ફ્લૅટોમાં કે સોસાયટીઓમાં રહેનાર માટે જગ્યા ક્યાં? ઘાસની વ્યવસ્થા ક્યાં અને એ સંઘરવાની વ્યવસ્થા ક્યાં
ચપટી ધર્મ
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
પશ્ચિમમાં મેં જોયું છે કે કંકાલ પશુ ક્યાંય માર્ગ પર તો શું ખેતરોમાં પણ જોવા ન મળે. જે ટ્રકોમાં ભરીને ઘેટાં કતલખાને લઈ જવાતાં હોય એ ટ્રકોની પાછળ દાણની ગૂણો બાંધેલી હોય. કાયદો એવો કે દર ચાર કલાકે ટ્રક ઊભી રાખવાની. પેલાં ઘેટાંઓને દાણ ખવડાવવાનું, પાણી પિવડાવવાનું અને પછી આગળ ચાલવાનું. એમને કાપી નાખવાનાં છે, પણ મરતાં પહેલાં રિબાવવાનાં નથી. ‘ઍનિમલ લૉ’ કામ કરે છે. આપણે ત્યાં છેક રાજસ્થાનમાંથી ઘેટાં ભરેલી ટ્રકો મુંબઈ આવવા નીકળે છે. ભૂખ્યાં અને તરસ્યાં, ઠાંસી-ઠાંસી ભરેલાં બિચારાં મૂંગાં પશુઓ કેટલાં રિબાય? કોઈને કશી પડી નથી. કેટલાંય રસ્તામાં મરી જાય તો રોડ પર ફેંકી દેવામાં આવે. કોઈને કશી અરેરાટી થતી નથી. એવું પણ સાંભળ્યું છે કે ગાયોને કોથળાની માફક એકબીજાની ઉપર થપ્પી મારીને અને હાથ-પગ બાંધીને છેક કતલખાનાં સુધી લઈ જવાય છે. એમનો વધ કરવા પર અહીં પ્રતિબંધ છે એટલે જ્યાં પ્રતિબંધ નથી ત્યાં લઈ જવાય. આવી ક્રૂરતા વિશ્વમાં ક્યાંય જોવા નહીં મળે. મને લાગે છે કે રિબામણીની દૃષ્ટિએ આપણે મહાપાપી છીએ.
આ પણ વાંચો : રિબામણીને પાપ નથી માનતા, એનો આઘાત પણ નથી
ADVERTISEMENT
કેટલાક ભાવુક લોકો એવું માને છે કે બધાએ એક-એક ગાય પાળવી જોઈએ. પહેલાં તો આ વ્યાવહારિક નથી. ફ્લૅટોમાં કે સોસાયટીઓમાં રહેનાર માટે જગ્યા ક્યાં? ઘાસની વ્યવસ્થા ક્યાં અને એ સંઘરવાની વ્યવસ્થા ક્યાં? એને દોહવાની તો વાત જ જુદી. ઢોરાં પાછળ ઢોરાં જેવા થાવ તો ઢોરું રાખી શકાય. આખો દિવસ એને ચાર-પૂળો-પાણીની માવજત કરનાર ક્યાં? સૌથી મહત્ત્વનો પ્રશ્ન એ કે એ આર્થિક રીતે પોસાય એમ છે? જ્યાં સુધી બબ્બે લિટર દૂધવાળાં ઢોરાં હશે ત્યાં સુધી પોસાવાનાં નથી. એમના સૂકા દિવસોનું શું? માનો કે એક ગાય પાંચ-સાત મહિને માંડ દૂધ આપે અને બીજા પાંચ-સાત મહિના સૂકા કાઢે તો આ સૂકા દિવસોનું શું? કેટલીક ભેંસો તો ત્રણ-ત્રણ વર્ષ સુધી બંધાતી નથી અર્થાત્ તેમનો સૂકો પિરિયડ ત્રણ-ચાર વર્ષનો રહે તો શું કરવાનું?
જ્યાં સુધી આર્થિક રીતે ઢોર પોસાય નહીં ત્યાં સુધી ગમે એટલી આદર્શની વાતો કરો તો એ કદી વ્યાવહારિક થઈ શકવાની નથી. ખરેખર તો જેમની પાસે ખેતીની જમીન નથી તે ઢોરાં રાખી શકે જ નહીં. માનો કે અમદાવાદમાં ચાલીસ લાખની વસ્તી છે. સરેરાશ પ્રમાણે ચાર માણસે એક ઘર હોય તો દસ લાખ ઘર છે. પ્રત્યેક ઘરમાં એક-એક ઢોર રાખીએ તો પણ દસ લાખ ઢોરાં થાય. એમના માટે ઘાસ-ચારો-પાણી-રહેઠાણની વ્યવસ્થા થઈ શકે જ નહીં. એમાંનાં દસમા ભાગનાં પણ રસ્તા પર આવી જાય તો એક લાખ ઢોરાં રસ્તાને બંધ કરી દે અને આમાં પ્રતિવર્ષ બચ્ચાંની સંખ્યા ઉમેરાતી રહે.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)