આઠમો દિવસ મા મહાગૌરીનોઃ શ્રીં ક્લીં હ્યીં વરદાયૈ નમઃનું પઠન કરવાથી તમામ પ્રકારની ઇચ્છાઓ પૂર્ણ કરવાની ભાવના માતાજીમાં પ્રકટ થાય છે અને એ ઇચ્છાઓને ફળીભૂત કરવા માટે તે સાથ-સહકાર આપે છે
નમો નવદુર્ગા
મહાગૌરી
‘શ’ ઐશ્વર્ય તથા ‘ક્તિ’ પરાક્રમ વાચક છે. જે આવા સ્વરૂપવાળી છે અને બન્ને ક્ષમતા પ્રદાન કરે છે તે દેવીને શક્તિ કહેવામાં આવે છે. શાસ્ત્રોમાં જ્ઞાન, સમૃદ્ધિ, સંપત્તિ, યશ અને બળને ‘ભગ’ કહે છે. આ ગુણોથી સંપન્ન હોવાથી શક્તિને ભગવતી તરીકે ઓળખવામાં આવી છે. પરમેશ્વર પણ તેમના સંસર્ગમાં રહે છે એટલે તેમને ભગવાન કહેવામાં આવે છે. શ્રી માર્કન્ડેય પુરાણમાં કહ્યું છે, અશ્વિન માસની અષ્ટમીને દિવસે તમામ દેવીઓની ઉત્પત્તિ થઈ હતી, આથી જ આજના દિવસે અનેક કુળમાં કુળદેવી માતાને વાર્ષિક નૈવેદ્ય આપવાની પરંપરા સર્જાય છે.
દુર્ગમ નામના દૈત્યે ત્રણે લોક પર પોતાનું શાસન મેળવવા એક યુક્તિ કરી. તેણે વિચાર્યું કે દેવોનું બળ વેદ છે. જો વેદો લુપ્ત થઈ જાય તો દેવોનું અસ્તિત્વ ટકશે નહીં. અસુર દુર્ગમે બ્રહ્માજીને પ્રસન્ન કરી વરદાન માગ્યું કે સંપૂર્ણ વેદ મારી પાસે આવી જાય. બ્રહ્માજીના વરદાનથી દુર્ગમ પાસે તમામ વેદો આવી ગયા અને બ્રાહ્મણો વેદો વીસરી ગયા. તમામ વૈદિક ક્રિયાઓ નષ્ટ થઈ ગઈ, યજ્ઞો બંધ થઈ ગયા એટલે દેવતાઓને ભાગ મળવો બંધ થઈ ગયો અને દેવો નિસ્તેજ થવા લાગ્યા; જેનો લાભ લઈ દુર્ગમે દેવો પાસેથી ઇન્દ્રાસન જીતી લીધું. હવનો બંધ થવાને કારણે વર્ષા પણ બંધ થઈ ગઈ, ક્યાંય પાણી પણ ન બચ્યું અને આવી અનાવૃષ્ટિ સો વર્ષ સુધી રહી ત્યારે બ્રાહ્મણોએ હિમાલય પર જઈ દેવીને પ્રસન્ન કરવા સ્તુતિ કરી. ત્યાર બાદ દયામયી મા દિવ્યરૂપે પ્રગટ થયાં. તમામ વૃત્તાંત સાંભળી તેમની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી, જેના લીધે ત્રણે લોકમાં નવ રાત્રિ સુધી વૃષ્ટિ થતી રહી જેથી નદીઓમાં નવાં જળ આવ્યાં. અંતર્યામિની માતાએ એ સમયે વિધવિધ પ્રકારનાં ફળો અને અન્ન તમામને આપ્યાં તથા ભૂખથી ટળવળતાં પશુઓ માટે ઘાસ પ્રગટ કર્યું. આથી માતાનું આ રૂપ ‘શાકમ્ભરી’ કહેવાયું. બ્રાહ્મણોએ દુર્ગમ અસુરનો નાશ કરી તેની પાસેથી વેદો પાછા અપાવવા વિનંતી કરી.
ADVERTISEMENT
આ સમગ્ર કોલાહલથી દુર્ગમને ખ્યાલ આવી ગયો અને તે પોતાની અક્ષૌહિણી સેના લઈને ત્યાં પહોંચી ગયો. દેવતાઓ અને બ્રાહ્મણો રક્ષાનો ચિત્કાર કરવા લાગ્યા ત્યારે માતાએ ચારે તરફ તેજોમય રક્ષાકવચ બનાવી લીધું અને સ્વયં યુદ્ધમાં કૂદી પડ્યાં. દેવીના વિગ્રહથી અનેક શક્તિઓ પ્રગટ થઈ. કાલિકા, તારિણી, બાલા, ભૈરવી, રમા, ગુહ્યકાલી, સાહસ્ત્રબાહુકા જેવાં અનેક નામવાળી બત્રીસ શક્તિઓ પછી ચોસઠ અને પછી અગણિત શક્તિઓનો પ્રાદુર્ભાવ થયો. દસ દિવસ સુધી યુદ્ધ ચાલ્યું, જેમાં દુર્ગમની સમગ્ર સેનાનો અંત આવી ગયો. લોહીની નદીઓ વહેવા લાગી. અગિયારમા દિવસે અસુર દુર્ગમ પોતે યુદ્ધ કરવા ઊતર્યો. મધ્યાહન સુધી ભીષણ યુદ્ધ ચાલ્યું. ત્યાર બાદ દેવીએ એકસાથે પંદર બાણ દુર્ગમ પર છોડ્યાં, જેમાંથી બે બાણ તેની આંખોમાં તથા પાંચ બાણ છાતીમાં વાગ્યાં અને બાકીનાં બાણથી તેનાં રથ, ધ્વજા, સારથિ, ઘોડા અને દુર્ગમના બન્ને હાથનો નાશ થયો. દુર્ગમ વમન કરતો રથ પરથી પટકાયો અને તેના શરીરમાંથી એક દિવ્યપુંજ બહાર નીકળ્યો જે દેવીમાં પ્રવેશી ગયો. આમ દુર્ગમ પાસેથી તમામ વેદો પાછા દેવી પાસે આવી ગયા, જે તેમણે બ્રાહ્મણોને પરત કર્યા. મહાન દુર્ગમનો વધ કરવાને કારણે તેઓ દુર્ગા કહેવાયાં.
આજનો રંગ : પિન્ક
આજનો કલર છે પિન્ક એટલે કે ગુલાબી. શ્વેત અને લાલ રંગોના મિશ્રણથી ઊભા થતા આ કલરમાં ઊર્જા અને ઐશ્વર્યાની સાથે જો કોઈ ભાવ છુપાયેલો હોય તો એ સૌમ્યતા અને કોમળભાવ પણ છે. આ જ કારણ હશે કે મહિલાઓના હિસ્સામાં કલર એક્સપર્ટે પિન્ક કલર મૂક્યો છે. પિન્ક કલર જેને પસંદ હોય છે એ સ્વભાવના મૃદુ હોય છે તો સાથોસાથ એવો ભાવ ધરાવે છે કે તેની ગેરહાજરીમાં પણ તેના વિશે લોકો સારી વાત કરે.
આજની ઉપાસના
મંત્ર ઉપાસકોએ આજે શ્રીં ક્લીં હ્યીં વરદાયૈ નમઃની ઉપાસના કરવી. કઠોર તપને કારણે માતાનું રૂપ ગૌરવર્ણનું થયું હતું. આથી આજના તેમના રૂપને મહાગૌરી કહેવામાં આવે છે. તેમને આજે શીરાનું નૈવેદ્ય અર્પણ કરવામાં આવે છે તો ઘણાં કુળમાં માતાજીને આજે લાપસી પણ આપવામાં આવે છે. ટૂંકમાં આજના દિવસે માતાજીને જે ધરવામાં આવે છે એમાં ઘીની માત્રા પુષ્કળ હોય છે.
આજનો ઉપાય
આજે અષ્ટમી છે, જે નિમિત્તે ધનપ્રાપ્તિનો એક વિશેષ ઉપાય. આજે રાત્રે બરાબર ૧૨ વાગ્યે ઘરના પ્રવેશદ્વાર પર બહારની બાજુ ગાયના ઘીનો દીવો કરવો અને ઘરનો મેઇન ડોર થોડી વાર માટે ખુલ્લો રાખવો. દીવો જ્યાં મૂકવાનો હોય એ જગ્યાએ જો લાલ રંગનું કંકુ પાથરી શકાય તો અતિ ઉત્તમ પણ ધારો કે એવું ન થઈ શકે તો દીવાને સીધો જમીન પર મૂકવાને બદલે દીવાને બેસવા માટે આસન આપવું.
આજનું દાન
આજના દિવસે યથાશક્તિ ત્રણ, પાંચ કે આઠની ગણતરી સાથે કુમારિકાઓનું પૂજન કરી તેમને લાલ રંગની કોઈ વસ્તુની ભેટ આપવી, સાથે દક્ષિણા પણ આપવી. જો આ પણ શક્ય ન બને તો આજના દિવસે નાની બાળાઓને રમકડું અને સાથે એકાદ ચૉકલેટ કે ટૉફી આપીને પણ માતાજીની આરાધના થઈ શકે છે.
- ધર્મેશ રાજદીપ