Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > નવરાત્રિ સ્પેશ્યલ: ઇચ્છાઓને પૂર્ણ કરવાની ક્ષમતા ધરાવે છે સ્કંદમાતા

નવરાત્રિ સ્પેશ્યલ: ઇચ્છાઓને પૂર્ણ કરવાની ક્ષમતા ધરાવે છે સ્કંદમાતા

Published : 07 October, 2024 07:06 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પાંચમો દિવસ મા સ્કંદમાતાનોઃ હ્રીં ક્લીં સ્વામિનૈ નમઃનું પઠન કરવાથી જીવનમાં આવતાં દુઃખ દૂર થાય છે અને મન પ્રસન્ન રહે છે

સ્કંદમાતા

નમો નવદુર્ગા

સ્કંદમાતા


મોટા ભાગની પૌરાણિક કથાઓમાં આપણે જોયું છે કે રાક્ષસોનો સાધના કરવાનો મુખ્ય ઉદ્દેશ અમરત્વ પ્રાપ્તિનો હતો જે માટે તેઓ કઠોર તપ કરી ભગવાનને પ્રસન્ન કરતા અને ભગવાન શરતી અમરત્વ આપે. આવી જ કથા છે તાડકાસુરની. સતીના વિયોગ બાદ વૈરાગી થયેલા શિવ ધ્યાનસ્થ થયા. સતી અને શિવનું ફરી મિલન થાય એવી હવે કોઈ શક્યતા રહી નહોતી. આ સ્થિતિનો લાભ લઈ અસુરરાજ તાડકાસુરે અમર થવાની યુક્તિ કરી. તેણે બ્રહ્માજીને પ્રસન્ન કરી વરદાન પ્રાપ્ત કર્યું કે માત્ર શિવના પુત્રથી જ તેનો વધ થાય, આ સિવાય તેને કોઈ મારી ન શકે. વરદાનપ્રાપ્તિ બાદ તાડકાસુરે દેવોને ખૂબ રંજાડ્યા અને તેમની પાસેથી બધું જ છીનવી લીધું. ત્રસ્ત દેવો બ્રહ્માજીના માર્ગદર્શનથી હિમાલય પુત્રી પાસે ગયા અને દેવીને શિવપત્ની તરીકેનો તેમનો પૂર્વજન્મ યાદ કરાવ્યો. નવરાત્રિના પ્રથમ દિવસે શૈલપુત્રી તરીકે માતાના આ જ સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે, જે બાદ માતાએ જગતના કલ્યાણ અર્થે કઠોર તપ આદર્યું.


શિવ અને શક્તિના મિલન બાદ એક તેજોમય બીજ બને છે, જે અગ્નિને સોંપવામાં આવે છે. જોકે એનું તેજ એટલું અસહ્ય છે કે અગ્નિદેવ પણ એ સહી શકતા નથી. આમ આગળ વિવિધ દેવી-દેવતા એ તેજને નિર્વાહ કરતાં જાય છે અને અંતે મા ગંગાને તેજ સોંપવામાં આવે છે. કથા આગળ ચાલે છે અને અંતે શિવશક્તિના પ્રથમ પુત્ર કાર્તિકેયનો જન્મ થાય છે. આ આખી પ્રક્રિયા સ્ત્રી-પુરુષના બીજના મિલનથી બાળકના જન્મ સુધીની પ્રક્રિયા પ્રતીકાત્મક રૂપે શાસ્ત્રોમાં વર્ણવાઈ છે જેની ચર્ચા અત્યારે અસ્થાને ગણાશે. દક્ષિણ ભારતમાં મુરુગનસ્વામી તરીકે ઓળખાતા કાર્તિકેયના જન્મમાં છ શક્તિઓ જવાબદાર હતી તેથી તેમને છ મસ્તક છે. માત્ર ઓમનો અર્થ સમજાવવા કાર્તિકેયે એક કરોડ શ્લોકોની રચના કરી, જેને કારણે તેમને સ્કંદ તરીકે પણ ઓળખવામાં આવે છે. દેવોની સેનાના સેનાપતિ બની ભગવાન કાર્તિકેયે તાડકાસુરનો વધ કર્યો હતો. માતા જગદંબા વિના તાડકાસુરનો વધ શક્ય નહોતો. આથી તેમને સ્કંદમાતા તરીકે નવરાત્રિના પાંચમા નોરતે પૂજવામાં આવે છે. તેમને ચાર ભુજા છે જેમાંથી બેમાં કમળ, એકમાં વરદમુદ્રા તથા ચોથા હાથમાં કાર્તિકેયને રાખ્યા છે. તેથી માતાના આ સ્વરૂપને પદ્માસના પણ કહેવામાં આવે છે. 



આજનો ઉપાય
આજે નવરાત્રિની પાંચમ એટલે કે જ્યોતિષશાસ્ત્ર અનુસાર પૂર્ણા તિથિ છે. જે દંપતીઓ સંતાનપ્રાપ્તિની ઇચ્છા રાખી રહ્યા છે તેમણે આજે ઘરે કૂંડું લાવી ઘરના અગ્નિખૂણામાં કપાસનાં બીજ વાવી એનો ઉછેર કરવો જોઈએ તથા પોતાનાં કુળદેવી માતા તથા સ્કંદમાતા પાસે સંતાનપ્રાપ્તિ માટે આશીર્વાદ માગવા. સંતાનપ્રાપ્તિની સંભાવના અનેકગણી વધી જાય છે અને આ પ્રયોગથી થયેલા લાભની વાતો શાસ્ત્રોમાં પણ વર્ણવવામાં આવી છે.


આજની ઉપાસના 
સ્કંદમાતાને પીળો રંગ અતિપ્રિય છે. ભક્તોએ આજે માતાને નૈવેદ્ય તરીકે સામગ્રીમાં કેળું સામેલ હોય એવો પ્રસાદ અર્પણ કરવો. મંત્ર ઉપાસના કરવા ઇચ્છતા સાધકોએ આજે હ્રીં ક્લીં સ્વામિનૈ નમઃ મંત્રનું અનુષ્ઠાન કરવું. આજે સાધકની કુંડલિની શક્તિ વિશુદ્ધિચક્રમાં સ્થિર થાય છે. આજે સાધકની વાણી વૈખરી બને છે, તેના સંકલ્પો સિદ્ધ થાય છે એટલે આજે માત્ર હકારાત્મક ભાવ રાખી વાણીનો પ્રયોગ કરવો. બને ત્યાં સુધી શારીરિક-માનસિક તમામ સ્તરે મૌન રહેવા પ્રયત્ન કરવો. 

આજનો કલર : સફે
આજનો રંગ સફેદ છે. સફેદ કલર શાંતિનું પ્રતીક છે તો સાથોસાથ સમૃદ્ધિ, ઐશ્વર્ય અને પ્રસિદ્ધિનું પણ પ્રતીક છે. ખાનપાનથી લઈને વસ્ત્ર પરિધાનમાં જે સફેદ રંગનું પ્રમાણ વધારે રાખે છે એને પુષ્કળ સમૃદ્ધિ મળે છે તો સાથોસાથ તેને જે મળે છે એમાં પૂર્ણપણે સંતોષ પણ હોય છે.


આજનું દાન
આજે યથાશક્તિ કેળાંનું દાન કરવું અથવા મગસ, મોહનથાળ જેવી પીળા રંગની મીઠાઈ વહેંચવી જેનાથી માતા સ્કંદમાતા પ્રસન્ન થાય છે. દાન કરતી વખતે જે સ્ત્રીએ બાળક તેડ્યું હોય એવી સ્ત્રીને જો પીળા રંગની છાંટવાળી સાડી અને મીઠાઈ ભેટમાં આપવામાં આવે તો એ શ્રેષ્ઠ ફળદાયી નીવડે છે.

- ધર્મેશ રાજદીપ

Whatsapp-channel Whatsapp-channel

07 October, 2024 07:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK