ચોથો દિવસ મા કુષ્માંડાનો : ઐં હ્રીં દેવ્યૈયી નમઃનું પઠન કરવાથી જીવનમાં આવતાં દુઃખ દૂર થાય છે અને મન પ્રસન્ન રહે છે
નમો નવદુર્ગા
મા કુષ્માંડા
નવદુર્ગાનું ચોથું સ્વરૂપ એટલે માતા કુષ્માંડા દેવી, જેને ચોથું નોરતું અર્પણ કરવામાં આવ્યું છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે સૂર્યમંડળમાં રહેવાની ક્ષમતા જો કોઈમાં છે તો એ માત્ર દેવી કુષ્માંડામાં છે. વાઘ પર સવાર અષ્ટભુજાધારી માતા કુષ્માંડા વિવિધ અસ્ત્ર-શસ્ત્રથી સજ્જ છે. તેમના એક હાથમાં કમંડળ છે તો બીજામાં અમૃતકળશ છે. ચોથા નોરતે માતાનું રૂપ લગ્ન થયા પછીની સ્ત્રીકન્યા જેવું વર્ણવવામાં આવ્યું છે.
કુત્સિતઃ ઉષ્મા ત્રિવિધતાપયુતઃ સંસારઃ સ
ADVERTISEMENT
અણ્ડે માંસપેશ્યામુદરરૂપાયાં યસ્યાઃ સા કુષ્માંડા
અર્થાત્ વિવિધ તાપયુક્ત સંસાર જેમના ઉદરમાં સ્થિત છે તે ભગવતી કુષ્માંડા કહેવાય છે. દૈત્યોનો નાશ કરવા, ભક્તોને અભય બનાવવા અને દેવોના કલ્યાણ અર્થે માતાએ શસ્ત્રો ધારણ કર્યાં છે. મહાન રૌદ્ર રૂપ ધારણ કરનારી, અત્યંત પરાક્રમી, મહાન બળ અને મહાન ઉત્સાહવાળી દેવી મહાભયનો નાશ કરનારી છે. જેમની સામે દૃષ્ટિ કરવું પણ કઠિન છે એવી માતા કુષ્માંડા રક્ષા કરે એવા ભાવ સાથે આજે સાધકે માતાને પ્રાર્થના કરવી જોઈએ.
આજની ઉપાસના
આજે માતાજીને ચમેલીનાં ફૂલ અર્પણ કરવામાં આવે છે અને માતાને ભોગ તરીકે માલપૂઆનો પ્રસાદ અર્પણ કરવામાં આવે છે. મા કુષ્માંડા જેના પર પ્રસન્ન થાય તેનું પોષણ, રક્ષણ કરે છે અને એને કાર્યસંપન્ન કરવાની શક્તિ આપે છે. મંત્રસાધના કરવા ઇચ્છતા સાધકોએ આજે ઐં હ્રીં દેવ્યૈયી નમઃ મંત્રની માળા કરવી જોઈએ. જો મનમાં સતત એવો ભાવ રહેતો હોય કે કોઈ તમને પસંદ નથી કરતું, એવું લાગતું હોય કે તમે બધાના અપ્રિય છો કે પછી મૂડ-સ્વિંગ્સનું પ્રમાણ ખૂબ મોટા પ્રમાણમાં હોય તેમણે આજે આ મંત્રની એક માળા ચોક્કસ કરવી જોઈએ. ચમત્કારિક પરિવર્તન અનુભવાશે અને જો આ મંત્રઉપાસના રોજ કરતા રહેશો તો જીવનમાં પ્રિયતાનો સરળ અને સહજ અનુભવ કરતા થશો.
આજે સાધકમાં રહેલી પરાશક્તિ અનાહત ચક્ર પર પ્રક્ષેપિત થાય છે અને સાધક ભાવુક બને છે. ભાવાતુર સાધકની આંખોમાંથી કારણ વિના અશ્રુધારા વહે છે. ઘણા એવા હોય છે જે નાની-નાની વાતમાં રડી પડે છે. એવી વ્યક્તિની પરાશક્તિ અનાહત ચક્ર પર કેન્દ્રિત થઈ હોવાનું કહી શકાય તો ઘણી વાર આ પ્રકારનો અનુભવ દેવી-દેવતાનાં દર્શન વખતે પણ થતો હોય છે અને અનાયાસ આંખો ભીની થઈ જાય છે. એ સમયે માનવું કે એ શક્તિ સાથે હૃદયના સ્તરે જોડાણ થયું છે, જેનું આ પરિણામ છે.
આજનો ઉપાય
જેનું કારણ વિના મન વ્યાકુળ રહે, કાર્ય શરૂ કરતાં પહેલાં જ નિષ્ફળ જવાનો ભય રહે છે તેમને માટે એક ખાસ ઉપાય. સફેદ કપડામાં ભીમસેની કપૂર મૂકી પોટલી બનાવવી. માતા સામે પોટલી મૂકીને ભય-મુક્તિની પ્રાર્થના કરવી. આ જે પોટલી છે એ હંમેશાં સાથે રાખવી. ઑક્સિજનના સંપર્કમાં આવ્યા પછી થોડા સમયમાં કપૂર ઊડી જાય. એવું બને તો ચિંતા કર્યા વિના એ જ પોટલીમાં નવું કપૂર મૂકીને એ પોટલી સાથે રાખવી. હા, જે સફેદ કપડું માતાજી સામે મૂક્યું હોય એ યથાવત્ રહેવા દેવું. ભીમસેની કપૂરનો આકાર અનિયમિત હોય છે, એ જ એની ઓળખ છે. આકારવાળા કપૂરમાં સિન્થેટિક કેમિકલ્સનો ઉપયોગ થયો હોઈ શકે છે એટલે એનો ઉપયોગ ટાળવો.
આજનું દાન
આજે આઠ કુમારિકા એટલે કે ૧૨ વર્ષથી નાની ઉંમરની દીકરીઓનું પૂજન કરી તેમને ભોજન કરાવવું. આ ભોજન ઘરે જ કરાવવામાં આવે તો અતિઉત્તમ. ભોજન કરાવ્યા પછી દીકરીઓને રોકડ રકમની સાથોસાથ કોઈક ભેટ આપવી, જે અવશ્ય લાલ રંગની હોવી જોઈએ. જો એ કોઈ સૌંદર્ય પ્રસાધન હોય તો ખૂબ સારું અન્યથા ખાવાની જે વરાઇટી લાલ રંગની હોય એ પણ આપી શકાય. આ ઉપાય જીવનમાં અખૂટ શુભત્વ આપનાર છે અને પ્રગતિ તથા સંપન્નતાના માર્ગે સફળતા આપવાનું કામ કરે છે.
આજનો કલર : કેસરી
કેસરી કલર શહાદતનો છે, તો સાથોસાથ કેસરી કલર ધર્મ અને આસ્થા પણ સૂચવે છે. એ ઉપરાંત કેસરી કલર સૌમ્યતા પણ દર્શાવે છે. જે વ્યક્તિને કેસરી કલર પસંદ હોય છે એ વ્યક્તિ સૂર્ય જેવો તેજસ્વી તો હોય જ છે, પણ સાથોસાથ તેનામાં પ્રભાતના સૂર્ય જેવી મૃદુતા પણ હોય છે. કેસરી કલરનો વપરાશ કરવાથી વ્યક્તિ આજ્ઞાંકિત બને છે અને પોતાના ગુરુ, માબાપથી લઈને સિનિયર્સની વાતનું પાલન કરે છે.