આધુનિક વિચારધારાની સાથોસાથ સૌકોઈએ સમજવું જોઈએ કે આપણે ભલા અને આપણું ઘર ભલું. આ વૃત્તિ જ વિકાસ, સુખી અને શાંતિ આપશે.
પ્રતીકાત્મક તસવીર
શિષ્ટાચારની નાનામાં નાની વાત તમારા ધ્યાન પર મૂકવી છે, પણ એ પહેલાં તમે આ બહેનને જુઓ...
સાવ નવરાં છે એટલે આખો દિવસ આ ઘર ને પેલું ઘર ફર્યા કરે છે. તેમને ચારે તરફની વાતો જાણવામાં ભારે રસ છે અને જાણેલી વાતોને મસાલેદાર બનાવી એકબીજાના વિરોધીઓને પીરસવામાં પણ તેમને ખૂબ મજા પડે છે. મોટા ભાગે તેઓ કાનમાં મોઢું લઈ જઈને વાતો કરે અને જરાક કોઈને જોતાં જ વાતો બંધ કરી દે. બ્રહ્માંડનાં રહસ્યો કરતાં પણ તેમની પાસે ભારે રહસ્યો છે એટલે જ્યાં પણ તેમનું અસ્તિત્વ પહોંચી જાય ત્યાં કલહ, કજિયા, વિખવાદ, રાગ-દ્વેષ, ખટપટ અને એવું બધું આપોઆપ ફૂટી નીકળે. તેઓ ખરેખર કોઈનાં નથી થઈ શક્યાં, કારણ કે ખટપટમાં તેઓ કોઈને નથી છોડતાં, પોતાનો દીકરો કે દીકરાવહુ હોય તોય શું? પણ તેમનામાં એક કળા છે. તેઓ કોઈનાં ન હોવા છતાં સૌનાં છે એવો દેખાવ સારી રીતે કરી શકે છે. ખાસ કરીને કાચા કાનવાળા તો તેમને ગુરુ જ માને છે. તેમની વિનાશકારી વાણી સાંભળવા તેઓ તત્પર રહે છે. કબૂલ કે અઢળક વખત એવું પુરવાર થયું કે બૈરાંઓનો આ સ્વભાવ છે, પણ એનો અર્થ એવો પણ નથી થતો કે એ સ્વભાવમાં બદલાવ ન આવે. અહીં સત્ય એ છે કે એક હકીકતદોષ છે. આ બૈરાંઓનો સ્વભાવ નથી, આ કદાચ તેમની આદત છે. સ્વભાવ બદલવો આસાન છે, પણ આદત, લત બદલવા માટે કષ્ટ લેવું પડે. લત છોડવી અઘરી નથી જ નથી.
ADVERTISEMENT
જુઓને તમે, દારૂ અને ડ્રગ્સ જેવા કૅફી પીણાં અને દ્રવ્યોના સેવનની લતમાંથી પણ માણસ છુટકારો મેળવી શકે છે તો કૂથલી કરવાની કે એકબીજા વચ્ચે કાંડી કરવાની આ સ્વભાવગત લતમાંથી પણ બહાર આવવું ખોટું નથી, પણ એને માટે સજાગ થઈને પ્રયાસ કરવા પડે. ધ્યાન, પ્રાણાયામ જેવી વાતો એમાં ઉપકારક પુરવાર થઈ છે. જોકે એ બધી વાતોમાં જવું એટલે વિષયાંતર કરવું અને આપણો અત્યારે વિષય જુદો છે.
કોઈને લડાવી મારવાની, કાનભંભેરણી કરવાની, નિંદા, ચાડીચુગલી કરતા રહેવાની કુટેવ કેવાં અને કેટલાં ભયંકર પરિણામ લાવે છે એ બાબતમાં સજાગ થવું જરૂરી છે. મોટા ભાગનાં ઘરો આવી કુટેવથી ખદબદી રહ્યાં છે. હવે શહેરોમાં પોતપોતાના બંગલામાં રહેનારા આ કુટેવોથી મુક્ત થતા હોય એવું લાગે છે, પણ જો તમે વધારે અંદર ડોકિયું કરો તો એવી પણ ખબર પડે છે કે ત્યાં પણ વાતાવરણ તો એ જ છે, જે ખોટું છે. આધુનિક વિચારધારાની સાથોસાથ સૌકોઈએ સમજવું જોઈએ કે આપણે ભલા અને આપણું ઘર ભલું. આ વૃત્તિ જ વિકાસ, સુખી અને શાંતિ આપશે.