દિનપ્રતિદિન ઉત્પત્તિ કરતાં નિવૃત્તિનો આંકડો વધતો જશે અને અત્યારે એવું જ થઈ રહ્યું છે
ચપટી ધર્મ
પ્રતીકાત્મક તસવીર
આપણે વાત કરવાની છે પશુઓની જીવનવ્યવસ્થા વિશે. આ વિષયને અમુક લોકોએ એટલો સંવેદનશીલ બનાવી દીધો છે કે લોકો વાત કરતાં પણ ડરે.આપણામાંથી કેટલાક દયાળુ લોકોએ પાંજરાપોળો ઊભી કરીને આ પ્રશ્નને ઉકેલવાનો પ્રયાસ કર્યો છે, પણ એ વ્યવસ્થા વિશે વાત કરવાને બદલે આપણે પહેલાં વાત કરીએ પશુઓની જીવનવ્યવસ્થા અંગે. પશુઓની જીવનવ્યવસ્થાને ત્રણ ભાગમાં વહેંચી શકાય.
એમાં પહેલાં નંબરે આવે ઉત્પત્તિનું પ્રમાણ, બીજા નંબરે આવશે ઉપયોગિતાનું પ્રમાણ અને ત્રીજા સ્થાને આવશે નિવૃત્તિનું પ્રમાણ. માનો કે આપણી પાસે એક કરોડ પશુ છે. એમાંથી પચાસેક લાખ માદાઓ પ્રતિવર્ષ સરેરાશ પચીસ લાખ નવાં બચ્ચાં પેદા કરે છે. આ બચ્ચાં ત્રીજા વર્ષે ફરી પાછાં ઉત્પાદક થાય છે. દસ-બાર વર્ષની ઉત્પાદકતા પછી તેઓ નિવૃત્ત થાય છે : અર્થાત્ માદા હોય તો દૂધ દેવાનું બંધ કરે છે અને નર હોય તો ખેતી કે પછી બીજા મહેનતના કામથી મુક્ત થાય છે.
ADVERTISEMENT
પંદરેક વર્ષનાં આ નિવૃત્ત પશુઓને જો પૂરેપૂરો ખોરાક મળે તો બીજાં પાંચ-દસ વર્ષ જીવી શકે છે. એક કરોડમાં સરેરાશ તેમનો રેશિયો પચ્ચીસેક લાખનો થઈ જાય. પચ્ચીસ લાખ બચ્ચાં, પચીસ લાખ નિવૃત્ત અને પચાસ લાખ ઉત્પાદક. આવી એ સ્થિતિનો અંદાજ લગાવી શકાય. આ કોઈ સચોટ કે પછી કોઈ પાસેથી મેળવેલા આંકડા નથી. આ એક અનુમાન છે જેના આધારે આખી વાતને સહજ અને સરળ રીતે સમજી કે સમજાવી શકાય.
આ જે આંકડા કહ્યા એમાં પણ નરમ હૃદય રાખવામાં આવ્યું છે. મારું અંગત માનવું છે કે આ આંકડાઓમાં ઉત્પાદકતાનો જે અનુમાનિત આંકડો મૂક્યો છે એ ઘણો ઓછો થઈ શકે એમ છે. હવે બાળકો અને નિવૃત્તોના આંકડામાં સંતુલન રહેશે નહીં. ભૂલતા નહીં કે માણસોનું આયુષ્ય વધતાં માણસોમાં પણ આ જ સ્થિતિ સર્જાઈ છે, પણ અત્યારે વાત છે પશુઓની એટલે આપણે એને આગળ વધારીએ.
દિનપ્રતિદિન ઉત્પત્તિ કરતાં નિવૃત્તિનો આંકડો વધતો જશે અને અત્યારે એવું જ થઈ રહ્યું છે. આ નિવૃત્ત ઢોરોની પૂરેપૂરી વ્યવસ્થા કરી શકાય એમ છે જ નહીં. લાંબું આયુષ્ય હોવાથી સમૃદ્ધિ નથી આવતી. કહ્યું એમ પાંજરાપોળો તો માત્ર એકાદ ટકાની જ વ્યવસ્થા કરી શકે છે. એ પણ ભાગ્યે જ ઉત્તમ વ્યવસ્થા કહી શકાય. મેં ઘણી એવી પાંજરાપોળો જોઈ છે જ્યાં રાખવામાં આવેલાં નિવૃત્ત ઢોરોની દશા જોઈને રાજી ન થવાય. ઇતરડીઓ, બીજી જીવાતો, તદ્દન અપૂરતો ખોરાક અને નોકરો હથ્થુ હોવાને કારણે ઊભી થયેલી અવ્યવસ્થા. આ બધાને કારણે જિવાડવા પૂરતાં તેમને જિવાડવામાં આવતાં હોય એવું લાગે છે.