વિધર્મીઓના હાથમાં લૂંટાતી-ચૂંથાતી રહી, પણ આપણે કોઈ બોધપાઠ ન લઈ શક્યા, જેને લીધે આપણે ઐશ્વર્ય ગુમાવવાનો વારો આવ્યો. ઇતિહાસ આંખ સામે હોવા છતાં કોઈ પદાર્થપાઠ નહીં લેવાને લીધે હવે વિધર્મી અને સધર્મી બન્નેના હાથે એ લૂંટાશે એવો ભય ઊભો થયો છે.
એવું ન થવા દેવું હોય તો સમય રહેતાં આ સંપત્તિને અનુયાયીઓ માટેના આવાસ બાંધવાથી માંડીને રોજી-રોટીનાં ક્ષેત્રો ખોલવા, હૉસ્પિટલો, શિષ્યવૃત્તિઓ, વિધવા-અનાથ લોકો માટે આશ્રયસ્થાનો બાંધવા જેવાં કાર્યો તરફ વાળવામાં આવે એ જરૂરી છે. એમાં જ સમાજનું ઉત્થાન છે. જો આવું થશે તો ધર્મ વધુ ને વધુ તેજસ્વી બનશે. ધર્મની ટીકા કરનારા પણ એની પ્રશંસા કરતા થશે અને ધર્મમાં રસ લેતા પણ બનશે.
હિન્દુ પ્રજા વિશ્વની કોઈ પણ પ્રજા કરતાં ઓછું દાન નથી આપતી, પણ અફસોસ એ વાતનો છે કે એનું અઢળક દાન યજ્ઞો, સપ્તાહો, સામૈયાઓમાં જાય છે અને કાં તો ધૂર્ત, ઠગ, પાખંડી અને બની બેઠેલા સાધુબાવાઓમાં બરબાદ થઈ જાય છે.
જો એને સમાજલક્ષી અને હેતુલક્ષી બનાવવામાં આવે તો ધર્મસ્થાનોની સંપત્તિ પોતપોતાના અનુયાયીઓને અહીં જીવતાં જ સ્વર્ગની અનુભૂતિ કરાવનારી થઈ જાય. એ કરાવવા માટે સજાગ થવું પડશે અને સજાગ બનીને નિર્ણયો લેવા પડશે. આવો નિર્ણય લેવામાં અડચણ આવશે, પણ અભિગમ બદલવો હશે, સમાજને સાચી દિશામાં વાળવો હશે તો એ અડચણનો સામનો કરવો પડશે અને એને પાર પણ કરવી પડશે. અડચણ સામે અટકી જઈએ તો ક્યારેય અભિગમ બદલાય નહીં. અભિગમ બદલવા દૃઢતા જોઈએ અને ભૂલવું નહીં કે દૃઢતા થકી જ અભિગમ બદલી શકાય, માટે હવે અડચણોનો સામનો કરીને પણ સાચો માર્ગ પકડવો પડશે.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)