સાતમો દિવસ મા કાલરાત્રિનો : ક્લીં ઐં શ્રી કાલિકાયૈ નમઃનું પઠન કરવાથી અકાળ મૃત્યુથી રક્ષણ મળે છે અને સાથોસાથ અચાનક આવનારી આપત્તિઓ પણ દૂર રહે છે
નમો નવદુર્ગા
મા કાલરાત્રિ
સાતમા નોરતાનાં માતાજી વિશે વાત કરતાં પહેલાં એક નાનકડી સ્પષ્ટતા, કાલિકા અને કાલરાત્રપિ એક જ છે. દેવી ભાગવતમાં મહિષાસુર વધ વખતે તેમની ઉત્પત્તિનું જે વર્ણન કરવામાં આવ્યું છે એ મુજબ તેમની ઉત્પત્તિ માતા દુર્ગાના લલાટમાંથી થઈ હતી, તો શુમ્ભ-નિષુમ્ભના વધ માટે જ્યારે શક્તિનું પ્રાગટ્ય થયું એ પ્રસંગમાં કાલિકાને જ કાલરાત્રિ કહ્યાં છે. ભગવતી પાર્વતીના વિગ્રહકોશમાંથી અંબિકા પ્રગટ થયાં, જે કૌશિકી તરીકે ઓળખાયાં. માતા પાર્વતીના શરીરમાંથી માતા કૌશિકીના નીકળી જવાથી પાર્વતીજીનું શરીર શ્યામ વર્ણનું થઈ ગયું, જે રૂપ કાલિકા તરીકે ઓળખાયું. આ રૂપ મહાભયંકર હતું. માતાના આ રૂપને કાળનો પણ કાળ ગણવામાં આવ્યું છે. આથી જ તે કાલરાત્રિ તરીકે ઓળખાયાં. શાસ્ત્ર કહે છે કે તેમના એક નિશ્વાસ માત્રથી સમગ્ર બ્રહ્માંડનો વિનાશ થઈ શકે છે તો શાસ્ત્રો કહે છે કે મા કાલરાત્રિના ચહેરા પર કરોડો સૂર્યનું તેજ છે. આટલું તેજ હોવા છતાં પણ છતાં લોકશિક્ષા માટે માતા રાક્ષસો સાથે યુદ્ધ કરી તેમનો નાશ કર્યો હતો. નવરાત્રિનો આજનો એટલે કે સાતમા નોરતાના દિવસે માતા કાલરાત્રિના સ્વરૂપની આરાધના કરવામાં આવે છે. માતાનું આ રૂપ અતિવિકરાળ છે. તેમણે ગર્દભની સવારી કરી છે. માતા કાલરાત્રિની ચાર ભુજામાંથી બે ભુજામાં ખડગ અને શૂળ છે તો બાકીના બે હાથ ભક્તોને આશીર્વાદ આપતા વરદ મુદ્રામાં અને અભય મુદ્રામાં છે.