જીવન અને આત્મા ભિન્ન કહેનાર મહાપુરુષોએ જીવનને મિથ્યા કહ્યું અને આમ કહેવાથી ભારતની જીવનશક્તિનો વિનાશ થઈ ગયો. જીવનને જાણવું હોય તો આટલી બાબતો જાણવી પડે
માનસ ધર્મ
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
જીવનનો અર્થ શું?
બે હાથ, બે પગ, નાક, કાન, વિચાર, હૃદય, રક્ત, શ્વેતકણ, રક્તકણ, હાડકાં, માંસ... આ બધાંનો સરવાળો એટલે જીવન કે પછી ખાવું-પીવું, સૂઈ જવું, ભોગ ભોગવવો એનું નામ જીવન? જો આ બન્ને સવાલનો જવાબ હકારમાં હોય તો મારો પ્રશ્ન છે કે આ બધું તો પશુઓ પણ કરે છે! પશ્ચિમે જીવનનો વિચાર બહુ ટૂંકો કર્યો. પૂર્વની સભ્યતાએ જીવનનો વિચાર બહુ અદ્ભુત કર્યો.
તુલસીદાસજી બહુ સરસ સમજાવે છે...
ADVERTISEMENT
એહિ તન કર ફલ બિષય ન ભાઈ સ્વર્ગઉ સ્વલ્પ, અંત દુઃખ દાઈ.
અર્થાત્ આ શરીરનું ફળ વિષય નથી. એ ફળ છે મુક્તિ અને ભક્તિ.
જીવન ક્યારે મળે? જન્મ મળ્યો છે તો મૃત્યુ પણ મળશે જ. આ બેની વચ્ચે ક્યાંક જીવન અર્જિત કરવાનું હોય છે.
પુનરપિ જનનં પુનરપિ મરણં પુનરપિ જનની જઠરે શયનં.
શું આ જ ચક્કી ચાલતી રહેવાની છે? જ્યાંથી આત્મા આવ્યો છે ત્યાં એને પાછું નથી ફરવાનું? એકની એક ઘટમાળ એટલે જીવન? ના, એવું નથી. જીવન એ રથ છે. વિચાર અને વિશ્વાસ જીવનરથનાં બે પૈડાં છે. એનાથી જ આપણું જીવન ચાલે છે. જીવનનું એક પૈડું વિચાર છે, બીજું પૈડું ભરોસો છે. વચ્ચે એક ધરી હોવી જોઈએ. આ ધરીનું નામ છે વિવેક. જે વિચારમાં વિવેક ન હોય એ વિચાર ખરાબ પરિણામ લાવે છે; જે વિશ્વાસમાં પણ વિવેક ન હોય તો આપણે ઠગાઈ જઈએ છીએ.
એક વાત યાદ રાખજો કે જીવન અને આત્મા અલગ નથી. હા, એ બન્ને જરાય જુદાં નથી. એક જ છે અને એટલે જ જીવન અને આત્મા સંલગ્ન થઈને ચાલે છે. એ મહર્ષિ અરવિંદનું દર્શન છે. જીવન અને આત્મા ભિન્ન કહેનાર મહાપુરુષોએ જીવનને મિથ્યા કહ્યું અને આમ કહેવાથી ભારતની જીવનશક્તિનો વિનાશ થઈ ગયો. જીવનને જાણવું હોય તો આટલી બાબતો જાણવી પડે, કારણ કે આપણું જીવન રણભૂમિ નહીં, રંગભૂમિ છે અને રંગભૂમિ પર અનેક પ્રકારનાં દૃશ્યો જોવા મળે. રણભૂમિ પર તો યુદ્ધ સિવાય કશું હોતું નથી એટલે જીવનને રણભૂમિ બનાવવાનું કામ અજાણતાં પણ ન થાય એનું ધ્યાન રાખવું.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)