જે અભય હોય તે જ ભજન કરી શકે. આ મારગ છે શૂરાનો. એમાં શૂરા-પૂરાનું કામ છે. એમાં થાય કસોટી પૂરાની અને નહીંતર થાય ફજેતી અધૂરાની.
માનસ ધર્મ
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
વિભીષણ હનુમાનજીને ભક્તિની નવ પ્રકારની યુક્તિઓ બતાવે છે. આ નવ પ્રકારની યુક્તિઓ સાંભળીને હનુમાનજી માતા જાનકીજી સુધી પહોંચી ગયા છે. આ નવ પ્રકારની યુક્તિ કઈ-કઈ છે એ જાણવા જેવું છે.
આ નવ યુક્તિમાં પ્રથમ ક્રમે આવે છે અભય.
ADVERTISEMENT
જે અભય હોય તે જ ભજન કરી શકે. આ મારગ છે શૂરાનો. એમાં શૂરા-પૂરાનું કામ છે. એમાં થાય કસોટી પૂરાની અને નહીંતર થાય ફજેતી અધૂરાની. યાદ રાખજો કે ભક્તિ કાયરનો શણગાર નથી. ભક્તિ તો શૂરાનો શણગાર છે અને આ શણગાર કોણ કરી શકે? તો કહ્યું એમ અભય. જો તમારામાં અભય હશે તો તમે લંકાના રાતના અંધારામાં પણ મા સુધી પહોંચી શકશો. નિર્ભય થવા માટે હોઈ ન પ્રીતિ... જેનામાં પ્રીત નહીં હોય એ કોઈ દિવસ ભયમુક્ત થઈ શકશે નહીં. ભય બિનુ... જો ભય વિનાનું જીવન જીવવું છે, સાચો સમય જાણવો છે તો ઘડિયાળ વિના નહીં ચાલે. એમ જેના જીવનમાં પ્રીતિ નથી તેને નિર્ભયતા નહીં મળે. તેનું વ્યક્તિત્વ ભય વિનાનું નહીં થાય. ભજન નહીં, ભક્તિની પહેલી યુક્તિ અભય છે.
હવે વાત આવે છે ભક્તિની બીજી યુક્તિ પર, જે છે અલખ.
ભક્તિનું બીજું રહસ્ય કહે છે નિર્દંભ રહેવું. દુનિયાને અલખ લખવા પણ આપણે સોય રૂપ ધરવું, દંભ ન કરવો એ ભક્તિની બીજી યુક્તિ.
ભક્તિ મને મારા જ જ્ઞાનમાં મળવી જોઈએ. હું જે જ્ઞાતિમાં જન્મ્યો એમાં મારે કોઈ વાંતર કરવાની જરૂર નથી, કોઈ ભાષાંતરની જરૂર નથી, મારે કોઈ દેશાંતર કરવાની પણ જરૂર નથી, કોઈ કાળાંતરની જરૂર નથી. મને જે સંપદા મળી, મને એમાંથી જ જુગતિ મળે, એમાંથી જ ભક્તિની પ્રાપ્તિ થાય એ નિર્દંભ ભક્તિ.
ભક્તિની બીજી યુક્તિ છે સોય રૂપમાં અલખ રહેવું. પહેલું સૂત્ર અભય. બીજું સૂત્ર નિર્દંભ, અલખ રહેવું. લોકોને સામાન્ય લાગે, કળી ન શકે કે અંદર કેટલું ભજન છે. લાગે સામાન્ય, પણ મૂળ રૂપ અલખ એ ભક્તિની બીજી યુક્તિ છે.
ભક્તિની ત્રીજી યુક્તિ છે અશોક.
અશોક માનસિકતા ભક્તિમાં અત્યંત મહત્ત્વની છે. હનુમાનજી ક્યાં ગયા? અશોક વાટિકામાં, જે વૃક્ષનું નામ જ અશોક છે. જાનકીજી જેની નીચે બેઠાં છે એ વૃક્ષ છે અશોક. ભક્તિ તે જ કરી શકે જેનામાં બની ગયેલી ઘટનાનો શોક ન હોય. જેટલા મથે જા વાળ... થઈ ગયું પાપ, પણ એ ગણ્યા જ કરશો તો ઉદ્ધાર નહીં થાય. શોકમાં ડૂબેલો કોઈ દિવસ ભક્તિ ન કરી શકે.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)