સરકારી ઑફિસમાં મુલાકાત માટે માણસો બહાર તપતા હોય. પ્રાઇવેટ નોકરીમાં પણ એવું જ હોય.
પ્રતીકાત્મક તસવીર
સમયની બાબતમાં પણ આપણે બહુ આળસુ છીએ. તમે જુઓ, ઑફિસમાં તો આવું બહુ જોવા મળશે. સમય કરતાં જેમ બને એમ મોડા આવવાની અને સમય કરતાં વહેલા ચાલ્યા જવાની કુટેવ હવે રુઆબ તથા સામર્થ્યનું પ્રતીક બની ગઈ છે. ઑફિસમાં નજર કરો. આવવાનો ટાઇમ હોય ૧૧ વાગ્યાનો, પણ જુઓ ૧૧ વાગી ગયા છે, પણ દેખાય છે કોઈ? સૌની પાસે મોડા પડવાનું કારણ હોય જ છે.
જો આ જ લોકોને તમે ઇંગ્લૅન્ડ-અમેરિકા લઈ જાઓ તો બધી જગ્યાએ સમયસર પહોંચતા થઈ જાય, કારણ કે ત્યાં બિલકુલ ચલાવી લેવાતું નથી. ચાલો, માણસ ક્યારેક મોડો પડ્યો હોય તો સમજી શકાય, પણ કાયમ મોડા અને હંમેશાં મોડા! માની લીધું કે કાયમ મોડા આવે છે, પણ આ જુઓ, કેવી નિરાંતે કામ ચાલે છે. માણસ મોડા આવીને પણ જો ઝડપથી કામે વળગી બધાં કામ ફટાફટ પતાવતો હોય તો પણ સમજાય. પણ ના રે, હજી તો એ ભાઈ આરામથી ઑફિસમાં ફરશે, બધાને મળશે, વાતોના ચોક્કા-છક્કા મારશે, પછી જઈને પોતાના ટેબલ પર બેસી આરામથી પેપર વાંચશે, નવાજૂની અને રાજકારણની ચર્ચા થશે. એ બધું પત્યા પછી કામનું વિચારશે. અરે ઘણા તો ઑફિસ આવીને એકાદ સરસ ખુરસી પર બેસીને ઊંઘ ખેંચી લેશે, કારણ કે ગઈ કાલે ઘરે મહેમાન હતા એટલે ઉજાગરો થયો છે. ઑફિસમાં આવીને ઊંઘી જવાની કામગીરી બજાવવાનો જ પગાર તેમને માલિકો આપતા હોય એવું લાગે.
ADVERTISEMENT
સરકારી ઑફિસમાં મુલાકાત માટે માણસો બહાર તપતા હોય. પ્રાઇવેટ નોકરીમાં પણ એવું જ હોય. મળવા આવનારાઓ રીતસર કરગરતા હોય કે સાહેબ ક્યારે મળશે? પટાવાળો એક જ ઉત્તર આપે : ‘સાહેબ મહત્ત્વના કામમાં રોકાયેલા છે. કામ પતશે એટલે તરત તમને બોલાવશે.’
ઑફિસમાં કામ કરાવવા જનારની ઉપેક્ષા, તોછડાઈ, તિરસ્કાર, વારંવાર ધક્કા, અત્યંત વિલંબ જેવી અનેક કુટેવોથી આપણે ખદબદી રહ્યા છીએ. આનાથી આપણી શક્તિનો ક્ષય થાય છે, કાર્યોમાં અવરોધ થાય છે અને પ્રજાજીવનમાં નિરાશા તથા આક્રોશ ફેલાય છે. જો આ કુટેવને છોડી શકાય અને પ્રત્યેક વ્યક્તિ નિર્ધારિત સમયે કામે લાગી જાય અને સચ્ચાઈ, પ્રામાણિકતા અને પૂરી કુશળતાથી પોતાની જવાબદારીઓ પાર પાડે તો આ દેશ સ્વર્ગ બની જાય. આ દેશને નરક બનાવવામાં સૌથી વધુ ફાળો આ ખુરસીઓ આપી રહી છે. જો એને કુટેવોથી મુક્ત કરી શકાય તો બાકીનું બધું આપોઆપ થઈ જશે.

