Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > ‘ગતિ’ને બદલે તારક બનાવે એવી ‘સમ્યક્ દિશા’ આપવાની ક્ષમતા ધર્મ પાસે છે

‘ગતિ’ને બદલે તારક બનાવે એવી ‘સમ્યક્ દિશા’ આપવાની ક્ષમતા ધર્મ પાસે છે

Published : 19 August, 2024 02:27 PM | IST | Mumbai
Acharya Vijay Ratnasundersurishwarji Maharaj

ગતિ આપીને વિજ્ઞાને સમાજને નવો દૃષ્ટિકોણ આપ્યો, પણ એ આપ્યા પછી તેણે પોતાના હાથ ઊંચા કરી દીધા અને એને લીધે અનેક દુષ્પરિણામ જોવાનાં આવ્યાં.

 જૈનાચાર્ય વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મ. સા.

સત્સંગ

જૈનાચાર્ય વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મ. સા.


વિજ્ઞાને આપેલાં સાધનો તરફ તમે એક દૃષ્ટિપાત કરી લો. એક વાતની તમને પ્રતીતિ અચૂક થઈ જશે કે વિજ્ઞાને ‘ગતિ’ આપી છે, ‘ઝડપ’ આપી છે.
સાઇકલ, સ્કૂટર, મોટર, હેલિકૉપ્ટર, વિમાન, રૉકેટ, ઉપગ્રહ, પાટી, કાગળ, કમ્પ્ય‍ુટર, ઈ-મેઇલ, ઇન્ટરનેટ, ફોન-મોબાઇલ, ફૅક્સ, ટીવી, વિડિયો, કૅલ્ક્યુલેટર, ફ્રિજ, રોબો, ટ્રેન. આ યાદી હજી લંબાઈ શકે છે અને ભાવિમાં તો આ યાદી ક્યાં પહોંચશે એની કોઈ કલ્પના જ થઈ શકતી નથી. એ લંબાયા જ કરવાની છે અને લંબાતી જ રહેશે. માણસ પણ નહીં થાકે અને વિજ્ઞાનને પણ કોઈ જાતની થકાનનો અનુભવ નહીં થાય. કારણ, કારણ કે વિજ્ઞાને તમને ‘ગતિ’ આપવાની છે. ગતિ સારી, પણ વિજ્ઞાને આપેલી ગતિના કારણે દુખદ સ્થિતિ એ સર્જાઈ છે કે ગતિ આપવામાં તાકાતપ્રદ પુરવાર થયેલું વિજ્ઞાન ‘સમ્યક્ દિશા’ આપવાની બાબતમાં સાવ નપુંસક પુરવાર થયું છે. ગતિ આપીને વિજ્ઞાને સમાજને નવો દૃષ્ટિકોણ આપ્યો, પણ એ આપ્યા પછી તેણે પોતાના હાથ ઊંચા કરી દીધા અને એને લીધે અનેક દુષ્પરિણામ જોવાનાં આવ્યાં.
એ દુષ્પરિણામ કોણ નથી ભોગવતું એ પ્રશ્ન છે. પેઢી જૂની હોય કે નવી, આજે સૌ અજંપામાં જીવન જીવી રહ્યા છે. રાષ્ટ્ર સમૃદ્ધ હોય કે પછાત, બધા ભયના ઓથાર હેઠળ થથરી રહ્યા છે. વાસના વકરી છે, હિંસા વધી છે, હરામખોરીએ માઝા મૂકી છે અને રોગો, બીમારીઓનું પ્રમાણ ભયજનક આંક વટાવી રહ્યું છે.
આ તમામ અનિષ્ટોથી મુક્ત થવા માટે એક જ પરિબળ પાસે આવવું પડે એમ છે અને એ પરિબળનું નામ છે ધર્મ. તમારી ‘ગતિ’ને મારક ન બનવા દઈને તારક બનાવી દે એવી ‘સમ્યક્ દિશા’ આપવાની આગવી ક્ષમતા ધર્મ પાસે છે. ટૂંકમાં કહેવું હોય તો એમ કહી શકાય કે વિજ્ઞાન જો ‘ઍક્સેલરેટર’ના સ્થાને છે તો ધર્મ ‘સ્ટિયરિંગ વ્હીલ’ના સ્થાને છે અને એવું બને ત્યારે એ વાત પણ સમજી લેવી પડે કે ગતિ કદાચ ઓછી-વધતી હોય તો એક વાર ચાલી જાય, પણ જો સ્ટિયરિંગ વ્હીલ ખોટી તરફ હોય તો એ ગતિનો કોઈ અર્થ નહીં સરે. જો ઝડપ ઓછી હોય તો ચાલશે, પણ એ ઝડપમાં સમ્યક્ દિશાનો બોધ જ ન હોય તો એ તો શું ચાલે?
સમ્યક્ બોધ પામવો હિતાવહ છે અને એ બોધ ધર્મ સિવાય ક્યાંયથી પણ મળવાનો નથી. ટેક્નૉલૉજી વિકાસ આપશે, પણ એ વિકાસમાંથી વિકારનો નાશ થાય એ જોવાનું કામ ધર્મ કરે છે અને એને માટે ધર્મ પાસે જવું પડે છે. વિજ્ઞાન સુરક્ષા આપે છે, પણ એ સુરક્ષાનો અતિરેક હિંસાનું પરિણામ લાવી દે છે, પણ ધર્મ સુરક્ષાની સાથોસાથ ખમીરનો પાઠ પણ ભણાવે છે અને અહિંસાનો ભાવ પણ સમજાવે છે.


Whatsapp-channel Whatsapp-channel

19 August, 2024 02:27 PM IST | Mumbai | Acharya Vijay Ratnasundersurishwarji Maharaj

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK