તેણે સદ્ગુરુનાં ચરણમાં સંપૂર્ણ ભરોસા સાથે બેસી જવા સિવાય કશું કરવાનું નથી
માનસ ધર્મ
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
સમાધિસુખની સ્થિતિ પ્રાપ્ત કરવા માટે સાધકે પોતાના ચિત્તને મંત્ર બનાવી દેવાનું હોય, કારણ કે જ્યારે મંત્રમાં મન લાગે નહીં ત્યારે
ઈશ્વરની લીલા અને ઈશ્વરની પ્રાપ્તિની ઇચ્છા ખૂબ ઉપકારક નીવડે છે. જ્ઞાનીઓ જ્યારે
જ્ઞાનની ચરમસીમા ઉપર પહોંચે ત્યારે ઘણી વાર વિક્ષુબ્ધ અવસ્થાને પ્રાપ્ત કરે છે, ત્યારે ભક્તિમાર્ગની સરળ પગદંડી પર ચાલનાર ભક્ત જ્ઞાની કરતાં વધારે સ્વસ્થ જોવા મળે એવું બની શકે છે.
ADVERTISEMENT
ઉપર કરવામાં આવી એ ચર્ચા જો ગહન લાગે અથવા બરાબર સમજમાં ન આવે તો એના માટે એક સરળ ઉપાય પણ છે. તેણે સદ્ગુરુનાં ચરણમાં સંપૂર્ણ ભરોસા સાથે બેસી જવા સિવાય કશું કરવાનું નથી. ત્યાર બાદ જે કરવાનું છે એ સદ્ગુરુએ કરવાનું છે.
આપણે મોટરમાર્ગે જતા હોઈએ ત્યારે ડ્રાઇવરને વારંવાર સૂચના આપીએ છીએ. પેલો માણસ આપણા કરતાં ઘણો વધારે કુશળ હોય, છતાં ચાલકને વારંવાર સૂચના આપી આપણે પોતાની જાતને હોશિયાર સાબિત કરવાના પ્રયત્ન કરીએ છીએ અથવા મુસાફરીની બીક આપણને એવું કરવા માટે મજબૂર કરે છે, પરંતુ જ્યારે આપણે બસ, ટ્રેન, સ્ટીમર કે વિમાનમાં મુસાફરી કરીએ છીએ ત્યારે ચાલકને સૂચના આપતા નથી. એ વખતે આપણો સંપૂર્ણ ભરોસો ચાલક પર હોય છે. શરૂઆતમાં જે જણાવવામાં આવી એ બાબતો ડ્રાઇવિંગ શીખવા જેવી બાબતો છે અને જો એમ ન કરવું હોય તો સદ્ગુરુ નામના પાઇલટ પર સંપૂર્ણ ભરોસો મૂકીને બેસી જશો તો તે સુરક્ષિત ઉડ્ડયન કરાવવા સક્ષમ છે.
માનવીની જાગૃત અવસ્થા ધર્મ છે, સ્વપ્ન અવસ્થા અર્થ છે, સુષુપ્ત અવસ્થા કામ છે અને તુર્યાવસ્થા મોક્ષ છે. સંસાર સાથે ક્યારેય ઓગળી જવાની જરૂર નથી, પરંતુ સંસારમાં રહેવા સાથે સંસારથી અસંગ એવું એનું નામ ભક્તિ છે.
આત્માને પરમાત્મા સાથે જોડવાનો છે, પરંતુ આત્મા નૃત્યકાર છે. આત્મા બહુ મોટો નર્તક છે. અહીં નર્તક અને નૃત્ય બન્ને એક થઈ જાય એવો મહાનર્તક આપણો આત્મા છે. આ નર્તકને નટરાજ સાથે જોડવાની યાત્રાનું નામ ભક્તિ છે. આપણું અંતઃકરણ આત્મા નામના નૃત્યકારને નાચવા માટેનું રંગમંચ છે. જ્યારે બુદ્ધિ વશમાં થાય ત્યારે જ જીવની સત્ત્વ શુદ્ધિ થાય છે. આત્મા નામનો નર્તક ચિત્ત છે, જે સંકલ્પ કરે એ મન છે અને ચિંતન કરે એ ચિત્ત છે અને ઠોસ નિર્ણય કરે એ બુદ્ધિ છે. જ્યાં સુધી અભિમાન હટશે નહીં ત્યાં સુધી પરમાત્માની પ્રાપ્તિ થવાની નથી. જ્યાં સુધી છ પ્રકારના વિકાર જીવતા છે ત્યાં સુધી ઈશ્વરની પ્રાપ્તિ અશક્ય છે.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)