વિશ્વભરમાં માનવતાનાં કાર્યો દ્વારા સેવા કરનારાં ખ્રિસ્તી સાધુ-સાધ્વીઓ માંસાહારી છે છતાં શાકાહારી કરતાં વધુ ઉત્તમ સેવા કરે છે
ચપટી ધર્મ
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)
ગઈ કાલની વાતને જ આગળ વધારીને કહેવાનું હોય તો કહેવું પડે કે માત્ર શાકાહારી થઈ જવાથી માણસ સાત્ત્વિક કે સારો કે ભલો થઈ જાય છે એ માન્યતા સાચી નથી. બૅન્કોના કરોડો-અબજો રૂપિયા ખાઈ જનારા લગભગ બધા જ શાકાહારીઓ દેખાય છે.
બીજી તરફ માંસાહાર કરનારા બધા તમોગુણી અને ક્રૂર થઈ જાય છે એવી ધારણા મૂકવી અને એને જળોની જેમ વળગી રહેવું એ પણ યોગ્ય નથી. વિશ્વભરમાં માનવતાનાં કાર્યો દ્વારા સેવા કરનારાં ખ્રિસ્તી સાધુ-સાધ્વીઓ માંસાહારી છે છતાં શાકાહારી કરતાં વધુ ઉત્તમ સેવા કરે છે. આપણે ત્યાં શ્રી રામકૃષ્ણ પરમહંસ તથા સ્વામી વિવેકાનંદ જેવા કેટલાય અધ્યાત્મવાદીઓ માંસાહારી થયા તો પણ તેઓ કોઈ શાકાહારી સાધુથી ઓછા અધ્યાત્મવાદી થયા નથી.
ADVERTISEMENT
આહાર સંબંધી ગેરસમજણ અને એમાંથી ઊભી થયેલી ઘૃણાથી મુક્ત થવું જરૂરી છે. ફરી-ફરીને એક જ વાતનો વિચાર કરવાનો કે આપણે બળવાન કેમ થઈએ? હિંસાવાદી માણસો વચ્ચે જીવવાનું છે તો શું આપણે પેલાં ઘાસાહારી પશુઓની માફક કોઈનો ખોરાક થઈને જીવવું છે કે હિંસાવાદીઓની સામે પ્રબળ થઈને જીવવું છે? પરલોક સુધરે કે ન સુધરે, આ લોક બગડે નહીં, આવનારી અમારી પ્રજાનો આ લોક બગડે નહીં એનો વિચાર કરવો એ જ ખરો વિચાર છે. બાકીની બધી કપોળકલ્પિત કલ્પનાઓ છે જે માત્ર ને માત્ર દુઃખી કરવાનું કામ કરે છે અને આજ સુધી આપણે દુખી જ થતા રહ્યા છીએ એ પણ સહજ રીતે સ્વીકાર કરવામાં શાણપણ છે.
અવ્યવહારુ પણ ચુસ્ત અહિંસાવાદનો ત્યાગ કરવામાત્રથી જ કાંઈ પ્રજા બળવાન થઈ જવાની નથી. બીજું ઘણું કરવાનું બાકી રહે જ છે. જોકે એની ચર્ચા અત્યારે અહીં કરવી નથી. અત્યારે તો એટલું જ કે જે કારણોસર પ્રજા દુર્બળ થાય છે એમાં અહિંસા પણ એક મુખ્ય તત્ત્વ છે. એની અવ્યાવહારિકતા, નિ:સારતા, વિકાસહીનતા અને નમાલાપણાથી પ્રજા જાગ્રત બને અને વાસ્તવિકતાને સ્વીકારે એ જ અપેક્ષા. હિંસાત્મક માનસિકતાનો અહીં પ્રચાર કરવામાં નથી આવતો, પણ સાથોસાથ એ પણ સ્પષ્ટતા સાથે કહેવામાં આવે છે કે જો અહિંસાની વાતને ચોંટી રહેવામાં આવે તો એનું દુષ્કર પરિણામ ભોગવવા આપણે સૌએ તૈયાર રહેવું પડે. અહિંસાની માનસિકતા, પણ એ માનસિકતા વચ્ચે જરૂર પડે ત્યારે હિંસાની ભાવના પણ મનમાં રાખવી સમાજ માટે હિતાવહ છે અને આ હિતાવહ ભાવના જ માનવસમાજને સુખ અને શાંતિ આપવાનું કામ કરે એ પણ સ્વીકાર કરવામાં જ સમજણ છે. જ્યારે પણ અહિંસાને દૃઢતાપૂર્વક વળગી રહેવામાં આવ્યું છે ત્યારે એ માનસિકતાએ સમાજમાં દૂષણનો વધારો જ કર્યો છે એ સહજ રીતે સમજવાનો સમય આવી ગયો છે.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)