મારે તમને એટલા માટે પ્રશ્ન પૂછવો છે કે તમારી ચાખડી મેં જોઈ. તમારો વેશ જોઈને મને એમ લાગ્યું કે તમે કંઈ ધર્મજગતના વ્યક્તિ છો અને એટલે મને થયું કે મારે તમને પૂછવું જોઈએ.
માનસ ધર્મ
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
આજે એક સત્યઘટના કહેવી છે.
અમેરિકાના ઍટલાન્ટામાં કથા પૂર્ણ કરી એક વાર હું ન્યુ યૉર્કથી ભારત આવવા માટે નીકળ્યો. સિક્યૉરિટીમાંથી બધા પાસ થતા હતા. અમેરિકામાં તો બધું બહુ કડક અને બધું નિયમ મુજબ જ ચાલે. આપણી પાસે જે કંઈ હોય એ બધું અંદર થેલામાં મૂકવું પડે અને બધેબધું ચેક કરાવવું પડે જેમાં શાલ, માળા, ચાખડી બધું જ આવી જાય. આપણને તો કંઈ વાંધો ન હોય. મેં તો મારી ચાખડીઓ મૂકી, શાલ મૂકી, બધું જ મૂકી દીધું. માળા હોય અને ચાખડી હોય એટલે પેલું મશીનમાં એ ઘડી-ઘડી આમ જવા દે અને પછી તરત પાછું આમ આવે, આમ જવા દે, પાછું આવે, પણ કંઈ સૂઝ ન પડે કે આ છે શું બધું? મને તો નિરાંત કે ચિંતાનું કોઈ કારણ નથી, પણ ગમ્મત થાય કે આ મશીન બરાબરનું ગોટે ચડ્યું. ૧૦ મિનિટ સુધી એ બધું ચાલ્યું અને ગોટે ચડેલું મશીન ઘડીક આમ જાય, આમ જાય અને ઘડી-ઘડી ફેરવે. મારી સાથે એક વડીલ હતા, તે મારી સામે જોઈને બોલ્યા,
‘બાપુ, આ મશીન શું કરે છે?’
ADVERTISEMENT
મેં જવાબ આપ્યો, ‘ભાઈ, મશીન મારી માળા ફેરવે છે. રામભજન સોઈ મુક્તિ... ઈ ભજન કરે છે. એનું ભજન ઈ રીતે છે. જેટલું ફેરવે એટલું ફેરવવા દો, એને ફાયદો છે.’
પછી તો બધું મુક્ત થયું. હું તેની સામે જોઈ હસ્યો, તે મારી સામે જોઈ હસ્યો. મેં તેમને ધીમેકથી પૂછ્યું, ‘લઈ લઉં?’
તેમણે કહ્યું, ‘હા!’
મેં મારી ચાખડી પહેરી અને જે કોઈ બીજો સામાન હતો એ બધું લઈ લીધું.
આ બધું ચાલતું હતું એવામાં એક જ્યુરીસ સાયન્ટિસ્ટે ઓચિંતો મારો હાથ પકડ્યો. હું પણ પ્રેમથી મળ્યો. તે મને કહે, ‘મારે તમને એક પ્રશ્ન પૂછવો છે.’ એટલું અંગ્રેજી તો હું સમજ્યો કે તેણે મને પ્રશ્ન પૂછવો છે, પણ લાંબું ચાલે તો આપણી ઇજ્જતનો સવાલ હતો કે આપણને અંગ્રેજી આવડે નહીંને! મારી સાથે ભણેલા છોકરાઓ, વડીલો હતા એ બધાને બોલાવ્યા કે ભાઈ, તમે મદદ કરો. તે સાયન્ટિસ્ટે મને પૂછ્યું, ‘હું એક સાયન્ટિસ્ટ છું. મારે તમને એટલા માટે પ્રશ્ન પૂછવો છે કે તમારી ચાખડી મેં જોઈ. તમારો વેશ જોઈને મને એમ લાગ્યું કે તમે કંઈ ધર્મજગતના વ્યક્તિ છો અને એટલે મને થયું કે મારે તમને પૂછવું જોઈએ.’
તે સાયન્ટિસ્ટે મને શું પૂછ્યું અને તેના સવાલનો મેં શું ઉત્તર આપ્યો એની વાત હવે આવતી કાલે.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)