હાથીનો પહેલો ગુણ, હાથીનું શરીર વિશાળ, એ જ રીતે ભક્તને મોટાઈ મળશે, પણ એની આંખ્યું ઝીણી હશે.
માનસ ધર્મ
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
હાથીના ગુણો ભક્તની વિશેષતાઓ છે અને એ વિષય પર આપણે વાત કરીએ છીએ. તમને ગયા અઠવાડિયે કહ્યા એ ગુણ જોઈ લઈએ. હાથીનો પહેલો ગુણ, હાથીનું શરીર વિશાળ, એ જ રીતે ભક્તને મોટાઈ મળશે, પણ એની આંખ્યું ઝીણી હશે. સૂક્ષ્મદર્શન કરતો હશે, ભક્તિ જે કરશે એને મોટાઈ મળી જ જશે. હાથીનો બીજો ગુણ, આપણી પાસે ૩૨ દાંત છે, પણ હાથી પાસે બે દાંત અને એ બન્ને દાંત કીમતી છે. સમાજ એનો શણગાર કરે. ભક્તિનું પણ એવું જ છે. હાથીનો ત્રીજો ગુણ, મસ્તક મોટું છે એટલે એ ઝૂકતો જ જશે અને એ પછી પણ ચાલ અલમસ્ત, કોઈ પોતાની તોલે આવી શકે એમ નથી એ ખબર છે પછી પણ એનું ગુમાન નથી. ભક્તનું પણ એવું જ છે, એનું મસ્તક નીચે જ રહે. ચોથા નંબરનો હાથીનો ગુણ, હાથી ધૂળ પોતાના પર ઉડાડે, બીજા પર નહીં. સાચો ભક્ત હાથી જેવો હોય, તે રજ પોતાના પર ઉડાડે છે, કારણ કે તે માને છે કે હું હરિચરણની રજ પામ્યો નથી.
હવે વાત કરીએ હાથીના પાંચમા ગુણની.
ADVERTISEMENT
હાથીનું નાક મોટું છે. આબરૂદાર વ્યક્તિ કે પછી કહો કે નાકવાળી વ્યક્તિ હોય, એનું નાક મોટું છે એવું કહેવામાં આવતું હોય છે. તમે સાંભળ્યું હશે, નાકની કિંમત હોય. નાક કપાવું ન જોઈએ. ભક્ત બહુ જ મહાન હોય છે. તેની પ્રતિષ્ઠા ઈશ્વરના દરબારમાં હોય છે. તેની રાહ જોતો હોય છે પરમાત્મા અને એટલે જ પરમાત્મા પણ તેનું નાક ન કપાય એનું ધ્યાન રાખે તો સાથોસાથ ભક્ત પણ એવું જ વર્તે જેથી તેનું નાક ન કપાય. જો નાક કપાય તો એ ખરેખર તો ભક્તિનું નાક કપાતું હોય છે.
હાથીના છઠ્ઠા ગુણ પર આવીએ, જે છે હાથીના કાન.
હાથીના કાન સૂપડા જેવા હોય છે. આ સૂપડા જેવા કાનનો અર્થ છે કે એના કાન હંમેશાં ખુલ્લા રહે છે. ભક્ત પણ એવો જ હોવો જોઈએ. ભક્ત બધાને સાંભળતો હશે. મચ્છર ગણગણે તોયે તે સાંભળે અને ઢોલ વાગે તો પણ તેને સંભળાય. કહેવાનો ભાવાર્થ એ કે નાનામાં નાના માણસને પણ તે સાંભળે અને મોટામાં મોટા માણસને પણ તે પોતાનો કાન આપે. ભક્ત પોતાના કાન મોટા રાખે અને આ જ વાત તમે પણ જીવનમાં અપનાવજો. કાન બહુ મોટા રાખજો. બધાને સાંભળવાનું અને નાનામાં નાની વાતનો સ્વીકાર કરવાનો. કાનને એટલા મોટા કરો કે ભગવત્ કથા રૂપી નદીઓ તમારા કાનમાં આવ્યાં જ કરે અને છતાં તમારા કાન તૃપ્ત થાય જ નહીં. આવા કાન, સૂપડા જેવા કાન ભક્તના હોય છે.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)