સામર્થ્ય હોય ત્યાં સુધી વાસના ભોગવવી જોઈએ, કારણ કે વાસનાને સતત દબાવવાથી શારીરિક અને માનસિક હાનિ થાય છે
ચપટી ધર્મ
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)
મોક્ષ માટે ગૃહત્યાગ પર પ્રથમ ભાર મૂકવાનું કામ વર્ણાશ્રમ ધર્મે મૂક્યો. એણે કહ્યું કે ૫૦ વર્ષ થતાં જ પતિ-પત્નીએ ઘર છોડીને વનમાં જવું. વનમાં જઈને પર્ણકુટી બાંધીને રહેવું તથા હોમ-હવન કરીને વાનપ્રસ્થાશ્રમનું સંયમિત જીવન જીવવું. જરા વિચાર કરો કે નગર, કસ્બો કે ગામમાં રહેનારો માણસ પોતાનું ભર્યું-ભાદર્યું ઘર છોડીને હિંસક પ્રાણીઓ અને મચ્છર વગેરે જીવજંતુઓવાળા વનમાં શા માટે જાય? ત્યાં ભયંકર અગવડમાં રહેવાથી શું મળવાનું હતું? લોકો સાથેનો જીવનતંતુ તોડી નાખીને એક રીતે તેમનું જીવન જ કપાઈ જાય છે. ૫૦ વર્ષની ઉંમરે કામવાસના પૂરી થતી નથી અને એક હકીકત એ પણ છે કે માણસમાં એ ક્યારેય પૂરી થતી નથી. પતિ-પત્ની સાથે રહીને સંયમ પાળે એ શક્ય નથી, એની જરૂર પણ નથી, એમ કરવા જતાં ઊલટાનું વધારે ટેન્શન થઈ શકે છે.
અગ્નિ અને ઘીને સાથે રાખીને કહેવું કે તમે પીગળશો નહીં અને પીગળે તો પછી અપરાધભાવ સાથે ગ્લાનિપૂર્ણ જીવન જીવવું એ જીવનદ્રોહ જ કહેવાય. અહીં સુધી તો કદાચ તોય ઠીક, પણ જ્યારે તેઓને ૭પ વર્ષ થાય ત્યારે પુરુષે પત્નીનો ત્યાગ કરીને સંન્યાસ લેવો. પ્રશ્ન એ છે કે હવે પત્નીનું શું થશે? આ પ્રશ્ન પાછળનું કારણ પણ શાસ્ત્રો જ છે, જે કહે છે કે સ્ત્રીઓને સંન્યાસ લેવાનો અધિકાર નથી. અહીં ફરી નવો મુદ્દો જન્મે છે. ૭પ વર્ષની ડોસીને છોડીને પુરુષ સંન્યાસ લે અને મોક્ષ મેળવે તો સ્ત્રીના મોક્ષનું શું? માન્યતા તો એવી છે કે સ્ત્રીને મોક્ષ પણ નથી, કારણ કે તેને સંન્યાસનો અધિકાર નથી અને સંન્યાસ વિના મોક્ષ નથી. હવે આ એકલી ડોસી વનમાં કેવી રીતે જીવન જીવશે? તો શું તેણે પોતાના પુત્રો પાસે પાછું નગરમાં આવી જવું? જો એવું જ હોય તો પછી વનમાં જવાનો અર્થ શો રહ્યો? અને પેલા સંન્યાસ લીધેલા માણસે જીવનનિર્વાહ કરવા માટે પણ નગરમાં ગૃહસ્થોના ઘરેથી ભિક્ષા લેવા તો આવવું જ પડે. કહેવાની જરૂર નથી કે આ બધું અવ્યાવહારિક અને અકુદરતી હતું એટલે માત્ર પુસ્તકોમાં જ લખાયેલું રહી ગયું. વાસ્તવિક જીવનમાં એને ઉતારી શકાયું નહીં.
ADVERTISEMENT
ખરેખર તો જીવનભર પતિ-પત્નીએ સાથે રહેવું જોઈએ. પાછલી જિંદગીમાં એકબીજાની હૂંફ બનવી જોઈએ. સામર્થ્ય હોય ત્યાં સુધી વાસના ભોગવવી જોઈએ, કારણ કે વાસનાને સતત દબાવવાથી શારીરિક અને માનસિક હાનિ થાય છે. જેનું સામર્થ્ય દીર્ઘકાળ સુધી ટકી શકે છે, એ ધન્ય દંપતી છે. તેમનાં તન-મન બીજાની તુલનામાં ઘણાં સારાં હશે અને તેઓ લાંબું જીવન જીવશે. આ સાચો કુદરતી માર્ગ છે. કદાચ પરિવાર સાથે અનુકૂળતા ન રહે તો અલગ રહે, લોકોની સેવા કરે અને સમાજ-રાષ્ટ્ર માટે કંઈક કરી છૂટે.