પ્રજાને નમાલી બનાવવી અને એ પણ ધાર્મિક આચાર-વિચારોથી, એ મોટો અપરાધ જ કહેવાય.
ચપટી ધર્મ
પ્રતીકાત્મક તસવીર
જે ભગવદ્ગીતાએ શસ્ત્રત્યાગી અર્જુનને ફરીથી શસ્ત્રગ્રાહી બનાવ્યો એ કદી લોકોને શસ્ત્રત્યાગી બનાવે નહીં, પણ ગીતાની ઉપેક્ષા કરીને અથવા કહો કે ઉપરવટ જઈને જે લોકોએ પ્રજાને શસ્ત્રવિમુખ બનાવી છે તેમણે સીધી કે આડકતરી રીતે પ્રજાને નમાલી બનાવવામાં મોટો ભાગ ભજવ્યો કહેવાય.
પ્રજાને નમાલી બનાવવી અને એ પણ ધાર્મિક આચાર-વિચારોથી, એ મોટો અપરાધ જ કહેવાય. એ અપરાધને કારણે આ પ્રજા સદીઓથી કારમી ગુલામી ભોગવી રહી છે. જો ભારતનાં એકેએક નર અને નારી શસ્ત્રધારી થયાં હોત તો કદાચ આવી કારમી ગુલામી આટલો લાંબો સમય ભોગવવી ન પડી હોત. શસ્ત્રધારણ વીરતાનું પોષક છે. અફઘાન પ્રજા શસ્ત્રધારી છે એથી ખમીરવંતી છે. એથી તે કદાચ સમૃદ્ધ તો ન થઈ શકી હોય, પણ ગુલામ પણ ન થઈ શકી. કેટલાય આકરાંતિયાઓ આવ્યા અને હાથ ઘસીને ચાલ્યા ગયા. આ બહાદુર પ્રજા ભવ્યાતિભવ્ય બલિદાન આપીને પોતાની આઝાદીનું જતન કરતી રહી છે. આજે પણ તમે જુઓ, ઇઝરાયલને. બધી દિશાએ દુશ્મનોથી ઘેરાયેલું હોવા છતાં એ મર્દાનગી સાથે દુશ્મન સામે લડે છે. સહેજ પણ ઝૂકતું નથી અને પોતાની ખુમારી અકબંધ રાખીને બધાનો જુસ્સાભેર સામનો કરે છે. કારણ કે એકેએક નર અને નારી શસ્ત્રધારી થયાં છે, યુદ્ધના મેદાનમાં ઊતરવાની તૈયારી સાથે ઘડાયાં છે.
ADVERTISEMENT
ગીતાની અંતિમ સ્પષ્ટતા પછી કે ‘યત્ર પાર્થો ધનુર્ધર:’ અર્થાત્ જ્યાં ધનુષ્યધારી પાર્થ હશે ત્યાં શ્રી, વિજય, ભૂતિ (સમૃદ્ધિ) અને એવી તમામ યશસ્વી વાતો હશે. હમણાં જ ઇઝરાયલની વાત કરી. ઇઝરાયલ એનું પ્રત્યક્ષ પ્રમાણ છે અને આપણી વાત એનું વિરોધાર્થી પ્રમાણ છે. આપણે ધનુષ્યધારી બનવાનું વિચાર્યું જ નહીં અને અહિંસાના સંદેશાને ખોટી રીતે ગળે વળગાડીને ફરતા રહ્યા. પરિણામ એ આવ્યું કે શ્રી, વિજય, ભૂતિ જેવી યશસ્વી વાતો આપણા હિન્દુસ્તાનના નસીબમાં આવી નહીં અને આપણી પ્રજા માયકાંગલી પુરવાર થતી ગઈ.
આપણે યોગેશ્વર કૃષ્ણ અને ધનુર્ધારી પાર્થનો ફરીથી મેળ કરવા-કરાવવાનો છે. આ ગીતાનો અંતિમ ઉપદેશ અને હેતુ છે. જે દિવસે ભારતનો બચ્ચો-બચ્ચો, નર-નારી બધાં જ અર્જુનની માફક ‘કરિષ્યે વચનં તવ’ કહીને ધનુર્ધારી બનશે એ દિવસે ભારત પર કોઈ આંખ ઉપાડી નહીં શકે. અત્યારે એવો સમય આવ્યો છે, અત્યારે એવો યુગ આપણે જોઈ રહ્યા છીએ અને આપણે હર્ષભેર એનો આનંદ પણ માણીએ છીએ. લડાયક માનસિકતા ધરાવતા એક નેતા કેવું પ્રગાઢ પરિણામ લાવે એનું આ પ્રમાણ છે.